પોતાની જવાબદારીમાં પ્રમાણિક્તા અને નિષ્ઠાપૂર્વક એક કદમ ચાલીએ એ જ સાચી દેશ સેવા છે : શિક્ષણ મંત્રી

351

ભારતીય શિક્ષક પ્રશિક્ષક સંસ્થાન (IITE)ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના સંકલ્પ સિદ્ધિના આહવાનને ઊજાગર કરવાના હેતુસર રાજ્યના શિક્ષણ મંત્રી  ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે કુલપતિ શ્રી ડૉ. હર્ષદ પટેલના અધ્યક્ષસ્થાને નવનિયુક્ત ૧૫ અધ્યાપકોને શુભેચ્છા સાથે નિમણૂક પત્રો અર્પણ કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે નવનિયુક્ત અધ્યાપકોને શુભેચ્છા પાઠવતા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં ટીચર્સ યુનિવર્સિટીનો સૌ પ્રથમ વિચાર રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને આવ્યો હતો.

ક્વોલીટી એજ્યુકેશનની સાથે સાથે ટીચર્સ ક્વોલીટીનાં મુખ્ય ધ્યેય સાથે આ સંસ્થાની શરૂઆત કરાઇ છે.IITEનાં કુલપતિ ડૉ. હર્ષદ પટેલને અભિનંદન આપતા મંત્રીએ ઉમેર્યુ કે, તેમની ટીમના પ્રયત્નોથી  નરેન્દ્રભાઇ મોદીનું સ્વપ્ન સાકાર થતું જોઇ રહ્યો છું.

ચુડાસમાએ વધુમાં ઉમેર્યું કે, પોતાની જવાબદારીમાં પ્રમાણિકતા અને નિષ્ઠાપૂર્વક એક કદમ આગળ ચાલીએ એ જ સાચી દેશ સેવા છે. નિષ્ઠાપૂર્વક શિક્ષક તરીકેની જવાબદારી નિભાવીને શૈક્ષણિક પદ્ધતિને વધુ સરળ બનાવવા અંગે રીસર્ચ કરવા મંત્રીએ આહવાન કરી નવનિયુક્ત અધ્યાપકોને કહ્યું  હતું કે, તમારી પસંદગી યથાર્થ છે તે તમારે તમારા કૌશલ્યથી સાબિત કરી બતાવવાનું છે.

ચુડાસમાએ વધુમાં જણાવ્યું કે, કોઇ એક મામલતદાર બે તાલુકા ચલાવી શકે, કોઇ એક તલાટી બેથી વધુ ગામ ચલાવી શકે પરંતુ કોઇ એક શિક્ષક બે વર્ગખંડ ચલાવી શકે નહી, એટલે જ રાજ્ય સરકાર શિક્ષકોની ભરતીમાં ગુણવત્તા સાથે ઝડપનો આગ્રહ રાખે છે. રાજ્યની તમામ યુનિવર્સિટીને નિયત સમયમર્યાદામાં શિક્ષક-અધ્યાપકોની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા જણાવાયું હતું, તેમાં આઇ.આઇ.ટી.ઇ. સૌ પ્રથમ છે તેમ તેમણે ઉમેર્યુ હતું.

આ પ્રસંગે આઇ.આઇ.ટી.ઇ.ના કુલપતિ  ડૉ. હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, નિયત સમયમર્યાદા પહેલા ભરતી પ્રક્રિયાઓ પૂર્ણ કરી છે તેનો હું ગર્વ અનુભવું છુ. શિક્ષક અને મંત્રીના કોમ્બીનેશન એવા  ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના સતત માર્ગદર્શન હેઠળ વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીના સ્વપ્ન એવા ‘‘ક્વોલીટી એજ્યુકેશન-ક્વોલીટી રીસર્ચ’’ને સાકાર કરવાનો અમારો સંપૂર્ણ પ્રયત્ન છે અને આ સ્વપ્નને પૂર્ણ કરવાનો સમગ્ર ટીમનો સંકલ્પ પણ છે.

આ પ્રસંગે શિક્ષણ મંત્રીના હસ્તે આઇ.આઇ.ટી.ઇ. મેગેઝીનનું વિમોચન અને નવનિર્મિત પ્રાર્થનાસભા ખંડનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આઇ.આઇ.ટી.ઇ.ના પુસ્તકાલયની પ્રદર્શની ખુલ્લી મુકી ફીઝીક્સ ડીપાર્ટમેન્ટ દ્વારા તૈયાર કરાયેલા ડૉ. વિક્રમ સારાભાઇ સાયન્સ રીસર્ચ થીમનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે આઇ.આઇ.ટી.ઇ.ના રજીસ્ટ્રાર  મધુસુદન મકવાણા, સેન્ટર ઓફ એજ્યુકેશનના ડાયરેક્ટર અને ડીન  કલ્પેશભાઇ પાઠક, આચાર્યઓ, અધ્યાપકો, નવનિયુક્ત અધ્યાપકોના પરીવારજનો અને આઇ.આઇ.ટી.ઇ. સ્ટાફના સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.

Previous articleપ્રેમી સાથે મળી પતિની હત્યા કરનાર પત્નીનાં ૧ દિવસના રિમાન્ડ મંજૂર
Next articleદિવાળી કે અન્ય તહેવારો દરમિયાન સુપ્રિમ કોર્ટના હુકમ મુજબ રાત્રીના ૮ થી ૧૦ સિવાય ફટાકડા ફોડી શકાશે નહીં