એમેઝોનના સ્થાપક જૈફ બેજોસ હવે દુનિયાના સૌથી અમીર વ્યક્તિ તરીકે રહ્યા નથી. ફરી એકવાર માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સ દુનિયાના સૌથી અમીર બની ગયા છે. બિલ ગેટ્સ સૌથી વધારે સંપત્તિ સાથે પ્રથમ સ્થાને પહોંચી ગયા છે. ત્રીજા ત્રિમાસિક ગાળાના પરિણામ બાદ બેજોસની સંપત્તિ આજે સાત અબજ ડોલર સુધી ઘટી ગઈ છે. બેજોસની કુલ સંપત્તિ ઘટીને હવે ૧૦૩.૯૦ અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે. જ્યારે બિલ ગેટ્સની સંપત્તિ ૧૦૫.૭૦ અબજ ડોલર રહી છે. વર્ષ ૨૦૧૮થી પહેલા બિલ ગેટ્સ સતત ૨૪ વર્ષ સુધી દુનિયાના સૌથી અમીર વ્યક્તિ તરીકે રહ્યા હતા. એ વર્ષે જૈફ બેજોસની કુલ સંપત્તિ ૧૬૦ અબજ ડોલર સુધી પહોંચી ગઇ હતી. તેઓ દુનિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા હતા. ફોર્બ્સની રિપોર્ટ મુજબ એમેઝોનની નેટ ઇન્કમ ત્રીજા ત્રિમાસિક ગાળામાં ૨૬ ટકાનો ઘટાડો થયો છે. ૨૦૧૭ બાદ આ પ્રથમ ત્રિમાસિક ગાળો છે જ્યારે કંપનીને ભારે નુકસાન થયું છે. ૧૯૮૭માં ફોર્બ્સની લિસ્ટમાં બિલ ગેટ્સ સામેલ થયા હતા. બિલ ગેટ્સ પ્રથમ વખત ૧.૨૫ અબજ ડોલરની સંપત્તિ સાથે ૧૯૮૭માં ફોર્બ્સની યાદીમાં દુનિયાના સૌથી અમીર વ્યક્તિ બન્યા હતા. એ વર્ષ બાદ ૧૯૯૮માં ટોપ ૪૦૦ અમેરિકનોની યાદીમાં પ્રથમ વખત જૈફ બેજોસે જગ્યા બનાવી હતી. આ વર્ષે એપ્રિલ મહિનામાં જૈફ બેજોસ દુનિયાના સૌથી મોંઘા તલાકમાં પડ્યા હતા. આશરે ૩૬ અબજ ડોલર તલાકમાં જતા રહ્યા હતા જેના કારણે તેમની સંપત્તિમાં ઉલ્લેખનીય ઘટાડો થયો હતો. બેજોસની કુલ સંપત્તિ હવે ૧૦૩.૯૦ અબજ ડોલર થઇ ગઇ છે. બિલ ગેટ્સનું પ્રભુત્વ ફરી એકવાર વધી ગયું છે. એમેઝોનના સ્થાપક બેજોસની સંપત્તિમાં ઉલ્લેખનીય ઘટાડો થવા માટે કેટલાક કારણો જવાબદાર રહ્યા છે.