મુંબઈના ઑલરાઉન્ડર (બૅટ્સમૅન, પેસ બોલર) શિવમ દુબેએ ૧૦મી ઑક્ટોબરે બેંગલુરુમાં કર્ણાટક સામેની વિજય હઝારે ટ્રોફીની મૅચમાં માત્ર ૬૭ બૉલમાં ૧૦ સિક્સર અને ૭ ફોરની મદદથી ૧૧૮ રન ફટકાર્યા હતા અને તેની એ ઇનિંગ્સ આ સ્પર્ધાની શ્રેષ્ઠ ઇનિંગ્સમાં ગણાય છે. મુંબઈ તો આ સ્પર્ધાની બહાર થઈ ગઈ હતી, પરંતુ શિવમનું ભાગ્યચક્ર ફરી ગયું છે અને બંગલાદેશ સામેની આગામી ટી-ટ્વેન્ટી સિરીઝ માટેની ટીમમાં તેનો નંબર લાગી ગયો છે.
શિવમ આ વર્ષની આઇપીએલમાં વિરાટ કોહલીના નેતૃત્વવાળી રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર (આરસીબી) ટીમ વતી રમ્યો હતો. શિવમે એક મુલાકાતમાં કહ્યું છે, ‘આરસીબીના ડ્રેસિંગ-રૂમમાં રહીને મને ઘણું શીખવા મળ્યું હતું અને એ જ્ઞાનનો ઉપયોગ મેં ડોમેસ્ટિક ક્રિકેટ મૅચોમાં કર્યો છે. આરસીબી સાથેના એ બે મહિના મારા માટે ખૂબ કીમતી હતા. ખાસ કરીને વિરાટભૈયા (વિરાટ કોહલી) અને એ.બી ડી’વિલિયર્સ પાસેથી મને ઘણું શીખવા મળ્યું છે. તું બૅટિંગ અને બોલિંગ, બન્નેમાં સંતુલન જાળવજે. તું આ બન્ને કળાથી મૅચ-વિનર બની શકે.’
શિવમે એવું પણ કહ્યું હતું કે ‘આઇપીએલ દરમિયાન એ. બી. ડી’વિલિયર્સ હંમેશાં મને શાંત રહેવાની સલાહ આપતો હતો અને કહેતો હતો કે તું હસતો રહે…તારો પણ સમય આવશે.’