પાલીતાણામાં પરિમલ ચોક વિસ્તારમાં ત્રણ મહિના પહેલા કારની ડિક્કીમાંથી બે બાળકોની લાશ મળી હતી. આ અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે ત્યારે યોગ્ય ન્યાય ન મળતા બન્ને બાળકોની માતાએ ઝેરી દવા પી લેતા આપઘાત કરી લીધો છે તેના મૃતદેહને પી.એમ. માટે હોસ્પિટલે ખસેડાયો છે.
પ્રાપ્ત વિગત મુજબ પાલીતાણાના પરિમલ ચોક વિસ્તારમાં ત્રણ માસ પહેલા કારની ડિક્કીમાંથી બે બાળકો જીયાન અને આફરીનની લાશ મળી આવી હતી પરંતુ આ અંગે યોગ્ય ન્યાય ન મળતા લાગી આવતા માતા રેશ્માબેને ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું છે. રેશ્માબેનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયો છે. પોલીસને જાણ થતા હોસ્પિટલ દોડી ગઈ હતી અને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે આજદિન સુધી યોગ્ય તપાસ કરી જ નથી : મૃતકના પતિ સલીમ
પાલીતાણા પરીમલ ચોકમાંથી કારની ડીક્કીમાંથી મળેલ બે બાળકોની લાશની તપાસ પાલીતાણા ટાઉન પોલીસ મથકના પીઆઈ ચલાવી રહ્યાં છે. બનાવને આજે ત્રણ માસ વિતી ગયા છતાં કોઈ યોગ્ય ન્યાય ન મળતા બન્ને બાળકોના વિરહમાં તેની માતાએ ઝેરી દવા પી આપઘાત વ્હીર લીધો છે. બનાવ અંગે બન્ને બાળકોના પિતા સલીમભાઈને રૂબરૂ મુલાકાત લેતા તેમણે જણાવ્યું હતું કે, પોલીસે આજદિન સુધી યોગ્ય તપાસ કરી જ નથી જેથી તેની પત્નીએ આ પગલુ ભર્યુ છે. શું અમને ન્યાય મળશે ? મૃતક બન્ને બાળકોના પિતા અને ન્યાયની આશા છોડી આપઘાત કરનાર મહિલાના પતિ સલીમભાઈએ સવાલ કર્યો છે.
તંત્ર વૈજ્ઞાનિક ઢબે તપાસ કરે છે : ડીવાયએસપી પરોજીયા
પાલીતાણા પરીમલ ચોકમાં ત્રણ માસ પહેલા બે બાળકોની કારની ડીકીમાંથી લાશ મળી હતી. બન્ને બાળકોની માતાએ આજરોજ ઝેરી દવા પી આપઘાત વ્હોરી લીધો હતો. જે બનાવ અંગે ‘લોકસંસાર’ની ટીમ દ્વારા પાલીતાણા ડીવાયએસપી પરોજીયાની મુલાકાત લેતા તેમણે જણાવ્યું હતું કે, બનાવમાં પોલીસ તંત્ર દ્વારા આગવી ઢબે તપાસ શરૂ છે. જેમાં પાંચ શકમંદોના એફએસએલ રીપોર્ટ કરાવ્યા છે. જેમાં એક ડોક્ટર છે, એક રીક્ષાવાળો છે, બન્ને બાળકોના પિતા તેમની માતા જે આજે મરણ પામેલ છે. તે તમામની તંત્ર દ્વારા વૈજ્ઞાનિક ઢબે પૂછપરછ કરી રહ્યાં છીએ અને મહિલાના આપઘાત અંગે પુછતા બન્ને બાળકોના વિરહમાં તેની માતાએ આપઘાત કર્યો હોવાનું જણાવ્યું હતું.