વિજય હજારે ટ્રોફીની ફાઇનલમાં તમિલનાડુ તરફથી રમી રહેલ ભારતીય ટેસ્ટ ટીમના નિયમિત સભ્ય રવિચંદ્રન અશ્વિન પર ઘરેલૂ મેચમાં બીસીસીઆઈના લોગોનો ઉપયોગ કરવાને કારણે દંડ લાગી શકે છે. કર્ણાટક વિરુદ્ધ રમાયેલી ફાઇનલમાં અશ્વિન જ્યારે પોતાની ટીમ તરફથી ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવ્યો તો તેણે બીસીસીઆઈના લોગો વાળુ હેલમેટ પહેર્યું હતું. મેચ રેફરી ચિન્મય શર્મા તેના પર દંડ ફટકારી શકે છે. બીસીસીઆઈના એક કાર્યકારીએ આઈએએનએસ સાથે વાત કરતા કહ્યું કે, તે રેફરી પર નિર્ભર છે કે તે અશ્વિન પર દંડ ફટકારે છે કે નહીં. પરંતુ નિમમો પ્રમાણે તેણે બોર્ડના કપડા સંબંધી નિયમોનો ભંગ કર્યો છે, તેથી તેના પર દંડ લાગવો જોઈએ.
અધિકારીએ કહ્યું, ’કપડા સંબંધમાં જે નિયમ છે તે પ્રમાણે જો તમે રાષ્ટ્રીય ટીમ વાળુ હેલમેટ જ ડોમેસ્ટિક ક્રિકેટમાં પહેરવા ઈચ્છો છો તો તમારે બીસીસીઆઈનો લોગો છૂપાવવો પડશે.’ તેમણે કહ્યું, ’મેચ અધિકારીઓ અને ખેલાડીઓને લાંબા સમયથી આ વિશે જાણકારી આપવામાં આવી રહી છે અને જો કોઈ ભૂલ કરે છે તો તેના પર મેચ રેફરી દ્વારા દંડ ફટકારવો જોઈએ.’ આ મેચમાં મયંક અગ્રવાલ, લોકેશ રાહુલે પણ બીસીસીઆઈના લોગો વાળુ હેલમેટ પહેર્યું, પરંતુ તેણે ટેપથી છૂપાવી દીધો હતો.