સમગ્ર અમદાવાદ શહેરમાં દિવાળીના સમયે જવેલર્સ માલિકો લૂંટ કે ચોરીનો ભોગ ન બને એ માટે પોલીસે એક્શન પ્લાન બનાવ્યો હતો. પણ આ એક્શન પ્લાનનો ફિયાસ્કો થયો હોય પાણીમાં બેસી ગયો હોય તેવું લાગે છે. નવરંગપુરા, યુનિવર્સિટી, ખાડિયા અને ચાંદખેડા બાદ એલિસબ્રિજમાં જવેલર્સના શોરૂમમાં ચોરીની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. અમદાવાદના પંચવટી વિસ્તારમાં આવેલા જોયાલુક્કાસ જવેલર્સ શો રૂમમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી દંપતી નકલી વીંટી મૂકી ૩૬ હજારની અસલી વીંટી લઇ ફરાર થઇ ગઇ હતા. ચોર શો-રૂમમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ જતા એલિસબ્રિજ પોલીસે તપાસ હાથ ધરી છે.
પંચવટી વિસ્તારમાં આવેલા જોયાલુક્કાસ શોરૂમમાં મેનેજર તરીકે ફરજ બજાવતા જીજો પુથનકુડીએ એલિસબ્રિજ પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તારીખ ૨૫મી ઓક્ટોબરના રોજ તેમના સ્ટાફનો એક કર્મચારી તેમની પાસે આવ્યો હતો અને કહ્યું કે તેમના સ્ટોકમાં એક વીંટી ખોટી છે. જેથી સ્ટોક તપાસ્યો હતો અને તેની સાથે સાથે શોરૂમના સીસીટીવી કેમેરા પણ ચકાસ્યા હતા. જેમાં ૨૪મીએ બપોરે એક દંપત્તી તેના પુત્ર સાથે આવ્યું હતું.
શોરૂમની મહિલા કર્મચારી તેમને વીંટી બતાવતી હતી ત્યારે આ ચોર પરિવારે એક ખોટી વીંટી મૂકી અમેરિકન ડાયમંડ વાળી ૩૬ હજારની વીંટી સેરવી લીધી હતી. સીસીટીવી કેમેરામાં આ ઘટના જણાઇ આવતા જ એલિસબ્રિજ પોલીસનો સંપર્ક સાંધી બ્રાન્ચ મેનેજરે ફરિયાદ નોંધાવી છે.