ભૂગર્ભ જળના વધુ પડતા શોષણ અને સપાટી જળની સંગ્રહશક્તિ વધારવા આયોજનઃ પરબતભાઇ પટેલ

776
gandhi2032018-5.jpg

જળસંપત્તિ મંત્રી પરબતભાઇ પેટેલે જણાવ્યું છે કે ગુજરાતમાં ૧૯૯પ પછીના શાસનમાં જળવ્યવસ્થાપન ક્ષેત્રે કેટલીક નિશ્ચિત દીશા અને ચોક્કસ નીતિ વિષયક કાર્યરીતિ અમલમાં મુકી છે. ભૂગર્ભ જળના વધુ પડતા શોષણને લઇને ઉદ્દભવેલ ચિંતાજનક પરિસ્થિતિથી બહાર આવવા સપાટી જળ ઉપર ધ્યાન કેન્દ્રીત કરી રાજ્ય સરકારે સપાટી જળની સંગ્રહશક્તિ વધારવી અને તેનું સક્ષમ અને કાર્યદક્ષ પદ્ધતિથી વિતરણ કરવા એમ બંને આયામો ઉપર ઠોસ કદમ રાજ્ય સરકારે ઉઠાવ્યા છે. જેના પરિણામે ભૂગર્ભ જળ ઉંચે આવ્યા છે. 
જળસંપત્તિ વિભાગ પાસેની ૧૯ મોટી, ૯૦ મધ્યમ અને ૯૭૫ નાની સિંચાઇ યોજનાઓમાં જળસંગ્રહ કરવા ઉપરાંત રાજ્ય સરકારે ૧,૬૮,૯૨૯ ચેકડેમો, ૩૪૫૩૬ અનુશ્રવણ તળાવો તથા તળાવો ઉંડા ઉતારવાની મહત્વની કામગીરી હાથ ધરી સંગ્રહશક્તિમાં નોંધપાત્ર વધારો થયો છે અને તેના કારણે વંચિત વિસ્તારોમાં ખેતી અને પશુપાલન તથા પીવા માટે પાણી ઉપલબ્ધ કરાવી શકાયેલ છે. છેલ્લા વર્ષોમાં રાજ્ય સરકારે ૮૭ નવી મધ્યમ અને નાની સિંચાઇ યોજનાઓ હાથ ધરેલ છે. જેમાંથી ૬૯ બંધોની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. 
આદિજાતિ વિસ્તાર માટે રૂ.૮૫૭ કરોડની માતબર જોગવાઇ કરવામાં આવી છે. જેમાં મહીસાગર અને દાહોદ જિલ્લા માટે કડાણા જળાશય આધારીત ઉદ્દવહન સિંચાઇ યોજનાઓ માટે રૂ.૧૨૦ કરોડ, વાલીયા, ઝઘડીયા અને માંગરોળ વિસ્તારના સિંચાઇથી વંચિત આદિજાતિ વિસ્તારને લાભ આપવા માટે કરજણ જળાશય આધારીત ઉદ્દવહન સિંચાઇ યોજના માટે રૂ.૧૧૮ કરોડ, કાંકરાપાર ગોરધા સુધીની ઉદ્દવહન સિંચાઇ યોજના માટે રૂ.૧રપ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે. આ ઉપરાંત આદિજાતિ વિસ્તારની યોજનાઓમાં નહેર સુધારણાના કામો માટે ૧૧ર કરોડની જોગવાઇ કરેલ છે. આ ઉપરાંત સિંચાઇથી વંચિત સોનગઢ, ઉચ્છલ અને નિઝર તાલુકાના આદિજાતિ વિસ્તારના લોકો માટે ઉકાઇ જળાશય આધારીત નવિન ઉદ્દવહન સિંચાઇ યોજનાઓ માટે રૂ.૨૦ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે. જેનાથી આદિજાતિ વિસ્તારના ૧૮૨ ગામોને ૩૦૭૮૪ હેક્ટર વિસ્તારને સિંચાઇનો ફાયદો થશે.
જળસંચયના નાના મોટા ચેકડેમ, તળાવો ઉંડા કરવા, ચેકડેમ રિપેરીંગ અને જળાશયોમાંથી કાંપ દૂર કરવા માટે રાજ્ય સરકારે રૂ.૩૫૭ કરોડની જોગવાઇ કરેલ છે. 
હયાત સિંચાઇ યોજનાઓની નહેરો વર્ષો જૂની હોવાથી પાણીનું સીપેજનું પ્રમાણ વધારે થતું હોવાથી પાણી કમાન્ડ વિસ્તારના તમામ ખેડૂતોને પહોંચાડવામાં મુશ્કેલી અનુભવાય છે. આ સમસ્યાના નિરાકરણ માટે રાજ્ય સરકારે રૂ.૪૭૫ કરોડની જોગવાઇ કરેલ છે. જેમાં નહેર સુધારણાની કામગીરી તેમજ હયાત કેનાલ નેટવર્કને કટીંગ કેનાલમાં ફેરવવાની કામગીરી થવાથી છેવાડાના ખેડૂતોને પાણી મળશે.
આ ઉપરાંત ક્ષાર પ્રવેશ નિયંત્રણના કામો માટે રૂ.૨૮ કરોડ અને દરીયા ધોવાણના કામો માટે રૂ.૧ર કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે તેમજ રાજ્યની સિંચાઇ યોજનાઓની બંધ સુરક્ષાના કામો માટે રૂ.૭૦ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે તેમજ સૌરાષ્ટ્ર વિસ્તારની પ્રગતિ હેઠળની અને આયોજન હેઠળની સિંચાઇ યોજનાઓ માટે રૂ.૮૭ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે.
સૌરાષ્ટ્ર વિસ્તાર માટે અગત્યની સૌની યોજનાની કામગીરીનો પ્રથમ તબક્કો પૂર્ણ થયેલ છે.  આ પ્રથમ તબક્કાના કામોથી ૧૬ જળાશયોના ૬૭૦૦૦ હેક્ટર વિસ્તારમાં સિંચાઇ સુવિધા સુદ્રઢ થયેલ છે. આ યોજનાને આગળ ધપાવતા તબક્કા-ર માં મચ્છુ-૧ થી આજી-૧ સુધીની ૩૧ કિ.મી. લંબાઇની પાઇપલાઇનની કામગીરી અગ્રતાના ધોરણે શરૂ કરાવી તેમજ ફક્ત સાત માસના ટૂંકાગાળામાં કાર્યાન્વિત કરી દેવામાં આવેલ છે. જેના લીધે આજી-૧ ડેમ મારફતે રાજકોટ શહેરનો પીવાના પાણીનો પ્રશ્ન મહદ્દ અંશે હલ થયેલ છે.  સૌની યોજનાના બીજા તબક્કાના ૧૧ કામો પ્રગતિ હેઠળ છે. જેના માટે રૂ.૧૭૬૫ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે.  
ઉત્તર ગુજરાત માટે અગત્યની સુજલામ સુફલામ યોજના અંતર્ગત કેનાલની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. કડાણા ડેમથી બનાસકાંઠાના રાહગામ સુધી નહેર બનાવેલ છે.  જેનાથી ૭૦,૦૦૦ હેક્ટર જમીનમાં સિંચાઇનો લાભ મળે છે.  આ ઉપરાંત ૧૧ પાઇપલાઇનની કામગીરી પૂર્ણ કરી ૪પ૩ જેટલા તળાવોનું જોડાણ કરેલ છે. સુજલામ સુફલામ યોજનાથી કુલ ૭૦૯ તળાવોનું જોડાણ કરેલ છે. ૬૭૯ ગામ અને ૮ શહેરને પીવાનું પાણી પૂરુ પાડવામાં આવે છે. સુજલામ સુફલામ યોજના માટે આ વર્ષે રૂ.૨૪૦ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે. રાજ્યના કુલ ખેતીલાયક વિસ્તારમાં સિંચાઇનો લાભ જે અગાઉ માત્ર ૩૧ % વિસ્તારને જ મળતો હતો તે વધારીને પ૧ %  સુધી પહોંચાડવામાં આવ્યો છે

Previous articleઅમદાવાદમાં બ્રિજ કોર્સના વિરોધમાં મેડિકલના વિદ્યાર્થીઓએ કર્યો ‘પકોડા પ્રોટેસ્ટ’
Next articleજાફરાબાદ મામલતદારને આવેદન અપાયું