વિરોધપક્ષના કોંગ્રેસના નેતા પરેશભાઈ ધાનાણીએ અન્ન અને નાગરિક પુરવઠાની ચર્ચામાં ભાગ લેતાં સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા કે બાર હજારથી વધુ રૂપિયાનું અનાજ જે ગરીબોનો કોળીયો છે તે બારોબાર સગેવગે થઈ જાય છે અને ભાજપની રહેમનજર તળે મોટું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. ફીંગર પ્રિન્ટ પણ ચોરાયા હોવાથી સીસ્ટમમાં પણ આ કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ કહ્યું હતુ કે મોરારીબાપુ – મોરારી દાસ હરિયાણીના નામે રેશનકાર્ડ છે અને તેનો અનાજનો જથ્થો ઉપડી જાય છે. આ ઉપરાંત તેમને અન્ય મોટા નામો પણ કે જેમના નામે રેશનકાર્ડ ઈસ્યુ થયા છે અને તેના નામે આવતો જથ્થો બારોબાર સગેવગે થઈ જવાના પણ ગંભીર આક્ષેપ કર્યા હતા અને જણાવ્યું હતું કે મારી પાસે આ જે બોલું છું તે અંગેના પુરાવા પણ છે.
સુરતના સંસદ સભ્યના નામના રેશનકાર્ડનો જથ્થો પણ બારોબાર ઉપડી જાય છે. તેનાથી આગળ વધીને સુરતના ડાયમંડના મોટા વેપારીના નામે રેશનકાર્ડ છે જેનું નામ છે વસંત ગજેરા તેઓ બીપીએલ કાર્ડ હોલ્ડર છે. આવા તો કેટલાય મોટા નામો છે જેમના નામે રેશનકાર્ડ છે અને જથ્થો બારોબાર ઉપડી જાય છે. ભાજપના અને અધિકારીઓના રહેમ તળે ગરીબોના અનાજનો કોળીયો ઝુંટનારને ફાંસીએ લટકાવવા જોઈએ. ૧ર હજાર કરોડનો ગરીબોના હકનો જથ્થો વ્યવસ્થિત રીતે ઉપડી જાય છે.
અન્ન નાગરિક પુરવઠા મંત્રીએ જવાબમાં જણાવ્યું હતું કે પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે સરકાર કોઈને પણ છોડવા માંગતી નથી.