હરિયાણામાં સરકાર બનાવવા માટે સિરસાથી જીતી ગયેલા હરિયાણા લોકહિત પાર્ટીના નેતા ગોપાલ ગોયલ કાંદા તરફથી સમર્થન મેળવનાર ભાજપની અંદર નારાજગીનું મોજુ ફરી વળ્યું છે. ભાજપના વરિષ્ઠ નેતાઓને મળીને કાંદાએ પોતાની નસોમાં સંઘના લોહી હોવાની વાત કરી છે અને સાથે સાથે ખટ્ટર સરકારને સમર્થન આપવાની જાહેરાત કરી છે. ભાજપના વરિષ્ઠ નેતા ઉમા ભારતીએ આને લઇને પાર્ટીને ચેતવણી આપી છે. ટિ્વટ કરીને કહ્યું છે કે, કાંદા સાથે સમર્થન લેવાને લઇને ભાજપના નૈતિક મુલ્યોને અસર થશે. કાંદા માટે કઠોર શબ્દોનો ઉપયોગ કરીને ઉમા ભારતીએ કહ્યું છે કે, માત્ર ચૂંટણી જીતવાથી નિર્દોષ હોઈ શકે નહીં. અત્રે નોંધનીય છે કે, ટોહાનાથી ચૂંટણી હારી જનાર ભાજપના પ્રદેશ અધ્યક્ષ સુભાષ બરાલાએ કાંદાનું સમર્થન કર્યું છે જ્યારે ખટ્ટર આને લઇને કોઇ ટિપ્પણી કરી રહ્યા નથી. કાંડા ગિતીકા શર્મા આત્મહત્યા મામલામાં આરોપી છે અને કેસમાં તિહાર જેલમાં રહી ચુક્યા છે. ગિતીકા કાંડાની એરલાઈન કંપનીમાં કામ કરતી હતી. આ વખતે ભાજપને ૪૦ સીટો મળી છે જે બહુમતિના આંકડાથી છ સીટો ઓછી રહી છે. ઉમાએ ભાજપને સૌથી મોટી પાર્ટી બનવા બદલ શુભેચ્છા આપી છે અને કહ્યું છે કે, તેઓ હાલમાં હિમાલય પ્રવાસે છે. મોબાઇલ મારફતે જ તમામ માહિતી મળી રહી છે. ઉમાએ કહ્યું છે કે, પહેલા હરિયાણામાં બે-ચાર સીટો જીતીને ભાજપમાં ખુશી થતી હતી પરંતુ મોદીની લહેરના કારણે જ ૨૦૧૪માં હરિયાણામાં ભાજપ સરકાર બની હતી. આ વખતે પણ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવ્યા બાદ ભાજપની મોટી સિદ્ધિ છે. આની સાથે સાથે ગોપાલ કાંડા પાસેથી સમર્થન નહીં લેવાની અપીલ કરવામાં આવી છે.
ભાજપમાં સ્વચ્છ પ્રતિષ્ઠા ધરાવનાર લોકો રહે છે.
રાષ્ટ્રવાદની યાદ અપાવીને કાંડાથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે. આ સંદર્ભમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ તરફથી પ્રતિક્રિયા આવી નથી.