૩૦ ઓક્ટોબર બાદનાં ૨૦ દિવસ સુધી રિપેરિંગ કામના કારણે સુભાષ બ્રિજ બંધ રહેશે. અમદાવાદ મહાનગર પાલિકા બ્રિજ પર રિપેરિંગનો બીજો ફેઝ શરૂ કરશે. પહેલા ફેઝમાં થાંભલાઓ અને કેરેજ વે પર ગ્રાઉટિંગ (બ્રિજ પર પડેલી તિરાડો ભરવાનું)નું કામ થયું, આ સિવાય બ્રિજના બેરિંગની સર્વિસ પણ કરવામાં આવી. એએમસીના એન્જિનિયરોના જણાવ્યા પ્રમાણે, બીજા ફેઝમાં બ્રિજના જે જોઈન્ટ્સ છે તેનું રેટ્રોફિટિંગ કરવામાં આવશે જે એક જટિલ પ્રક્રિયા છે.
મહાનગર પાલિકાના એન્જિનિયરો ૨૦થી વધારે હાઈડ્રોલિક જેકનો ઉપયોગ કરીને કેરેજ માર્ગના વિવિધ ભાગોનું કામ એકસાથે કરશે.
‘હાઇડ્રોલિક જેક્સનો ઉપયોગ અગાઉ ગ્રાઉટિંગ પ્રક્રિયા દરમિયાન કરવામાં આવ્યો હતો’ તેમ એન્જિનિયરિંગ વિભાગના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું. તેમણે વધુમાં કહ્યું કે, ‘પહેલા ફેઝમાં અમે રિપેરિંગ કરવા માટે ત્રણ રવિવાર બ્રિજ બંધ રાખ્યો હતો. હાલ દિવાળીના વેકેશનના પગલે મોટાભાગના અમદાવાદીઓ વેકેશન માટે શહેર બહાર જશે જેના કારણે ટ્રાફિક પણ ઓછો રહેશે. તેથી અમે આ કામને ૨૦ દિવસ સુધી આગળ વધારવાનું વિચાર્યું છે’ તેમ એએમસીના અધિકારીએ કહ્યું. એએમસીના એન્જિનિયરો દ્વારા ૧૬ દિવસનો ટાર્ગેટ સેટ કરવામાં આવ્યો છે.