મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં દિવાળી બાદ થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને જે નુકશાન થયું છે તેનો સરવે કરવામાં આવી રહ્યો છે તેની વિગતો આપતા કહ્યું કે, રાજ્ય સરકારે આગામી તા.૧૫ નવેમ્બર-૨૦૧૯ સુધી મગફળી અને જણસીઓની ટેકાના ભાવે ખરીદી ખેડૂતોના વ્યાપક હિતમાં મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરમાં પ્રચાર માધ્યમો સાથેની વાતચીતમાં એમ પણ કહ્યું કે, જે ખેડૂતોએ પોતાના પાકનો વીમો ઉતરાવેલો છે તેમને વીમા કંપની તરફથી યોગ્ય વળતર-સહાય કોઈ મુશ્કેલી વગર મળે તે માટે રાજ્ય સરકારે આ વીમા કંપનીઓની દિલ્હી ખાતેની કચેરીઓ સમક્ષ રજુઆત કરી છે. શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, જે ધરતીપુત્રો પાકનો વીમો લીધેલો નથી તેમને નૂકશાનીનો સરવે કરીને નિયમ મુજબ સહાય-વળતર ચૂકવવામાં આવશે. તેમણે તાજેતરના વરસાદથી જો જરૂર જણાય તો નુકશાનીનો ફરીથી સરવે કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્યમાં સંભવિત ‘મહા’ વાવાઝોડાની આપત્તિ સામે તંત્ર સતર્ક અને સજાગ છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં આ માટે જરૂરી તૈયારીઓ સાથે કંટ્રોલ રૂમ પણ શરૂ કરી દેવા માટેની સૂચનાઓ આપી છે અને તે પણ જરૂરિયાત મુજબ ત્વરાએ કાર્યરત થઇ જશે.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદમાં સાબરમતી નદીના તટે બિહારી પરિવારોના છઠ પૂજા ઉત્સવમાં સહભાગી થતા સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાતના સમાજ જીવન અને ભૂમિની ખાસિયત છે કે સૌ સમાજ વર્ગો અને પ્રદેશોના પરિવારોના તહેવારો પણ ઉમંગ-ઉત્સાહથી સાથે મળીને સમાજિક સમરસતાથી ઉજવાય છે.આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, છઠ મહાપર્વની ઉજવણીમાં ઉત્તર ભારતીય ભાઈ-બહેનો સાથે સહભાગી થવાનું મને સૌભાગ્ય મળ્યું છે. છઠ પૂજાએ બિહાર, પૂર્વીય ઉત્તર પ્રદેશ સહિતના ઉત્તર ભારતીય પ્રાંતોનું મુખ્ય પર્વ છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આપણી ભારતીય સંસ્કૃતિમાં ઉગતા સૂર્યની ઉપાસના-પૂજાનું પરાપૂર્વથી મહત્વ સ્વીકારાયું છે. પરંતુ આ છઠ પૂજા ઉત્સવ એ એવો અનેરો ઉત્સવ છે કે જેમાં ઢળતા સૂર્યની પણ પૂજા અર્ચના થાય છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતના વિકાસમાં અન્ય પ્રાંતપ્રદેશોના લોકોનું પણ યોગદાન છે. ગુજરાતમાં રોજગાર અને વ્યવસાય માટે પ્રાંત-પ્રદેશના લોકોની સુરક્ષા અને સલામતીની જવાબદારી પણ સરકાર નિભાવી રહી છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આ પર્વ ફક્ત બિહારીઓ માટે જ નહીં પણ ગુજરાતીઓ માટેનું પણ એક પર્વ બની ગયું છે. નવરાત્રિ હોય કે ગણેશ ઉત્સવ કે પછી રથયાત્રા યા દુર્ગાપૂજા કે છઠ ઉત્સવ દરેક રાજ્યમાં વસતા પરિવારો-નાગરિકો સાથે મળીને આ ઉત્સવો ઉજવે છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાત અને બિહારની ધરતી ઐતિહાસીક સંબંધો ધરાવતી અને પ્રતાપી ધરતી છે. ગુજરાતે ભારતીય સંસ્કૃતિને ગાંધી, સરદાર જેવા મહાનુભાવો આપીને દિશાદર્શન આપ્યું છે. તો બિહારે લોકનાયક જયપ્રકાશ નારાયણનું નેતૃત્વ આપ્યું છે. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, બિહારનો ચંપારણ્ય સત્યાગ્રહ તો ગુજરાતનો દાંડી સત્યાગ્રહ. મહાત્મા ગાંધીના આ બંને સત્યાગ્રહોએ અંગ્રેજ સલ્તનતના પાયા હચમચાવી મુક્યા હતા. ગુજરાતથી ચંપારણ ગયા હતા એ મોહનદાસ ગાંધી હતા. પણ ચંપારણની ધરતીએ મોહનદાસને મહાત્મા ગાંધી બનાવ્યાં. તેમણે બિહારના ગયા પિતૃશ્રાદ્ધ તર્પણ અને ગુજરાતના સિદ્ધપુરની માતૃશ્રાદ્ધ તર્પણ તીર્થ તરીકેની ખ્યાતિ પણ બિહાર અને ગુજરાતના સંદર્ભમાં આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, બિહાર, ઝારખંડ, પૂર્વીય ઉત્તર પ્રદેશના અનેક પરિવારોએ ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવી છે તેમજ ગુજરાતના વિકાસના પણ તેઓ સહયોગી છે. બિહાર, ઝારખંડ, પૂર્વીય ઉત્તર પ્રદેશના જે પરિવારો ગુજરાતમાં રોજગારી-ધંધા-વ્યવસાય માટે આવીને વસ્યા છે તે સૌ આ પર્વની સમૂહ ઉજવણી ગુજરાતીઓ સાથે મળીને વર્ષોથી કરતા આવ્યા છે. આ પ્રસંગે રાજ્યસભામાં સાંસદશ્રી પ્રભાત જ્હાએ છઠ પર્વની ગુજરાતમાં વસતા બિહારીવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે, આજે ગુજરાત એક સમુદ્ધીને માર્ગે ચાલી રહ્યું છે. બિહારીઓ સંપૂર્ણ સલામતી અને શાંતિપૂર્ણ રીતે વસવાટ કરે છે અને રોજીરોટી, રોજગારી મેળવે છે. આ પ્રસંગે ગૃહરાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ પણ છઠ પૂજાના આ પવિત્ર પર્વ પર શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યું કે, સાબરમતી નદીનો આ તટનું મહત્વ છઠ પૂજાના મહોઉત્સવને કારણે વધી ગયું છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ભૂતકાળમાં પ્રાંત-ભાષાને નામે ગુજરાતમાં સમાજિક શાંતિ-સલામતીને ખલેલ પહોંચાડવાના કેટલાક તત્વોના પ્રયાસોને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇના નેતૃત્વમાં રાજ્ય સરકારે મક્કમતાથી નાકામયાબ બનાવ્યા છે. આ પસંગ્રે મુખ્ય સચિવશ્રી ડૉ.જે.એન.સિંહ, મેયર શ્રીમતી બિજલબેન પટેલ, મ્યુનિસિપલ કમિશનર શ્રી વિજય નેહરા, ધારાસભ્યોશ્રી સહતિના પદાધિકારીઓ અને હોદ્દેદારો તેમજ વિશાળ સંખ્યામાં બિહારી પરિવારો જોડાયા હતા.