ભાવનગર શહેરના સરદારનગર ખાતે આવેલ ઓમ સેવાધામ સંસ્થામાં નિરાધાર અને નિઃસહાય બિમાર વડીલો માટે જીવનપર્યંત રહેવા અને જમવાની વ્યવસ્થા હોય છે.
અહીં વસતા વડીલોને સંતાન હોતા નથી તેવા વડીલો પાછલા જીવનના અંતિમ દિવસોમાં અહીં સુખરૂપ વિતાવે છે, આ સંસ્થામાં આવા ઘણા નિરાધાર અને નિઃસહાય વડીલો રહે છે, આ સંસ્થા એટલે નિરાધારનો જ પરિવાર..!
આજરોજ તા.૧૯-૩-ર૦૧૮ના દિવસે આ સંસ્થામાં વસતા વડિલ ઈશ્વરભાઈ માંડલિયા (ઉ.વ.૭૧)નું દુઃખદ અવસાન થતા આ વડીલને અનેક શહેરીજનો અને સંસ્થાઓના સેવાભાવી ભાઈ-બહેનોએ અંતિમયાત્રામાં જોડાઈને અંતિમ વિદાય આપી હતી, તેમના અંતિમ સંસ્કાર કરવા માટે સત્યસાંઈ સેવા સમિતિ, ભાવનગરના પ્રમુખ આશિષભાઈ શાહ તથા બ્રહ્મસમાજના અગ્રણી અતુલભાઈ પંડયા સહિતના સેવાભાવીઓ જોડાયા હતા. ઓમ સેવાધામના પ્રમુખ વિજયભાઈ કંડોલિયા, પિયુષભાઈ સિંધવ, વિપુલભાઈ તેમજ અનેક સેવાભાવી લોકોએ આ સ્વજનની અંતિમ વિધિ ખૂબ જ સારી રીતે પૂર્ણ કરી એક વડિલને અપાતી લાગણીસભર અંતિમ વિદાય આપી હતી. આ દુઃખદ ઘટનામાં સંસ્થાને જે કોઈ મદદરૂપ થયું તે તમામનો સંસ્થાના વસતા અન્ય વડિલોએ આભાર વ્યક્ત કર્યો હતો.
અત્રે ઉલ્લેખનિય છે કે, માત્ર ભાવનગર જ નહીં પરંતુ ભાવનગર બહારના અનેક વડિલો જેમનો કોઈ આધાર નથી તેવા ઓમ સેવાધામમાં આવીને વસે છે અને અનેક નગરશ્રેષ્ઠીઓના સહયોગથી આ સંસ્થા આવા વડિલોની જિંદગીના અંતિમ દિવસોને સુખરૂપ વિતે તેવા પ્રયાસો શરૂ કરે છે.