ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીએ પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્રસિંહ ધોનીને લઈ એક મોટું નિવેદન આપ્યું છે. શાસ્ત્રીએ કહ્યું કે, ૧૫ વર્ષ દેશ માટે ક્રિકેટ રમનાર ધોનીને ખબર છે કે, તેને ક્યારે ક્રિકેટથી અલવિદા કહેવું જોઈએ. શાસ્ત્રીએ કહ્યું કે, ધોનીએ ભારતીય ક્રિકેટ માટે જે કર્યુ છે તેનાથી તેણે પોતાના અનુસાર સંન્સાય પર નિર્ણય લેવાનો અધિકાર હાંસલ કર્યો છે.
ધોની પર શાસ્ત્રીનું નિવેદન સિલેક્ટર્સથી એકદમ અલગ છે. આ પહેલાં બીસીસીઆઈના ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદે કહ્યું હતું કે, હવે અમે ધોનીથી આગળ વધી ચૂક્યા છીએ. વર્લ્ડ કપ બાદથી અમે સાફ છીએ. અમે ઋષભ પંતનું સમર્થન કરવાનું શરૂ કરી દીધું છે. અને તેને સારું પ્રદર્શન કરતાં જોયો છે. તે સારૂં નહીં રમે, તો પણ અમે સાફ કરી દીધું છે કે, હવે અમે તેના ઉપર જ ધ્યાન આપીશું
સિલેક્ટર્સથી અલગ મત ધરાવતાં કોચ શાસ્ત્રીએ કહ્યું કે, ધોની જાણે છે કે તેને ક્યારે ગ્લવ્સ ઉતારવા જોઈએ. ભારત માટે ૧૫ વર્ષ રમનાર ખેલાડીને શું એ ખબર નહીં હોય કે ક્યારે શું કરવું યોગ્ય રહેશે? જ્યારે તે ટેસ્ટથી રિટાયર થયો તો તેણે શું કહ્યું હતું? એમ જ કે ઋદ્ધિમાન સાહાને કીપિંગ ગ્લવ્સ સોપવાનો આ યોગ્ય સમય છે.