જાતિવાદી પરિબળ હાર માટે કારણો : અલ્પેશની પ્રતિક્રિયા

438

રાધનપુર બેઠક પરથી બહુ કારમી અને અણધારી હાર પામ્યા બાદ ભાજપના અલ્પેશ ઠાકોરે ભારે નિરાશા અને હિંમત હારી ગયેલા ચહેરે જણાવ્યું હતું કે, આજના પરિણામોમાં મારી હારનો સ્વાદ હું સ્વીકાર કરુું છું. ઠાકોર સમાજના લોકોએ ખોબલે ખોબલે મત આપ્યા તે બદલ આભારી છું. આ ચૂંટણીમાં સામે આવેલી જાતિવાદની રાજનીતિ અને લોકોને લલચાવવાની રાજનીતિ ખતરારૂપ છે. ઠાકોર સમાજ સંવેદનશીલ, સહનશીલ અને લાગણીશીલ સમાજ છે, આ સમાજે મને ખૂબ લાડ અને પ્રેમ આપ્યો છે. સમાજના રક્ષણ અને અધિકાર માટે જયાં લડવાનું થાય તે માટે અલ્પેશ ઠાકોર તત્પર છે. જાતિવાદ અને લાલચના ષડયંત્રથી મને હરાવવામાં આવ્યો છે.

જાતિવાદી પરિબળો હારનું મુખ્ય કારણ છે. પરંતુ આવું ક્ષણિક કોઇકવાર થતું હોય છે પરંતુ છેલ્લે સત્યનો વિજય થાય છે, અને સત્યનો વિજય થશે. અલ્પેશે વધુમાં જણાવ્યું કે, હું ગરીબો માટે અને મારા સમાજ માટે સતત લડતો આવ્યો છુ અને હજુ પણ લડતો રહીશ. આવનારા સમયમાં પત્તા ખોલવાની વાત ફરી એકવાર અલ્પેશ ઠાકોરે ઉચ્ચારી હતી. વિઘટક તત્વો અને ડર-પૈસા, લાલચની રાજનીતિના કારણે હારનું પરિણામ આવ્યું છે. જે લોકોએ મને આશીર્વાદ આપ્યા તે બદલ તે તમામ લોકોને અને ખાસ રાધનપુરની જનતાનો હું આભાર માનું છુ. રાધનપુરના સર્વાંગી વિકાસના સપના ચકનાચૂર થઇ ગયા છે.  હવે આગામી ત્રણ વર્ષ રાધનપુરનો વિકાસ કોણ કરશે અને કેવી રીતે થશે તે મોટો સવાલ છે. આ જ પ્રકારે બાયડ બેઠક પરથી હારેલા ધવલસિંહ ઝાલાએ પણ વિલા મોંઢે પોતાની હાર સ્વીકારી લીધી હતી અને મતદારોનો આભાર માની કાઉન્ટીંગ સ્થળેથી રવાના થઇ ગયા હતા.

Previous articleપેટાચૂંટણી, સ્થાનિક ચૂંટણીમાં ભાજપને લોકોનું સમર્થન મળ્યું
Next articleઅલ્પેશ-ધવલસિંહની સ્થિતિ ન ઘરના, ન ઘાટના જેવી થઈ