ભાવનગર માં સ્વામિનારાયણ ગરુકુળ સરદારનગર ખાતે આગામી તારીખ 13/11/2019 થી 17/11/2019સુધી શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સરદારનગર DONATE RED, SPREAD GREEN, SAVE BLUE ની થીમ સાથે લોકોમાં પર્યાવરણ જાગૃતિના પ્રેરણાદાયી સંદેશ સાથે વિવિધ કાર્યક્રમો ઉજવણી કરવા થનગની રહ્યું છે. જેમાં તારીખ 13/11/19 ના રોજ સવારે 9:00 કલાકે મહાયજ્ઞ સ્થાપન અને આહવાનનો શુભારંભ થશે,
જેમાં ગુરુકુળ સંકુલમાં શાળાના સંચાલક કે.પી. સ્વામી અને કર્મચારી મિત્રો દ્વારા સ્વમહેનતથી ભવ્ય યજ્ઞશાળા બનાવવામાં આવી છે,જે સંપૂર્ણ વાંસ અને કાપડમાંથી બનાવવામાં આવી છે. યજ્ઞશાળા સાથે તમામ કાર્યક્રમોમાં શાળા સંચાલક કે.પી સ્વામીજીનો શુભ આશય ભારતના વડા પ્રધાનશ્રી નરેન્દ્ર મોદીજીનો શુભ સંદેશ પર્યાવરણ જાગૃતિ કેળવવાનો પણ રહ્યો છે, જે અંતર્ગત આ પંચ દિવસીય કાર્યક્રમમાં કોઈપણ જગ્યાએ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવેલો નથી. જેમાં મહોત્સવના નિમંત્રણ માટેના
હોર્ડિંગ્સ પણ પહેલી વખત કાપડમાંથી બનાવીને ભાવનગર શહેરમાં લગાવવામાં આવ્યા છે જે સંપુર્ણ Biodegradable છે.
સાથોસાથ એજ લક્ષ્યને ધ્યાનમાં લઇ પ્રસાદીના બોક્ષ પણ પેપર બોક્સમાં તૈયાર કરવામાં આવ્યા છે જેમાં પણ કોઈ જગ્યાએ સેલોટેપનો પણ ઉપયોગ કરવામાં આવ્યો નથી તેની જગ્યાએ એબ્રો ટેપનો ઉપયોગ કરવામાં આવ્યો છે, નાનામાં નાની બાબતને ગુરુકુળ પરિવારે પર્યાવરણ બચાવો સંદેશનો સમગ્ર ભાવનગરમાં પ્રસાર કરીને એક આદર્શ શહેર બને તેવા પ્રયત્ન માટે પહેલ કરેલ છે.
તારીખ 14/11/19 ના રોજ સવારે 8:00 કલાકે યજ્ઞ શુભારંભ તેમજ યુવાનોને દિશા નિર્દેશ માટે સવારે 9 થી 11 ભૂતપૂર્વ છાત્ર એવમ યુવા સંમેલન, તેમજ બપોરે 2:30 થી પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથે કાળીયાબીડ ટાંકીથી, અક્ષરવાડી, સેન્ટ્રલ સોલ્ટ, આતાભાઈ ચોક, રૂપાણી સર્કલથી ગુરુકુળના કેમ્પસ સુધી ભવ્યાતિભવ્ય શોભાયાત્રા,પોથીયાત્રા જેમાં વિવિધ સંદેશા પાઠવતા આકર્ષણના કેન્દ્ર સમા ફ્લોટ્સ, હાથી, ઘોડા, બગી, બેન્ડ, તલવાર રાસ, ગરબા, આદિવાસી નૃત્ય, નાસીક ઢોલ, કવાંટ નૃત્ય, અંગ કસરતના દાવ, લેઝિમ, સ્કેટિંગ અને કેસરિયાળા સાફા સાથે 500 થી વધુ યુવાનો બાઈક અને બુલેટ સાથે જોડાશે. વિશાળ જનમેદનીમાં સંતો મહંતો, યુવાનો, હરિભક્તો, વાલીઓ તેમજ ભાવેણાની ભૂમિના નગરજનો જોડાશે જેમાં પીળા વસ્ત્રોની થીમ અંતર્ગત શોભાયાત્રા આકર્ષણનું કેન્દ્ર બનશે. આ સમગ્ર શોભાયાત્રા રંગદર્શી દ્રશ્યો દ્વારા ભાવેણાની ભૂમિને આનંદવિભોર કરશે.
તારીખ 15/11/19 ના રોજ મૂર્તિ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાથોસાથ પ.પૂજ્ય શાસ્ત્રી સ્વામી નારાયણચરણદાસજી ( શ્રી વ્રજભૂમિ આશ્રમ આણંદ) ના વ્યાસપીઠે શ્રીમદ્દ ભાગવદ્દ દશમસ્કંધની કથાનું પાવનકારી આયોજન થવા જઈ રહ્યું છે. જેમાં પ.પૂ.ધ.ધૂ 1008 આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજશ્રીના આશીર્વચનનો લાભ પણ પ્રાપ્ત થશે.
બપોરે 1 થી 3 માં નારી સન્માનની ભાવનાથી મહિલા ઉત્કર્ષ મંચનું આયોજન, જેમાં પૂજ્ય શ્રી ગાદીવાળા માતુશ્રી, શ્રી સ્મૃતિ ઈરાની ( કેન્દ્રીય મંત્રીશ્રી, કાપડ અને મહિલા તથા બાળવિકાસ, ભારત સરકાર), શ્રી વિભાવરીબેન દવે ( મંત્રીશ્રી, મહિલા અને બાળવિકાસ, શિક્ષણ, પ્રવાસધામ ગુજરાત રાજ્ય), ભારતીબેન શિયાળ( સાંસદ શ્રી ભાવનગર) ની વિશેષ ઉપસ્થિતિમાં યોજાનાર છે.
તા 16/11/19 ના રોજ CHANT GEETA, ENCHANT KRISHNA થીમ અંતર્ગત શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યાય ૧ નું 22,222 થી પણ વધુ વિદ્યાર્થીઓ અને ભાવિકો દ્વારા શ્વેતવસ્ત્ર પરિધાન સાથે સામૂહિક શ્લોકગાન થવા જઈ રહ્યું છે. જેના દ્વારા ભાવેણાનું ભાવાવરણ પવિત્ર બનશે અને આંતરિક ઉર્જાના શબ્દ સંચાર થશે અને સમગ્ર વાતાવરણને પ્રફુલ્લિત કરી ભાવનગરની સુખ ,શાંતિ અને સમૃદ્ધિ સદાય અકબંધ રહે એવા સુભાષિશ સાથે આ સામુહિક ગીતાગાન યોજાશે. તો આ ભગીરથ કાર્યમાં સર્વ ભાવિકજનો ને પધારવા પણ હાર્દિક આમંત્રણ છે.
તા 17/11/19 ના રોજ કથા પૂર્ણાહુતિ સાથે આ પંચદિવસીય ભવ્ય મહોત્સવ હર્ષોલ્લાસ સાથે સંપન્ન થશે. આ સમગ્ર ભક્તિભાવ અને હર્ષોલ્લાસ ભર્યા કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે શ્રી યોગી આદિત્યનાથજી ( સંતવિભૂતિ તથા હોનહાર મુખ્યમંત્રીશ્રી, ઉત્તર પ્રદેશ), શ્રી અનુરાગ ઠાકુર( કેન્દ્રીય નાયબ નાણામંત્રીશ્રી તથા પૂર્વ અધ્યક્ષશ્રી BCCI), પદ્મશ્રી રાજ્યવર્ધનસિંઘ રાઠોડ( સાંસદ શ્રી, પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી તથા ઓલમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ), શ્રી જીતુભાઈ વાઘાણી( પ્રદેશ અધ્યક્ષશ્રી ગુજરાત રાજ્ય, ભાજપા), શ્રી પરષોત્તમભાઇ રૂપાલા( રાજ્ય મંત્રીશ્રી, કૃષિ અને કિસાન કલ્યાણ વિભાગ ), શ્રી મનસુખભાઈ માંડવીયા ( રાજ્યકક્ષા મંત્રીશ્રી, શિપિંગ( સ્વતંત્ર હવાલો) કેમિકલ અને ફર્ટિલાઇઝર ), શ્રી જમ્યાંગ તિશરીંગ નામગ્યાલ ( સાંસદ શ્રી લેહ લદ્દાખ ) વગેરે જેવા મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ શોભામાં અભિવૃદ્ધિ કરશે. આ પાંચ દિવસ દરમિયાન સર્વ ધર્મપ્રેમી પર્યાવરણપ્રેમી અને શિક્ષણ પ્રેમી ભાવિક જનતાને પધારવા ગુરુકુળ પરિવાર અને સંચાલક પ.પૂ કે.પી. સ્વામી વતી સર્વોને સસ્નેહ આમંત્રણ છે.