વ્યકિતગત સ્વાર્થ જાહેર રાજનીતિમાં સ્થાન ના હોય તેવો સ્પષ્ટ સંદેશો પ્રજાએ આપી દીધો છે. ભાજપની નીતિઓ અને નિર્ણયોથી પ્રજા નાખુશ છે અને આવનારા સમયમાં કોંગ્રેસની સાથે ગુજરાતની જનતા ચાલશે. કોંગ્રેસનો ત્રિરંગો ફરી એકવાર પ્રજાએ ફરકાવ્યો છે. ભાજપના શાસકો સત્તાના અભિમાન અને અહંકારમાં પ્રજાને હેરાન-પરેશાન કરતાં નિર્ણયો લઇ પ્રજાને ગુલામીમાં રાખવાના ભ્રમમાં રાચતા હતા પરંતુ ગુજરાતની શાણી જનતાએ તેમને જડબાદોડ જવાબ આપી દીધો છે. સત્તા અને પૈસાથી લોકોને ડરાવી-ધમકાવી દબાયેલા રાખવાનો જે અંહકાર અને ઘમંડ હતો, તે ગુજરાતની જનતાએ ભાજપને જોરદાર તમાચો મારી ઉતારી નાંખ્યો છે.
ચાવડાએ રાધનપુર અને બાયડ બેઠક પરથી અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની વધુમાં પ્રહાર કરતાં જણાવ્યું કે, ગુજરાતમાં દલબદલુઓને હવે સ્થાન નહી હોય. જેઓને અંહકાર હતો, કે તેઓ તેમની તાકાતના જોરે ચૂંટાયા છે પરંતુ વાસ્તવિકતા એ છે કે, કોંગ્રેસના કાર્યકરો અને સ્થાનિક મતદારોએ આવા તત્વોનો તે અહંકાર ઉતારી દીધો છે. ત્યાંની પ્રજાના કોંગ્રેસને આશીર્વાદથી જીત ૨૦૦૭માં થઇ હતી. જે લોકો સત્તા, પૈસા અને વ્યકિતગત લાલસા માટે પ્રજા અને પક્ષનો દ્રોહ કરે છે તેઓને જાહેરજીવનમાં સ્થાન ના હોઇ શકે તેવો પ્રજાએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે. બાયડ અને રાધનપુરના આ પરિણામો માત્ર ગુજરાત જ નહી પરંતુ દેશના રાજકારણમાં આ પરિણામો દિશાસૂચક બની રહેશે કે, કયારેય પૈસા અને સત્તા માટે રાજકારણમાં વ્યકિતગત સ્વાર્થ સિધ્ધ ના થઇ શકે. કોંગ્રેસ હંમેશા તમામ લોકોને સાથે લઇને ચાલ્યું છે. તમામ સમાજ પણ કોંગ્રેસની સાથે જ રહ્યા છે પરંતુ કેટલાક લોકોને એવો ભ્રમ હતો કે, અમે સમાજને લઇ ચાલીએ છીએ અને પરંતુ તેમનો ભ્રમ પ્રજાએ ભાંગી નાંખ્યો છે. પક્ષ અને પ્રજા સાથે વિશ્વાસઘાત કરી કોંગ્રેસને છોડી ભાજપમાં જોડાયા પરંતુ પ્રજાએ દૂધનું દૂધ ને પાણીનું પાણી કરી નાંખ્યું છે. ચાવડાએ ઉમેર્યું હતું કે, દિવાળી પછી કોંગ્રેસ પક્ષના નવા માળખાની જાહેરાત કરવામાં આવશે. ગુજરાતની આ હવેના સમયમાં અહંકારી શાસન નહી ચાલે, પ્રજાના સાચા અને સ્થાનિક મુદ્દાઓની વાત પ્રજાના કલ્યાણ અને હિતમાં કરવી પડશે. દરમ્યાન પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પણ પરિણામોને વધાવતાં જણાવ્યું હતું કે, આજના પરિણામો પરથી હવે ભાજપના સૂપડા સાફ થઇ જવાની શરૂઆત થઇ ગઇ છે. પોતાના અંગત સ્વાર્થ અને રાજકીય લાલચ માટે પક્ષપલ્ટો કે પ્રજાનો દ્રોહ કરશે તો, ગુજરાતની જનતા તેને જવાબ આપશે તે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહની હાર પરથી પ્રસ્થાપિત થઇ ગયુ છે.