અમદાવાદ, તા. ૫
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ અને લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની વીરગાથાના પ્રતીક સમાન સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા ખાતે બીઆરજી બજેટ સ્ટે સંકુલ આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જાહેર જનતા માટે ખુલ્લું મૂકયુ હતુ. આ પ્રસંગે મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, માત્ર ૧૦૦ દિવસોમાં જુના સરકારી કવાટર્સને તોડીને પ્રવાસીઓ માટે વ્યાજબી દરની સુવિધાઓ સાથેની બીઆરજી બજેટ સ્ટે દ્વારા જે સુવિધાઓ વિકસાવવામાં આવી છે તે અભિનંદનને પાત્ર છે. હાલમાં આ સ્થળે દૈનિક રૂપિયા રૂ.૪૭૫ના દરે નિવાસની સુવિધા આપતા ૪૦ રૂમો જાહેર જનતા માટે શરૂ કરવામાં આવ્યા છે તેમજ પર્યટકો માટે ભોજનગૃહમાં વિવિધ પ્રકારની વાનગી પીરસવામાં આવશે. તેમજ આગામી દિવસોમાં અહીંયા પૂર્ણ સ્તરે ૧૨૫ રૂમો શરૂ કરવામાં આવશે. જેથી સામાન્ય જનતા અને વિદ્યાર્થીઓને પરવડે તેવું આશ્રયસ્થાન બની રહેશે. આ પ્રસંગે બીઆરજી ગ્રુપના સ્થાપક ચેરમેન બકુલેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી પ્રેરીત વિચારધારાને સાકાર કરવાના હેતુથી સરદાર સરોવર ડેમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ આસપાસના વિસ્તારોમાં આવેલ જોવાલાયક સ્થળોની મુલાકાતે આવતા ગ્રુપ પ્રવાસીઓ તેમજ શાળા-કોલેજના વિદ્યાર્થીઓને નજીવા પોસાય તેવા દરોએ ૪૦૦થી વધુ મુલાકાતીઓ રહી શકે તેમજ ભોજન લઇ શકે તેવી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાના હેતુને સાકાર કરવા માટે બીઆરજી બજેટ સ્ટેનું નિર્માણ કરવામાં આવ્યું છે. બીઆરજી બજેટ સ્ટેમાં માત્ર રૂપિયા ૪૭૫ પ્રતિ વ્યક્તિ પ્રતિ રાત્રીના દરે મુલાકાતીઓ રોકાણ કરી સ્ટેચ્યુ ઓફ યુનિટીની તેમની મુલાકાતને આનંદ સાથે માણી શકશે. દરમ્યાન બીઆરજી બજેટ સ્ટેના લોકાર્પણ પ્રસંગે હાજર રહેલા બીઆરજી ગ્રુપના મેનેજીંગ ડિરેક્ટર સરગમ ગુપ્તાએ જણાવ્યું કે, બીઆરજી ગ્રુપના નેજા કેવડિયા ખાતે કોર્પોરેટ ઇવેન્ટ સાથે નાગરિકોના જીવનના યાદગાર પ્રસંગોને દુનિયાની ખ્યાતનામ જગ્યા ઉપર ઉજવવાની તમામ સુવિધાઓ એક જ સ્થળે એટલે કે બીઆરજી બજેટ સ્ટે ખાતે ઉપલબ્ધ રહેશે. દેશના વિભિન્ન રાજ્યોના ફૂડ સ્ટોલ સાથે સ્વાદિષ્ટ ભોજન અને પ્રકૃતિક વાતાવરણમાં સરદાર વલ્લભભાઈ પટેલના જીવન ચરિત્રને અને વિચારોને નજીકથી સમજવાં અને માણવાની તક બીઆરજી બજેટ સ્ટે ખાતે આપવામાં આવશે. આ અંગે વધુમાં સરગમ ગુપ્તાએ ઉમેર્યું કે, આ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ આસપાસના જોવાલાયક સ્થળોની મુલાકાત માટે ગાઈડ તેમજ પરિવહનની તમામ વ્યવસ્થા બીઆરજી બજેટ સ્ટે ખાતે ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત રેસ્ટોરન્ટ, કોર્પોરેટ ઇવેન્ટ હોલ તેમજ ૩૦૦૦ થી ૫૦૦૦ વ્યક્તિઓના સામુહિક કાર્યક્રમના આયોજન માટે અત્યાધુનિક હોલ તેમજ લોનની સુવિધા પણ બીઆરજી બજેટ સ્ટે ખાતે યોજી શકાશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા ખાતે મુલાકાતે આવતા મુલાકાતીઓએ પોતાના રોકાણ માટે બીઆરજી બજેટ સ્ટે કંપનીની વેબ સાઈટની મુલાકાત લઈને બુકીંગની સુવિધા પણ ઉપલબ્ધ બનાવાઇ છે. મુખ્યમંત્રીએ આ સંકુલનું લોકાર્પણ કર્યુ તે બદલ બીઆરજી ગ્રુપના પદાધિકારીઓએ તેમનો આભાર વ્યકત કર્યો હતો.