છે નિજની ભીતર છતાં બહાર. શોધે છે,
ભલો માનવી પણ કેવી ભૂલો કરે છે,
સંબંધ,સતા,સંપત્તિ, સુખ-સુવિધાઓ
ફંફોસ્યું સૌ ફરી ફરી
મળી શાંતિ પણ ઝાકળનું રૂપ ધરી
સદાને માટે તે રહી નહિ.”
ઉપરોક્ત પંકિતને જો ધ્યાનથી વાંચો અને સમજો તો લાગશે કે આજનો માનવી બસ આવું જ જીવન જીવી રહ્યો છે. આવા જ આડા-અવળા ફાંફા મારી રહ્યો છે અને પોતાની જ અંદર રહેલી શાંતિને બહારના જગતમાં શોધી રહ્યો છે. આપણા બાપ-દાદાઓ, વડવાઓના સમયમાં એક નજર કરીએ –
એમનો સોનેરી ભૂતકાળ જો કદીક ફંફોસીએ ને તો ખ્યાલ આવશે કે તે સમયમાં પણ સુખ દુઃખ તેમને હતા જ. સારા-નરસા દિવસો આવતા જ. તેમ છતાં તેઓ શાંતીથી જીવી શકતા એટલે જ સુખી હતા. બાકી એમને સુખી થવા માટે આજના સમયના જેટલી સુવિધાઓ, આધુનિક ઉપકરણો તે સમયમાં તો નહિવત હતા. તેમ છતાં ત્યારે લોકો સુખી હતા, શાંતિથી જીવી શકતા હતા. જ્યારે આજના સમયમાં જન્મ તો દુરની વાત બાળક ગર્ભમાં રહે ત્યારથી તેને માટે સુવિધાઓનો ખડકલો કરી દેવામાં આવે છે. એક માનસિકતા લોકોના મગજમાં ઘર કરી ગઈ છે કે જેટલા સ્ટેટ્સમાં જીવીએ, હાઇફાઈ લાઇફસ્ટાઇલ માં રહીએ , મોંઘી વસ્તુઓનો ઉપયોગ કરીએ એટલે શાંતિથી જીવન પસાર થાય. પણ થાય છે તેનાથી ઊલટું. આ બધું માનવી મહેનત કરીને કમાય અને વાપરે તેમાં ખોટું નથી પણ વાપરતાની સાથે જ લોકો તેની નોંધ લે. મારી પાસે આટલું બધું છે આવું સરસ અને મોંઘુ છે. બ્રાન્ડેડ વસ્તુઓ છે. આ પોતાની સુખ-સુવિધાને ધ્યાનમાં રાખીને વાપરવાને બદલે જ્યારે લોકો એની નોંધ લે એવું મનમાં આવે છે એ જ નડે છે. અને નજરમાં ન આવીએ તો લે એણે જોયું પણ નહીં ? એમ વિચારીને સામેથી આ વસ્તુઓનું પ્રદર્શન કરવું. બસ આ જ માનસિકતા લોકોની શાંતિને છીનવી જાય છે. માણસને અંદરથી દુઃખી કરી દે છે. બધી રીતે સુખી સંપન્ન માનવી આવી ક્ષુલ્લક વાતને લઈ શાંતિ ખોઈ બેઠે છે અને દુઃખી થઈ જાય છે.
અત્યારના સમયમાં લોકો મિત્રોમાં, ઘર-પરિવારમાં, સ્વજનો કે કામ કરતા હોય ત્યાં આસપાસ બધા જોડે નાની નાની વાતમાં બોલી બાધી લે. સહન ન કરે જતું ન કરે ઝઘડો કરી લે. પછી એ ગુસ્સાનું પરિણામ સૌથી વધુ પોતાને જ ભોગવવુ પડે અને અંતે ક્યાંય શાંતિ જ નથી એમ કહીને યોગ, મેડિટેશન, ધ્યાન શિબિરો જે માનસીક શાંતિ માટે ચાલતી હોય છે તેમાં દસ દિવસ , પંદર દિવસ કે મહિનો ચાલ્યા જાય છે “શાંતિની” શોધમાં. આવી જગ્યાએ જવું જ જોઈએ હું એના વિરોધમાં નથી તે ખુબ જ સારી પ્રવૃત્તિ કરાવે છે. અનેકના જીવનમાં આવેલા સકારાત્મક ફેરફારો મેં પોતે જોયા છે. પણ આ અમુક દિવસો કે મહિના કરવું અને “શેઠની શિખામણ ઝાંપા સુધી” કહેવતની જેમ પાછા ફરીએ ત્યારે બધું મગજમાંથી બાષ્પીભવન થઈ જાય છે. પેલાની જેમ જ ચિંતા, હાય હોય, રાડો પાડવી, વાંક જોવા, રિસાઈ જવું, ગુસ્સે થવું, વગેરે જેવા અઘરા વમળોમાં માનવી ફસાવા લાગે છે. તે શિબિરોમાં શીખવેલી કાયમી શાંતિ જળવવાના પાઠને તે ભૂલી જાય છે. તેને પોતાના જીવનમાં ઉતારતો નથી. એટલે જ તેનું મન અશાંત રહેતું હોય છે.
આવી સરસ ખુબસુરત જિંદગી જે ઈશ્વર દ્વારા મનુષ્યને મળેલ અનમોલ ભેટ છે. માનવીએ ઈશ્વરની અપાર અદભુત શ્રેષ્ઠોત્તમ રચના છે. તે ધારે તે બધું જ કરી શકે તેવા સક્ષમ આ સર્જનહારે તેને બનાવ્યો છે. નાના એવા દિલ-દિમાગમાં સૃષ્ટિના સૌંદર્યને જોવા સમજવા માણવાની અદભુત શક્તિ આપેલી છે. સાથો-સાથ વિચારો, યુક્તિઓ, પ્રેમ અને લાગણીઓનો અક્ષયપાત્ર માણસને બનાવ્યો છે. તો આટલું બધું ઈશ્વરે આપણને આપ્યું હોય અને એનાથી વધુ નવું બનાવવાની શક્તિ આપી હોય તો “શાંતિ” તો જીવનમાં છે જ.
આપણી અંદર શાંતિ જ છે. બસ થોડી થોડી નકારાત્મક ધૂળ ચડી ગઈ હોય તેને સાફ કરો એટલે દુનિયાનો દરેક વ્યક્તિ ગર્વથી – હકથી કહી શકે કે “મારાં જીવનમાં શાંતિ છે”.
દરેકના જીવનમાંઅશાંતિ નહિ ધારો તો પણ આવીને સામે ઉભી રહી જશે. પણ, દોસ્ત ! શાંતિ ને જીવનમાં લાવવા અને રાખવા થોડી મહેનત તો આપણે કરવી જ પડશે.