ગુજરાત વિધાનસભાની છ બેઠકોની પેટાચૂંટણીના આજના પરિણામોએ ભાજપ જે પ્રકારે દિવાસ્વપ્નોમાં રાચતુ હતુ તે તેનો ભ્રમ બહુ ખરાબ રીતે ભાંગી નાંખ્યો છે. છમાંથી ત્રણ બેઠકો ગુમાવતાં ભાજપની બહુ ખરાબ રાજકીય હાર અને પછડાટ મનાઇ રહી છે કારણ કે, ગુજરાતમાં અને કેન્દ્રમાં જયારે ભાજપ સત્તામાં હતુ અને કલમ-૩૭૦ નાબૂદી અને તાજેતરમાં પાકિસ્તાન પર હુમલાના તમામ ઘટનાક્રમને પ્રચારમાં ઉતારવા છતાં ભાજપ રાજકીય જીત કે દબદબો હાંસલ કરવામાં નિષ્ફળ રહ્યું હતું. ભાજપનું ગણિત કે અમિત શાહની ચાણકય નીતિ કે સ્થાનિક સંગઠન અને નેતાઓની રાજકીય વ્યૂહરચના કયાં નિષ્ફળ રહી તે મુદ્દે હવે મહામંથન ભાજપને કરવાનો સંકેત પ્રજાએ સ્પષ્ટ રીતે આજના પરિણામો પરથી આપી દીધો છે. બીજીબાજુ, કોંગ્રેસમાં આજના પરિણામોને લઇ ભારે હર્ષોલ્લાસ, ઉત્સાહ અને વિજયોત્સવનો માહોલ છવાઇ ગયો હતો. કોંગ્રેસ કચેરીએ ફડાકડા ફોડી, મીઠાઇઓ વહેંચી, ઢોલ-નગારા અને ત્રાંસાના નાદ વચ્ચે નાચી ઝુમી કાર્યકરોએ વિજયોત્સવ મનાવ્યો હતો. કોંગ્રેસ માટે તો દિવાળી પહેલા દિવાળી જેવો માહોલ સર્જાયો હતો તો, ભાજપ માટે ભર દિવાળીએ જાણે હોળી જેવો ઘાટ સર્જાયો હતો.
કોંગ્રેસની તાકાત માપવામાં ભાજપ કયાંય ઉણુ ઉતર્યું અને તેના કારણે જ ત્રણ બેઠકો ગુમાવવાની સાથે સાથે કારમી અને અણધારી હારનો સ્વાદ પણ ભાજપને ચાખવો પડયો. કોંગ્રેસના નેતાઓએ ભાજપ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, ટ્રાફિક, પાર્કિંગ સહિતના મનઘંડત કાયદાઓ, પ્રજાને હેરાન-પરેશાન કરનારા નિયમો થકી ફરી એકવાર ગુલામીની ઝંઝીરમાં જકડવાનો પ્રયાસ ભાજપે કર્યો તેને પ્રજાએ જોરદાર જડબાતોડ જવાબ આપ્યો છે.
બીજીબાજુ, ગુજરાત પેટાચૂંટણીના આંચકાજનક પરિણામો બાદ ગાંધીનગર ખાતે આવેલા ભાજપના કાર્યાલય પર વિજય મહોત્સવ યોજવાની તમામ તૈયારીઓ અને આયોજન આગોતરી રીતે કરી દેવાયા હતા પરંતુ છેલ્લી ઘડીયે આ વિજય મહોત્સવ અને ઉજવણી પડતા મૂકાયા હતા. ભાજપમાં નાનામાં નાના કાર્યકરોથી માંડી સ્થાનિક નેતાઓ અને આગેવાનોમાં તેમ જ સંગઠનના હોદ્દેદારોમાં ભારે નિરાશા અને હતાશા પ્રવર્તેલી જોવા મળી હતી. ભાજપ માટે ગુજરાતનું આ પરિણામ બહુ નિરાશાજનક અને મોટી રાજકીય પછડાટ સમાન મનાઇ રહ્યું છે. ભાજપ ચૂંટણી પહેલાં તમામ બેઠકો જીતવાનો દાવો કર્યો હતો પરંતુ તેની પર ઠંડુ પાણી રેડાઇ ગયુ છે. બીજીબાજુ, કોંગ્રેસમાં તો ગુજરાતની પેટાચૂંટણીના પરિણામોથી જોરદાર ઉત્સાહ અને એક નવી ઉર્જાનો સંચાર થયો છે. ગુજરાત કોંગ્રેસમાં જાણે નવા પ્રાણ ફુંકાયા હોય તેમ આજના પરિણામો બાદ કોંગ્રેસના કાર્યકરોથી માંડી સ્થાનિક અને સંગઠનના નેતાઓ ભારે ખુશી અને ઉત્સાહથી ઝુમી ઉઠયા હતા. કોંગ્રેસ કચેરી ખાતે તો, જોરદાર ફટકડા ફોડી દિવાળીની આગોતરી ઉજવણી કરી દેવાઇ હતી. તો, ઢોલ-નગારા અને ત્રાંસા સાથે કાર્યકરોએ નાચી-ઝુમી ભવ્ય વિજયોત્સવ મનાવ્યો હતો.