શ્રમિકોની દિવાળી સુધરી…રાજ્યના ૬ લાખથી વધુ કામદારોને ૮૧૭ કરોડનું બોનસ ચુકવાયું

1524

દિવાળીનું પર્વ સામાન્ય રીતે લોકો માટે આનંદ અને ઉત્સાહનું પર્વ હોય છે. દિવાળીની ઉજવણી અવનવી ખરીદીની ભરમાર લઇને પણ આવે છે.

નોકરિયાત વર્ગ માટે દિવાળીએ મળતું બોનસ ઉજવણીની ખુશીઓમાં ઉમેરો કરે છે અને દિવાળીની ખરીદીમાં મદદગાર પણ નિવડે છે. વિવિધ ખાનગી સંસ્થાઓ પોતાના શ્રમિકો/કર્મચારીઓને દિવાળી બોનસ આપતી હોય છે. રાજ્ય અને કેંદ્ર સરકાર પણ વિવિધ વર્ગના કર્મચારીઓને દિવાળી બોનસ ચુકવતી હોય છે. બોનસ ચુકવણી અધિનિયમ-૧૯૬૫નું યોગ્ય પાલન થાય તથા ઉત્તર ગુજરાતના તમામ શ્રમિકોને વર્ષ ૨૦૧૮-૧૯ નું  મળવાપાત્ર બોનસ મળી રહે તે માટે અમદાવાદ નાયબ શ્રમ આયુક્તની કચેરી ખાતે વિશેષ ‘બોનસ સેલ’ કાર્યરત કરવામાં આવ્યો છે. આ ‘બોનસ સેલ’ તારીખ ૧૦ ઑક્ટોબર ૨૦૧૯થી કાર્યરત છે.

ઉત્તર ગુજરાતના અમદાવાદ સહિતના ૭ જિલ્લાની ખાનગી સંસ્થાઓને ‘બોનસ સેલ’ મારફતે જરૂરી માર્ગદર્શન અને દેખરેખ પુરી પાડવામાં આવી રહી છે. અમદાવાદ નાયબ શ્રમ આયુક્તની કચેરીએથી પ્રાપ્ત માહિતી અનુસાર તારીખ ૨૫ ઑક્ટોબર ૨૦૧૯ સુધીમાં ૭ જિલ્લાની ૭૮૬ જેટલી ખાનગી સંસ્થાઓએ કુલ ૨,૦૪,૧૪૭ શ્રમિકોને ૨૩૫.૯૭ કરોડનું બોનસ ચુકવ્યું છે. ગાંધીનગર શ્રમ આયુક્તની કચેરીએથી પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યના આશરે ૬,૧૮,૦૦૧ શ્રમિકોને રૂ. ૮૧૭.૨૨ કરોડનું બોનસ તેઓની સંલગ્ન સંસ્થા દ્વારા ચુકવાયું છે તથા ઔદ્યોગિક સંસ્થાઓ દ્વારા બોનસ ચુકવણીની પ્રક્રીયા હજુ પણ નિયમ મુજબ ચાલુ છે. બોનસ ચુકવણી અધિનિયમ-૧૯૬૫ મુજબ ૨૧,૦૦૦/- કે તેથી ઓછી માસિક આવક ધરાવતા ૧૦ કે તેથી વધું શ્રમિકો જ્યાં નોકરી કરતા હોય એ દરેક ખાનગી સંસ્થા/કંપનીએ પોતાના શ્રમિકોને વાર્ષિક બોનસની ચુકવણી કરવાની હોય છે.

Previous articleકરિયાણાની દુકાનોને ટાર્ગટ કરતી નેપાળી ગેંગનો પર્દાફાશ, ૧.૧૦ લાખનો મુદ્દામાલ કબજે
Next articleઅરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા વલસાડના દરિયામાં કરંટ, હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી