ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસના સભ્ય ગેરહાજર રહેતા ભાજપની જીત થતાં કોંગ્રેસમાં અસંતોષ ફાટી નિકળ્યો છે. ચૂંટણી દરમિયાન હાજર ન રહેનારા પાંચ સભ્યો સામે આવ્યા છે. તેમણે રાતોરાત પ્રમુખ અને ઉપપ્રમુખના નામો બદલી દેવાયાનો આક્ષેપ કરતાં, કોંગ્રેસ સત્તાધીશ પર જ પસ્તાળ પાડી હતી. જ્યારે આ સભ્યોએ ભાજપ સાથે સાંઠગાંઠ કરી લીધી હોવાનું અને ભાજપ તરફથી ૫ કરોડ લઈ ચૂંટણીમાં હાજર ન રહેવાનો પ્રતિ આક્ષેપ લગાવતા ભારે ગરમાગરમી જોવા મળી હતી.
જશુભા અને સૂર્યસિંહ પર આ આરોપ લગાવાયા હતા. સૂર્યસિંહ ગાંધીનગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ છે. તેમણે ભાજપ પાસેથી ૫કરોડ રૂપિયા લીધાં હોવાના આરોપને ફગાવી દીધો હતો. તેમણે સજનબેનનું નામ અંતિમ સમયે બદલાયાનો આરોપ લગાવ્યો હતો.ઉલ્લેખનિય છે કે ગાંધીનગર તાલુકા પંચાયતમાં મંગળવારે યોજાયેલી ચૂંટણીમાં ૧૭ વિરુદ્ધ ૧૩ મત પડતાં ભાજપની જીત થઈ હતી. કોંગ્રેસના પાંચ સભ્યો ગેરહાજર રહ્યાં હતા. કોંગ્રેસના કુલ ૧૮ સભ્યો છે. ગેરહાજર રહેલા સભ્યોએ ભાજપ સાથે સાંઠગાંઠ કરી લીધી હોવાના આરોપો કોંગ્રેસ સભ્ય ડાભી દ્વારા લગાવવામાં આવ્યા હતા. મહોતને વ્યક્તિગત સત્તા લાલસા હોવાનો આરોપ પણ ડાભીએ મૂક્યો હતો.આ અંગે ડાભીએ કહ્યું હતું કે ગાંધીનગર તાલુકા પંચાયતના ઘટનાક્રમ વિશે હાઈકમાન્ડને જાણ કરવામાં આવી છે. પાર્ટી દ્વારા ગેરહાજર સભ્યો વિરુદ્ધ શિસ્ત ભંગના પગલાં લેવાશે