ઓલપાડ નજીક આવેલા તળાવમાંથી બે યુવકોના મૃતદેહ મળવાની ઘટનામાં પોલીસ તપાસ દરમિયાન આડાસંબંધો જવાબદાર હોવાનું સામે આવ્યું છે. પ્રેમી સાથએ લગ્ન કરવા છૂટાછેડા માંગ્યા પછી મનાઈ કરનારા પતિનો કાંટો કાઢી નાખવા પત્નીએ પ્રેમી સાથે મળી કાવતરું રચ્યું હોવાનો ખુલાયો થયો હતો. અને પત્ની ખૂશ્બૂની ધરપકડ કરવામાં આવી હતી. એક માસ પહેલા પણ દીકરીને પિયર મૂકવા જવાના બહાને ખુશ્બૂ પતિને તળાવ નજીક લઈ ગઈ હતી. જોકે, પ્રેમી સમયસર ન પહોંચતા હત્યાનો પ્લાન નિષ્ફળ ગયો હતો. ત્યારબાદ બે દિવસ અગાઉ ફરી હત્યાનો પ્લાન બનાવ્યો હતો. જેમાં પતિની સાથે પ્રેમી પણ મોતને ભેટ્યો હતો. પોલીસે પત્ની ખુશ્બૂની ધરપકડ કરી સેશન્સ કોર્ટમાં રજૂ કરતા એક દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.મોરાભાગળ ખાંડાકુવા ખાતે રહેતા કમલ યોગેશભાઇ પટેલ (ઉ.વ.૩૪)ની પત્ની ખુશ્બૂ શિક્ષિકા તરીકે રાંદેરની લોકમાન્ય સ્કૂલમાં ફરજ બજાવે છે. સાત વર્ષના લગ્નગાળામાં ૩ વર્ષની પુત્રી હોવા છતા ખુશ્બૂ તુષાર ઉત્તમભાઇ પટેલ નામના યુવકના પ્રેમમાં પડી હતી. પત્નીના પ્રેમ અંગે પતિને જાણ થઈ જતા ઝઘડો થયો હતો. જેથી પત્નીને છૂટાછેડા માટે કહ્યું હતું. જોકે, દીકરીના ભવિષ્યને ધ્યાને રાખી છૂટાછેડાની મનાઈ ફરમાવી દીધી હતી. જેથી પત્નીએ પ્રેમી સાથે મળી પતિને મોતને ઘાટ ઉતારવાનું કાવતરું રચ્યું હતું. ૨૧મીના રોજ રાત્રે ખુશ્બૂ પતિ સાથે પિયર દીકરીને લેવા માટે સેગવા-વસવારી જવા નીકળી હતી અને કોસમ કંટારાગામ વચ્ચેના તળાવ પાસે પહોંચતા લધુશંકાના નામે બાઈક ઉભી રખાવી હતી. જ્યાં તુષાર પહેલાંથી હાજર હતો અને તેણે કમલને તળાવમાં ધક્કો મારતા તેમની વચ્ચે ઝપાઝપી થઇ હતી. જોકે, કમલે પણ તુષારને પકડી રાખતા બંને જણા તળાવમાં ગરક થઇ જતા મોતને ભેટ્યા હતા.
જહાંગીરપુરા પોલીસે હત્યાના ગુનામાં પત્ની ખુશ્બૂ પટેલની ધરપકડ કરી કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડની માંગણી કરી હતો. ખુશ્બૂ અને તુષાર વચ્ચે કેટલા સમયથી આ કાવતરું રચવામાં આવ્યું હતું. બંને જણા ક્યાં ક્યાં મળતા હતા. આ હત્યાનો પ્લાન કોણે તૈયાર કર્યો હતો. ઉપરાંત ખુશ્બૂની સાસરી અને તેના પિયરમાં તપાસ કરવાની હોવાથી પોલીસે રિમાન્ડની માંગણી કરતા સેશન્સ કોર્ટે ખુશ્બુના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.