આજે ધનતેરસ પ્રસંગે ઘેર-ઘેર મહાલક્ષ્મીનું પૂજન થશે

532

આજે પવિત્ર રમા એકદાશીની પ્રારંભ સાથે જ દિવાળીના હર્ષોલ્લાસભર્યા પર્વનો વિધિવત્‌ પ્રારંભ થયો છે. આવતીકાલે વાઘબારસ અને ધનતેરસ એકસાથે છે. આવતીકાલે વાઘબારસના પર્વની સરસ્વતી માતાના પૂજન અને ગૌપૂજન સાથે ઉજવણી કરવામાં આવશે. સોલા ભાગવત, જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિર, થલતેજ કૈલાશ ટેકરી સહિતના મંદિરોમાં ગૌમાતાનું વિધિવત્‌ પૂજન કરવામાં આવશે. તો, વાઘબારસના પર્વ નિમિતે સરસ્વતી માતાનું પણ શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજન કરવામાં આવશે. તો સાથે સાથે આવતીકાલે ધનતેરસનું પણ પવિત્ર પર્વ હોઇ શહેરીજનો સહિત રાજયભરના પ્રજાજજનો ધનતેરસની ઉજવણીને લઇ ભારે ઉત્સાહિત અને ખુશ છે. ધનતેરસ એટલે ભગવાન ધન્વન્તરિની આરાધના અને મહાલક્ષ્મી માતાના પૂજનનું પવિત્ર પર્વ. આવતીકાલે શહેરની સિવિલ હોસ્પિટલ, સિવિલની જ મણિબહેન આયુર્વેદિક હોસ્પિટલ સહિતની વિવિધ હોસ્પિટલમાં ડોકટરો અને સ્ટાફ દ્વારા ભગવાન ધન્તન્તરિની વિધિવત્‌ પૂજા કરવામાં આવશે અને તેમના આશીર્વાદ મેળવવામાં આવશે. તો, લોકો પોતાના ઘરો-ઓફિસમાં ભારે ભકિતભાવ સાથે માતા શ્રી મહાલક્ષ્મીજી, ભગવાન કુબેર અને ગણેશજી ભગવાનની પૂજા કરશે. સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો.એમ.એમ.પ્રભાકરે જણાવ્યું હતું કે, ભગવાન ધન્વંતરિને હિન્દુ ધર્મમાં આરોગ્યના દેવતા મનાયા છે. તેઓ એક મહાન ચિકિત્સક હતા, જેમને દેવનું પદ પ્રાપ્ત થયું. માન્યતા અનુસાર તેઓ ભગવાન વિષ્ણુના અવતાર છે. તેમનું પૃથ્વી પર અવતરણ સમુદ્ર મંથન સમયે થયું હતું. શરદ પૂનમના દિવસે ચંદ્રમા, બારસે કામધેનુ ગાય, તેરસે ધન્વંતરિ, ચૌદસે કાળકા માતા, અને અમાસના દિવસે ભગવતી લક્ષ્મીજી સાગરમાંથી પ્રગટ થયા હતા. એટલે જ દિવાળીના બે દિવસ પૂર્વે તેરસે ભગવાન ધન્વંતરિનો જન્મદિવસ મનાવવામાં આવે છે. આપણે તેને ધનતેરસ પણ કહીએ છીએ. આ જ દિવસે આયુર્વેદનો પણ ઉદભવ થયો હતો. તેથી તેેનું અનોખુ અને આરોગ્યની દ્રષ્ટિએ અનેરૂ મહત્વ અને મહાત્મ્ય છે. સિવિલ હોસ્પિટલ પ્રાંગણમાં સ્થાપિત ભગવાન ધન્વન્તરિની મૂર્તિનું આવતીકાલે ધનતેરસના પવિત્ર દિને ડોકટરો, સ્ટાફની હાજરીમાં વિધિવત્‌ પૂજન કરવામાં આવશે અને સૌનું આરોગ્ય સારૂ રહે અને ડોકટરો, નર્સ સહિતના સ્ટાફ દર્દીઓની સેવામાં નિષ્ઠાથી ફરજ બજાવે તેવા આશીર્વાદ મેળવવામાં આવશે. ધન્વન્તરિ ભગવાન આરોગ્ય સુખાકારી આપતાં દેવતાં છે.

, તેમનું પૂજન સારા સ્વાસ્થ્ય અને આરોગ્ય માટે અનિવાર્ય છે. દિવાળીની ખરી શરૂઆત ધનતેરસથી જ થઇ જતી હોય છે. આ દિવસે ધનનાં દેવતા ભગવાન કુબેર અને માતા શ્રી મહાલક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે. દરેક વર્ષે ધનતેરસ કારતક માસનાં ૧૩માં દિવસ અને દિવાળીથી બે દિવસ પહેલા મનાવવામાં આવે છે.

માન્યતા એવી છે કે ધનતેરસનાં દિવસે ક્ષીર સાગરનાં મંથન દરમ્યાન જ મહાલક્ષ્મીજી અને ભગવાન કુબેર પ્રગટ થયા હતાં. જેથી ધનતેરસનાં દિવસે સોના-ચાંદી અને વર્તન ખરીદવાનું શુભ માનવામાં આવે છે. આવતીકાલે ધનતેરસની ભારે ઉત્સાહ, ઉમંગ અને ધાર્મિક આસ્થા સાથે ઉજવણી કરવામાં આવશે. આ દિવસે માતા લક્ષ્મીજીની કૃપા મેળવવા માટે ચાંદી સહિતની શુકનવંતી ચીજવસ્તુઓ અને સામાન ખરીદવાની પણ માન્યતા છે કે જેને પગલે માતા લક્ષ્મીનો સદાય તેમના ઘરમાં, ઓફિસમાં કે કચેરીમાં વાસ રહે. મહાલક્ષ્મી પૂજનને લઇ ભાવિક ભકતોમાં અત્યારથી જ ધાર્મિક આસ્થા છવાઇ છે. શહેરના વિવિધ વિસ્તારમાં લક્ષ્મીપૂજનના પૂજાપા સામાનની લારીઓ અને ફેરિયાઓ ફુલહાર, ફુલ સહિતની પૂજા સામગ્રી લઇને ઉભા રહી ગયા છે. મહાલક્ષ્મી માતાજીને પ્રસન્ન કરવા ઓમ્‌ મહાલક્ષ્મ્યૈ નમ : ના જાપ ઉપરાંત કનકધારા સ્તોત્રનું પઠન કરવું.

 

Previous articleભાવનગરમાં તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવાનની હત્યા
Next articleરાધનપુર-બાયડના પરિણામ દેશની રાજકારણ માટે સૂચક