આજે કચ્છ જિલ્લાના બળદિયા ગામે અબજીબાપાની છતેડી અને હનુમાનજી મંદિરના ઉપક્રમે અનાદિ મહામુકતરાજ સંત અબજીબાપા પ્રાગટય શતામૃત મહોત્સવમાં મુખ્ય મહેમાનપદેથી ઉદબોધન કરતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, ભગવાન સ્વામિનારાયણના સિધ્ધાંતો, વિચારો આજના સમયને અનુરૂપ છે. તેમાંથી પ્રેરણા લઇને સાપ્રંત સમયના પડકારોને ઝીલી લઇએ.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, ‘મહા’ વાવાઝોડાના સંદર્ભે સંભવિત કુદરતી આપત્તિને ગંભીરતાથી લઇને રાજય સરકારે તમામ તૈયારીઓ કરી છે, ૩૦ જેટલી એનડીઆરએફની ટીમો અને ૧૫ એસડીઆરએફ ની ટીમો તૈનાત રાખીને જુદા-જુદા જિલ્લાઓમાં મોકલવામાં આવેલ છે. જિલ્લા કલેકટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓને સ્ટેન્ડ ટુ રાખવામાં આવેલ છે. મેડીકલની ટીમો, દવાઓ અને મેડીકલ સ્ટાફ સાથે તૈયાર રાખવામાં આવેલ છે. પીજીવીસીએલ સહિતની ટીમો પણ તૈનાત રાખવામાં આવી છે.
આપત્તિ આશીર્વાદમાં કેમ પલટાવવામાં આવે અને માનવતાના પુરૂષાર્થની પરાકાષ્ટા સર્જીને ઓછામાં ઓછું નુકશાન થાય અને એકપણ મૃત્યુ ન થાય તે માટે સરકાર કટિબધ્ધ છે. લોકોને સલામત સ્થળે લઇ જવા ગોઠવણી કરાયેલ છે. વાવાઝોડું થોડું કમજોર થયેલ છે. રાહતની કામગીરીની વ્યવસ્થા સાથે તંત્ર આગળ વધી રહેલ છે. તાજેતરના વરસાદ માવઠાંમાં જે ખેડૂતોને ખેતીમાં નુકશાન થયું હશે તેમને કેન્દ્ર સરકારના નોમ્સ મુજબ સહાય કરવામાં આવશે.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, અમારી સરકાર ચાર પાયાની બાબતો પર ચાલે છે. વિકાસના એજન્ડાને લઇને બધા સમુદાયને સાથે લઇને ગુજરાતની ભાવિ પેઢીની ભવિષ્યને ઉજજવળ બનાવવા અમે પ્રયત્નશીલ છીએ.
તેમણે જણાવ્યું કે, રાજય સરકાર ઘણી બાબતોને ઓનલાઇન કરીને પારદર્શકતા લાવવા માંગે છે. રેવન્યૂ રેકર્ડમાં ક્રાંતિકારી ફેરફાર લાવી રહયા છીએ અને આ રીતે દરેક વિભાગમાં આપણે જઈ રહયા છીએ.