સુરત શહેરમાં ડેન્ગ્યુ મેલેરીયાના રોગચાળાએ ભરડો લીધો છે. ડેન્ગ્યુ મેલેરીયાના વધતા કેસને લઈને દિવાળી પર્વની રજા કેન્સલ કરાવીને પાલિકા કમિશનરે આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં ખાનગી હોસ્પિટલ દ્વારા છુપાવાતા ડેન્ગ્યુ-મેલેરિયાના દર્દીઓની વિગતો અંગે કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યાં હતાં.
દિવસે દિવસે શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વધી રહ્યો છે. જેના પગલે શહેરમાં દર્દીઓના મોત પણ થઈ રહ્યાં છે. વધતા રોગચાળાને કાબૂમાં લેવા માટે પાલિકા કમિશનર દ્વારા રજાના દિવસે પણ પાલિકામાં મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રોગચાળાને નાથવાની સાથો સાથ ખાનગી હોસ્પિટલ સામે પણ કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યાં હતાં. બેઠકમાં ડેન્ગ્યુ અને મેલેરીયાના સામે કેવું આયોજન કરવું તે અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી.
માન દરવાજા ખાતે રહેતા ગરીબ શ્રમજીવી પરિવારના ૧૩ વર્ષીય પુત્રનું ડેન્ગ્યુના કારણે મોત થયું છે. હાલ સમગ્ર સુરત શહેરમાં ડેન્ગ્યુ અને મેલેરિયાનો વાવર ચાલી રહ્યો છે. ચાલુ વર્ષે પણ ડેન્ગ્યુના કારણે ઘણા શહેરીજનોએ જીવ ગુમાવ્યો છે. તેવામાં શુક્રવારે વધુ એક શહેરીજનનું ડેન્ગ્યુના કારણે મોત નીપજ્યું છે. શુક્રવારે સાંજે એપલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ૧૩ વર્ષીય દાનીસ અસગર અલીનું મોત થયું છે. ડેન્ગ્યુથી થયેલા મોતના કારણે વિપક્ષ દ્વારા સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ સામે ઘોર બેદરકારીનો આક્ષેપ કર્યો હતો જેના કારણે હરકતમાં આવેલા પાલિકા તંત્ર દ્વારા તાબડતોડ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.