કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે જણાવ્યું કે, અમદાવાદ જિલ્લાના સાણંદ-બાવળા તાલુકા સહિત સમગ્ર ગુજરાતમાં શહેરી વિકાસ કામોને એક નવી દિશા મળી છે. આ સાથે આવાસ યોજના લાભોથી લઇને વીજળી, શૌચાલય, ગેસ કનેક્શન અને આયુષ્યમાન ભારતના આરોગ્ય કાર્ડ આપીને પાયાની સગવડો પણ પ્રજાજનો સુધી પહોંચાડવામાં આવી રહી છે.
અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના એપીએમસી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહના અધ્યશ્ર સ્થાને તથા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં સાણંદ-બાવળા વિધાનસભાના ૫૫૦૦થી વધુ વિધવા બહેનોને સહાયના હુકમનો વિતરણ, તથા રૂ.૭૮ કરોડથી વધુના વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
અમદાવાદ જિલ્લામાં વિધવા બહેનોને વિધવા પેન્શન સહાયના સામૂહિક વિતરણનો વિશ્વ રેકોર્ડ પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં થયો હતો. અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૫૫૦૦થી વધુ નિરાધાર વિધવા બહેનો-માતાઓને એક જ સ્થળેથી આ સહાય સાણંદ ખાતેથી અર્પણ કરવામાં આવી હતી. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના પ્રતિનિધિએ આ વિશ્વ રેકોર્ડ થવા અંગેનું પ્રમાણપત્ર અર્પણ કર્યું હતું.
ગૃહમંત્રી અમિતભાઇ શાહે જણાવ્યું કે, આજે સાણંદ-બાવળા તાલુકામાં વિકાસના કામોની સાથે-સાથે ૫૫૦૦થી વધુ વિધવા બહેનોના જીવનને અસર કરનાર કાર્યક્રમની પણ શરૂઆત થઇ છે. જેમના જીવનમાં ઇશ્વરે સંક્ટ મોકલ્યું છે અને તેમના જીવનનો આધાર છિંનવાઇ ગયો છે ત્યારે તેમની પડખે રાજ્ય સરકાર આધાર બનીને ઊભી રહી છે. દર મહિને વિધવા બહેનોને રૂ. ૧૨૦૦ સહાય તરીકે આપવામાં આવશે.
કેન્દ્રીય ગૃહમંત્રી ગૃહમંત્રી વધુમાં જણાવ્યું કે, હવે આવનારા સમયમાં ઘરે-ઘરે નળથી પાણી પહોચાડવાનો સંકલ્પ પણ સાકાર કરવામાં આવશે.
આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, નાણાના અભાવે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એકપણ વિકાસના કાર્યોને અટકવા દેતી નથી. સાણંદ અને બાવળા તાલુકમાં આજે રૂ.૭૮ કરોડથી વધુ વિકાસના કામોમાં ખાતમુહુર્ત અને લોકાર્પણ થયા છે. આ સાથે નિરાધાર વિધવા સહાયની યોજના અંતર્ગત વિધવા બહેનોને આજથી રૂ.૧૨૦૦નું પેન્શન શરૂ થશે.
મુખ્યમંત્રી જણાવ્યું કે, આ વિધવા સહાય યોજના અંતર્ગત વિધવા બહેનોને દર મહિને નિયમિત તેમના ખાતમાં સીધા પૈસા જમા જશે. આ યોજના થકી વિધવા બહેનોના આસું લુછવાનો અને દુઃખમાં ભાગીદાર થવાનું સરકારને એક સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.
મુખ્યમંત્રી જણાવ્યું કે, છેવાડાના માનવી સુધી આજે વિકાસના કામો પહોંચાડીને તેમનું જીવન-ઘોરણ ઊંચું લાવવામાં આવી રહ્યું છે. આ સરકાર એક સંવેદનશીલ સરકાર છે. પીડિત, શોષિત જેમણે પણ સહાયની જરૂર છે તેમની ચિંતા કરીને દરેક પ્રકારની સહાય રાજ્ય સરકાર દ્વારા પહોંચાડવામાં આવી રહી છે. જરૂરિયાતમંદ લોકો અને સાચો લાભાર્થી રહી ન જાય અને ખોટો લાભાર્થી લાભ લઇ ન જાય તેની ચિંતા કરીને આજે કાર્યક્રમ યોજાયો છે.
મુખ્યમંત્રી વધુમાં જણાવ્યું કે, છેલ્લાં બે દિવસમાં કરોડો રૂપિયાના વિકાસોના કામો ગાંધીનગર, અમદાવાદ જિલ્લામાં વ્યાપક સ્વરૂપે થઇ રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં વિકાસના કામોને લઇને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તમામ પ્રકારના પ્રયાસો કરી રહી છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, અગાઉ કોંગ્રેસની સરકારમાં વિકાસના કામો થતા નહોતા તેનું કારણ એ હતું કે એ સમયની સરકારની તિજોરીમાં પૈસા આવતા જ નહોતા. તિજોરી પર ભ્રષ્ટાચારનો પંજો રહેતો હતો. કરવેરાના પૈસા પણ ભ્રષ્ટાચારમાં વેડફાતા હતા. હાલ ગુજરાત સહિત અને ભારતભરમાંથી ભ્રષ્ટાચાર દુર થાય, ઇમાનદારીથી શાસન થાય અને પ્રજાનો પૈસો પ્રજાના હિતમાં વપરાય એ કામ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે દેશને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના અભિયાનને લઇને કાપડની થેલીઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલ, ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી, ધારાસભ્ય કનુભાઇ પટેલ, કૃષિ મંત્રી આર.સી.ફળદુ, કલેક્ટર ડૉ.વિક્રાંત પાંડે, જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુ સહિત જિલ્લા તાલુકા અને પંચાયતના હોદ્દેદારો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.