વડોદરામાં નવા બનેલા ન્યાયસંકુલ(કોર્ટ સંકુલ)માં આજે પહેલા જ દિવસે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ સર્જાયો હતો. કોર્ટના પ્રથમ દિવસે જ વકીલોએ ટેબલ મૂકવાની અપૂરતી વ્યવસ્થાને લઇ ભારે હોબાળો મચાવ્યો હત્છાો અને ડિસ્ટ્રીક્ટ સમક્ષ ઉગ્ર રજૂઆત કરવા પહોંચ્યા હતા. વકીલોએ તેમની ઓફિસમાં તોડફોડ મચાવતાં સ્થાનિક પોલીસે વકીલો પર લાઠીચાર્જ અને બળપ્રયોગ કરતાં મામલો બીચકયો હતો અને રોષે ભરાયેલા વકીલો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ટ્રાફિક ચક્કાજામ કર્યો હતો. પોલીસ દ્વારા થયેલા લાઠીચાર્જમાં કેટલાક વકીલોને ઇજા પહોંચતા સમગ્ર ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. બીજીબાજુ, ગુજરાત બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અને ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસીએશનના પૂર્વ પ્રમુખ વિજય એચ.પટેલે પોલીસના અત્યાચારને આકરા શબ્દોમાં વખોડી કાઢી સમગ્ર મામલાની ન્યાયિક તપાસની માંગણી કરી હતી. એટલું જ નહી, વિજય એચ.પટેલે વકીલો પર બેરહમીથી લાઠીચાર્જ કરનાર કસૂરવાર પોલીસ અધિકારી-કર્મચારીઓ વિરૂધ્ધ તાત્કાલિક ધોરણે શિક્ષાત્મક પગલાં લેવા પણ ઉગ્ર માંગણી કરી છે. વકીલોના હિતમાં છેક સુધી લડી લેવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી. બીજીબાજુ, પોલીસ અત્યાચારથી આક્રોશિત વડોદરાના વકીલો અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે વડોદરાના આ નવા કોર્ટ સંકુલનું વિધિવત્ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. રૂ.૧૩૦ કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા આ નવા કોર્ટ સંકુલમાં આજે કોર્ટના પ્રથમ દિવસે જે ટેબલ મૂકવાની બાબતને લઇ સ્થાનિક વકીલો અને કોર્ટ સત્તાધીશો વચ્ચે ચકમક ઝરી હતી. સામાન્ય બોલાચાલીથી શરૂ થયેલી વાત કયારે વણસી ગઇ તેની કોઇને ખબર જ ના પડી. વકીલોનો આક્રોશ એટલી હદે ઉગ્ર બન્યો હતો કે, બધા એકસંપ થઇ ડિસ્ટ્રીક્ટ જજની ચેમ્બરમાં જઇ રજૂઆત કરવા માંડયા હતા એ વખતે સર્જાયેલા શાબ્દિક ઘર્ષણમાં કેટલાક રોષે ભરાયેલા વકીલોએ જજની ચેમ્બરમાં જ તોડફોડ અને હોબાળો મચાવી મૂકયો હતો, જેથી એ સમયે હાજર પોલીસ કર્મચારી અને અધિકારીઓએ વકીલોને બળપ્રયોગ અને લાઠીચાર્જ કરી જજની ચેમ્બરમાંથી હાંકી કાઢયા હતા. વકીલો સાથે પોલીસના અમાનવીય, અત્યાચારી અને દમનકારી પગલાના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. વડોદરા કોર્ટ સંકુલના વકીલો એકત્ર થઇ ગયા હતા અને જાહેરમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. મહિલા વકીલો સહિત સેંકડો વકીલોએ જાહેર રસ્તામાં જ બેસી જઇ, સૂઇ જઇ પોલીસના અત્યાચારનો ઉગ્ર વિરોધ કર્યો હતો અને જોરદાર સૂત્રોચ્ચાર પોકાર્યા હતા. આક્રોશિત વકીલો અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે. દરમ્યાન ગુજરાત બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અને હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસીએશનના પૂર્વ પ્રમુખ વિજય એચ.પટેલે પોલીસ અત્યાચારની આકરા શબ્દોમાં નિંદા કરી તેને વખોડી કાઢી હતી. બાર કાઉન્સીલના પૂર્વ ચેરમને વિજય એચ.પટેલે જણાવ્યું હતું કે, વકીલો પર પોલીસ દ્વારા લાઠીચાર્જની અમાનવીય અત્યાચારની ઘટના કોઈપણ રીતે સાંખી શકાય નહી. આ સમગ્ર મામલામાં ન્યાયિક તપાસ થાય તે જરૂરી છે. તેમણે વકીલો પર લાઠીચાર્જ અને અમાનવીય અત્યાચાર માટે જે કોઇ કસૂરવાર પોલીસ અધિકારીઓ કે કર્મચારીઓ હોય તેઓની વિરૂધ્ધમાં તાત્કાલિક શિક્ષાત્મક કાર્યવાહી કરવા ઉગ્ર માંગણી કરી છે. વકીલો માટે છેક સુધી લડી લેવાની અને વકીલોના હિતમાં આગામી દિવસોમાં જરૂર પડયે આ સમગ્ર મામલે કાનૂની કાર્યવાહીની ચીમકી પણ બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન વિજય એચ.પટેલે ઉચ્ચારી હતી. બીજીબાજુ, વડોદરામાં વકીલો પર પોલીસના લાઠીચાર્જની ઘટનાના સમગ્ર રાજયના વકીલઆલમમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. વકીલોમાં પોલીસ અત્યાચાર સામે ઉગ્ર રોષ અને આક્રોશની લાગણી ફેલાવા પામી હતી. વડોદરા કોર્ટ સંકુલમાં આજની ઘટના બાદ હાલ સમગ્ર પરિસરમાં લોખંડી જાપ્તો ગોઠવી દેવાયો છે. બીજીબાજુ, તંત્ર દ્વારા વકીલો અને પોલીસ વચ્ચે વાતચીત અને સમાધાનના પ્રયાસો ચાલી રહ્યા છે.