પાટણ જિલ્લા પંચાયતના સ્વર્ણિમ હોલ ખાતે સબકી યોજના સબકા વિકાસ અંતર્ગત મહાત્મા ગાંધી બાપુની જન્મ જયંતી બીજી ઓક્ટોબર થી ગ્રામ પંચાયત ડેવલોપમેન્ટ પ્લાન અંતર્ગત ગ્રામસભાઓનું આયોજન કરેલ અને અત્યારે જિલ્લામાં ગ્રામ સભાઓ ચાલી રહી છે, ત્યારે વિવિધ વિભાગોની જરૂરિયાતોનું એસેસમેન્ટ કરી અને તાલુકા કક્ષાના અધિકારીઓને માર્ગદર્શન કરવાના હેતુથી જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે પારેખના અધ્યક્ષપણા હેઠળ જિલ્લા કક્ષાનો સેમિનાર યોજાયો હતો.
આ સેમિનારમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.કે પારેખે ઉપસ્થિત તમામ શાખા અધિકારીઓ અને તાલુકા કક્ષાના અધિકારીઓ તેમજ પ્રશાખાના કર્મચારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, ગ્રામ્ય કક્ષાએ મૂળભૂત જરૂરિયાતો અને સામાજિક ક્ષેત્રના વિકાસ માટે સરકારની વિવિધ યોજનાઓનો તેમજ વ્યક્તિલક્ષી યોજનાઓનો લાભ આપી ગ્રામ્ય કક્ષાએ વિકાસનું આદર્શ મોડેલ ઉભુ કરવા વિગતવાર છણાવટ સાથે ઉદાહરણ આપીને પ્રકાશ પાડ્યો હતો. આગામી સમયમાં વિવિધ વિભાગોના કન્વર્ઝન થકી ગામની સુખાકારી વધે તે માટેના પ્રયત્નો હાથ ધરવા માટે અત્યારથી જ આયોજન કરવા ભાર મૂક્યો હતો. આ તબક્કે કચ્છ જિલ્લાના કુનરીયા ગામના સરપંચ સુરેશભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.તેઓના ગામમાં પી.આર.એ. ટેકનિકથી ગામની જરૂરિયાતો શોધી કાઢી ગામના વોર્ડવાઇઝ આયોજન કરી અને વિકાસની બાબતને ત્રણ વિભાગમાં વિભાજિત કરી ગામનું જે આયોજન કરેલ તે પ્રેઝન્ટેશન સ્વરૂપે રજૂ કર્યું હતું. જે ખૂબ આવકારદાયક હતું.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, એમ.આર.પરમારે મનરેગા યોજના અંતર્ગત વિકાસ કામો કઈ રીતે લઈ શકાય તે બાબતે માર્ગદર્શન પૂરું પાડયું હતું. આ તબક્કે વિકાસ શાખા દ્વારા ૧૪ માં નાણાપંચ અંતર્ગત કામો બાબતમાં ખૂટતી કડીઓ ઉપર પ્રકાશ પાડ્યો હતો. પંચાયત શાખા દ્વારા ગામની મૂળભૂત જરૂરીયાતો જેવીકે સ્ટ્રીટ લાઈટ, ડોર ટુ ડોર કચરા કલેકશન, ગટર વ્યવસ્થા, પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા, પંચાયત ઘર સહિત મરામતના કામો, ગૌચર જમીનનો વિકાસ, વૃક્ષારોપણ સહિત ગામની સુખાકારી માટે ગ્રામ પંચાયત ખાતે આવક વધારવા માટે આકારણી અદ્યતન કરવી, વેરા વસુલાત સમયસર કરવા જેવી વિગેરે બાબતો ઉપર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. આ તબક્કે શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ, ખેતીવાડી વિભાગ, પશુપાલન વિભાગ, બાંધકામ વિભાગ, આઇસીડીએસ વિભાગ દ્વારા પણ પ્રેઝન્ટટેશનો રજૂ કરવામાં આવ્યા હતા.
સેમિનારના અંતે પ્રતિભાવો મેળવવામાં આવ્યા હતા. જેમાં હકારાત્મક બાબતો ધ્યાન ઉપર આવેલ હતી અને જુદા જુદા કામો માટે કન્વર્ઝન સાથે સંકલન કરવાની બાબત પણ ચર્ચામાં અગ્ર સ્થાને રહી હતી. આ તબક્કે ભવિષ્યમાં પણ પદાધિકારીઓને સાથે રાખી અને આયોજનમાં સામેલ કરવા માટે તેઓનો સેમિનાર રાખવા સૂચન થયું હતું. તેમજ આયોજનની પ્રક્રિયામાં સરપંચઓને પણ માર્ગદર્શન કરવા અનુરોધ કર્યો હતો. સેમિનારમાં નવા પશુ દવાખાના બનાવવા, શાળા, આંગણવાડીના એપ્રોચ રોડ બનાવવા, ડ્રીપ ઈરીગેશન ઉપર ભાર મૂકવા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખૂટતી સુવિધા ઉભી કરવી, ગ્રામ્ય કક્ષાના રસ્તાઓ બનાવવા, આંગણવાડીઓમાં ટોયલેટની અને વરંડાની સુવિધા ઉભી કરવી, શાળાઓમાં હેન્ડ વોશ સુવિધા ઉભી કરવા જેવી વિગેરે બાબતો પ્રકાશમાં આવી હતી. અને આગામી સમયમાં જેના નક્કર આયોજનો હાથ ધરવા માટે જિલ્લા વિકાસ અધિકારી માર્ગદર્શન આપ્યું હતું.
આ સેમિનારમાં રિલાયન્સ ફાઉન્ડેશનના પ્રતિનિધિ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી એમ.એમ.ચૌહાણ, જિલ્લા ખેતીવાડી અધિકારી એસ.એસ.પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા.ગૌસ્વામી સહિત વિવિધ વિભાગના, જિલ્લા પંચાયત શાખાઓના શાખા અધિકારીઓ તેમજ તાલુકા કક્ષાએથી તાલુકા વિકાસ અધિકારી અને વિવિધ વિભાગોના તાલુકા કક્ષાના અધિકારીઓ/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.