જગન્નાથ મંદિરના આસપાસના વિસ્તારનો ૧૧૦ કરોડના ખર્ચે કાયાપલટ થશે

1242

પુરીની રથયાત્રા બાદ દેશમાં સૌથી મોટી રથયાત્રા નીકળતી હોય તે ગુજરાતના અમદાવાદનું જગન્નાથ મંદિર છે. શહેરના આ સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિર આસપાસના વિસ્તારની કાયાપલટ થવા જઈ રહી છે. રિવર ફ્રન્ટને ડેવલપ કર્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત સરકાર દ્વારા ૧૧૦ કરોડના ખર્ચે જગન્નાથજી મંદિર આસપાસના વિસ્તારની કાયાપલટ કરવાનું નક્કી કરાયું છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી ૧લી નવેમ્બરના રોજ મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં જમાલપુરના સુપ્રસિદ્ધ જગન્નાથજી મંદિરની આસપાસની ૧૦ એકરથી વધુ જમીનના રિ-ડેવલપમેન્ટની દરખાસ્ત મૂકવામાં આવશે. આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટે જણાવ્યું કે જગન્નાથ મંદિર માત્ર અમદાવાદ માટે નહીં સમગ્ર ગુજરાત માટે એક શ્રધ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે.

આથી મંદિરની આસપાસના વિસ્તારના રસ્તાઓની ટીપી ફેરફાર કરીને મંદિરની આસપાસ જે કંઈ ખાનગી પ્લોટ છે તેમજ કલેક્ટર પાસે જે પ્લોટ છે તેને કોર્પોરેશનના પ્લોટ સાથે જોડી દેવામાં આવશે. જે બાદમાં નવેસરથી મંદિરનું પરિસર બનાવવામાં આવે તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જગન્નાથ મંદિર આસપાસ નવા રસ્તા મૂકવામાં આવે અને મંદિર પાસે એક સુંદર ગાર્ડન બનાવવામાં આવે તેવા પણ આયોજનનો દરખાસ્ત મૂકવામાં આવશે. આ સાથે જળયાત્રાનો રુટ મંદિરમાંથી સાબરમતીના તટ પર જઈ શકે તેવી પણ ડિઝાઈન કરવામાં આવશે. દેશની ખ્યાતનામ કંપનીએ તેની ડિઝાઈન તૈયાર કરી છે. ટૂંક સમયમાં આ કામની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં દરખાસ્ત કરવામાં આવશે.

Previous articleઇ-મેમોથી બચવા યુવકે રજીસ્ટ્રેશન નંબરમાં ફેરફાર કર્યો, પોલીસે જેલમાં ધકેલ્યો
Next articleદિવાળી નિમિત્તે અંબાજી મંદિર રોશનીથી ચમકી ઉઠ્યું, ૫૬ ભોગનો અન્નકુટ ધરાવાશે