મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે પરિણામને લઇને તમામની નજર મુંબઈની વર્લી વિધાનસભા સીટ પર કેન્દ્રિત થઇ ગઇ હતી. શિવસેનાના આદિત્ય ઠાકરેએ આ સીટ પર સુરેશ માનેને ૬૭૪૨૭ મતના અંતરથી હાર આપી દીધી છે.
ઇતિહાસમાં પ્રથમ વખત ઠાકરે પરિવારમાંથી કોઇ વ્યક્તિએ ચૂંટણી લડી છે. આદિત્ય ઠાકરેએ આ ઉલ્લેખનીય સફળતા મેળવી લીધી છે. વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી યોજાયા બાદ આજે મતગણતરી શરૂ થતાં આદિત્ય ઠાકરેએ શરૂઆતથી જ લીડ મેળવી લીધી હતી અને છેલ્લે સુધી લીડ જાળવી હતી. જીત બાદ આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે, તેઓ ખુબ ખુશ છે. લોકોનો આશીર્વાદ મળ્યો છે. મહારાષ્ટ્રની રાજનીતિમાં વર્ચસ્વ રાખનાર શિવસેનાના સ્થાપક બાલાસાહેબ ઠાકરેના પરિવારમાં કોઇપણ સભ્યએ હજુ સુધી ચૂંટણી લડી ન હતી. આ વખતે આ પરંપરા તોડીને આદિત્ય ચૂંટણી મેદાનમાં ઉતર્યો હતો. આદિત્યએ મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી બીએ અને કેસી લો કોલેજમાંથી એલએલબી કર્યું છે. આદિત્ય પાસે ૧૬.૦૫ કરોડની સંપત્તિ છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ આદિત્યની સામે ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા ન હતા. રાજ ઠાકરેના ભત્રીજા તરીકે આદિત્ય છે.