ટ્રાફિકના નિયમોના ભંગ બદલ જે તે શહેરમાં પોલીસ ઇ-મેમો મોકલી રહી છે. જોકે, દરેક શહેરમાં લોકો ઇ-મેમોથી બચાવા માટે નવી નવી કરામત કરતા હોય છે.
પરંતુ સુરતમાં એક યુવકને ઇ-મેમોથી બચવા માટે કરેલી કરામત તેને ભારે પડી છે. પોલીસે તેને પકડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. પોલીસે યુવક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
શહેર પોલીસના ટ્રાફિક વિભાગ દ્વારા ટ્રાફિક નિયમોના ભંગ બદલ સીસીટીવી કેમેરાના આધારે ઇ-ચલણ ફટકારી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આનાથી બચવા માટે લોકો અનેક તૂતક કરતા હોય છે. અમુક લોકો પોતાના વાહનની નંબર પ્લેટને વાળી દેતા હોય છે તો કેટલાક લોકો પ્લેટ પર કપડું બાંધી દેતા હોય છે.
આ દરમિયાન અમુક ચાલકો વાહનોના રજીસ્ટ્રેશન નંબર સાથે ચેડા કરતા હોવાનું માલુમ પડ્યું છે. આ દરમિયાન એક યુવાને સુરત ટ્રાફિક પોલીસનો સંપર્ક કર્યો હતો અને તેણે કોઈ પણ નિયમ ભંગ કર્યા વગર તેને ઈ મેમો મળ્યાની વાત કરી હતી. સાથે જ યુવકે એવું પણ કહ્યું હતું કે તેને જે દંડ મળ્યો છે તે ગાડી તેની નથી. આ મામલે પોલીસ પણ શરૂઆતમાં ચોંકી હતી.
પોલીસે તપાસ કરતા માલુમ પડ્યું હતું કે, એક યુવકે ટ્રાફિકના દંડથી બચવા માટે નંબર પ્લેટ સાથે ચેડા કર્યા હતા. યુવકે પોતાની ગાડીના નંબરમાં ઈને બદલે એફ લખી નાખ્યો હતો. આ મામલે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.