મારી જીવન ઘટમાળની ચમકતિ સંધ્યાના રચાયેલા રંગોની રંગોળીમાં સોનેરી ઉષાના રંગોએ ભાતિગળ મિત્રસર્કલ આપી ઉપકાર કર્યો છે. મિત્રોના સંગાથે મને તરબતર કરી દીધો છે. પ્રારંભમાં મોતિયા નામના કુતરાએ પોતાની મિત્રતા નિભાવાનું શરુ કર્યું હતુ. પાછળથી મોટો માનવમહેરામણ ઉમટી પડ્યો છે.માતાનો સ્વર્ગવાસ થતા બાળપણમાંજ માતૃપ્રેમથી વંચીત રહેવુ પડ્યું હતુ. પણ પાછળથી ઇશ્વરે જાણે માતાને પ્રેમની વર્ષા રાણીની હેલી બનાવી પૄથ્વી પર મારા માટે મોકલી આપી હોય તેવુ લાગે છે. જેના કારણે મારુ જીવન હર્યુ-ભર્યું બની ગયુ છે. હાલ તો હું સંસાર રૂપી ભૂમિ પર મબલખ પાક લણવાની મોજ લઈ રહ્યો છું. મારા અંતરના બત્રીશે કોઠે નિજાનંદના દીવા બળી રહ્યા છે. ખૂદ ઇશ્વર દીવાની જ્યોત જલતી રાખવા. વખતોવખત દીવેલ પુરતા હોય તેવી રાત-દિવસ અનુભૂતિ થાય છે. એટલુ જ નહિ અંતરના કોઈ ખૂણે ગ્લાની ડોકિયા કરી શકતી નથી.
બાળપણમાં બચુદાદાનો ડગલે ને પગલે ટેકો મળતો હતો. તેઓ મારી નાની મોટી જરૂરિયાતની કાળજી રાખતા હતા. લગભગ પાંચેક વર્ષની ઉંમર થતા ઘણા મિત્રોનો સંગ થયો. બધા મિત્રો શરુઆતમાં અમારા ઘરે રમવા આવતા હતા. પણ મારી મોબીલીટીનો વિકાસ જેમ-જેમ થવા લાગ્યો. તેમ-તેમ હું પણ દરેક મિત્રોના ઘરે જવા લાગ્યો હતો. મિત્રોના સહવાસથી મને ઘણુ શિખવા મળ્યું છે. અરવિંદ પી. અને બાબુ પી. સોનાણી, રમેશ પી. સોનાણી, રાઘવ પી. સોનાણી, હરજી પી. સોનાણી, વિનુ ડી. સોનાણી, વિનોદ પી. સોનાણી, કુવરજી કે. સોનાણી, કાળુ ડી. સોનાણી, ભાડીયાદ્રા સતિષ તેમજ વાલ્જીભાઈ. કાકાનો દીકરો તળશી, અને લલ્લુભાઈ. સનત અને સંજય, શંભુ અને દલસુખ તેમજ જીતુ, બાળપણના મારા અંગત સાથી રહ્યા હતા. નામાવલી તો ઘણી મોટી આપી શકાય. પણ આતો માત્ર મારા મિત્ર વર્તુળની ઝાંખી છે. દોસ્તો સાથે રમતો રમવાનો લ્હાવો આપી ઇશ્વરે મને ઉમંગના સરોવરમાં નવડાવ્યો હતો. આવો વૈભવ કોઈ નસીબદારને જ મળતો હશે. તેમ હું માનુ છું. જીવન શિક્ષણના પાઠ મને આ બધાં મિત્રો પાસેથી શિખવા મળ્યા છે. કેટલિક બહેનો પણ અમારા મિત્ર વર્તુળમાં હતી. તેની નામાવલીની યાદી ઘણી લાંબી છે,તેથી અહી તેનો ઉલ્લેખ કરતો નથી.
મારી છ સાત વર્ષની ઉંમર થતા હું પ્રથમ બાલમંદીર અને બાદમાં પ્રાથમિક શાળામાં મિત્રો સાથે ભણવાના હેતુથી જતો હતો. પણ પ્રાથમિક શાળાના આચાર્યે અંધ વ્યક્તિને શાળામાં ભણવા પ્રવેશ આપી શકાય નહિ. તેવુ કારણ આપી મારી દોડતી ગાડીને બ્રેક લગાવી દીધી હતી. પણ તેના દિલમાં રામ વસતાં નામની નોંધણી વિના તેઓ મને શાળામાં મિત્રો સાથે બેસવા દેતા હતા. બાળમંદીરનો અનુભવ આનાથી ઉલ્ટો થયો હતો. બાલમંદીરના શિક્ષિકા મંજુબહેન પંડ્યા માયાળુ હતા. તેમણે બાળમંદીરના રજીસ્ટરમાં મારુ નામ દાખલ કર્યું હતુ. એટલુ જ નહિ, તેઓ મારી ગણતરી સામાન્ય બાળકો સાથે કરતા હતા. બાળકોને જે રમત રમાડે તે મને પણ રમાડતા હતા. નાસ્તો પણ આપે, ઠપકો પણ આપતા હતા. મારા હૄદયને આંચકો લાગે નહિ. તેની ખાસ કાળજી રાખતા હતા. બાળ રમત રમતા બાળકોને સમજાવી પકડાપકડીની રમતમાં મારા પર દાવ ન આવે તેવી સુચના ખૂબ ખાનગી રીતે આપી દેતા હતા. તેથી આવી કોઈ પણ રમતમાં મને ભૂલથી એક પણ બાળક અડકતું નહિ. કોઈવાર હું દોડતા-દોડતા અટકી જાવ તો પણ મને કોઈ અડકતું નહિ. આવુ રોજ બનવા લાગ્યું. મને અચાનક અહેસાસ થયો. મને કેમ કોઈ અડતું નહિ હોય? મેં એક બાળકને પુછ્યું :”તમેલોકો મને કેમ અડતા નથી.?” સાંભળી જવાબ મળ્યો. “તું દહીં દૂધમાં છો તને અડવાથી અમારો દાવ ન ઉતરે. એટલે અમે તને કોઈ અડતા નથી. મંજુબહેને બધાને એમ કરવા કહ્યું છે. ભૂલથી પણ તને અમે જો અડીએ તો અમારે બે દાવ આપવા પડે. એક દાવ અમે માંડ આપીએ છીએ. એમાં બે દાવ શી રીતે આપવા? તને દેખાતું નથી તેમ મંજુબહેન કહેતા હતા” શિક્ષિકાની સમજને સલામ.
આજે જ્યારે પ્રજ્ઞાચક્ષુ બાળકો અને શિક્ષકોને પ્રાથમિક શાળામાં અણઘણ શિક્ષકો અને આચાર્યના કારણે સહન કરવાનું આવે છે. ત્યારે મારા હૄદય પર મોટો ઘાત થાય છે. એક સમયના મંજુબહેન જેવા શિક્ષિકા છે, તો બીજા સમયના એસટાટ આચાર્યો છે. મિત્રો કઈ લાયકાત ચડિયાતી ગણવી? મારુ મન નક્કી કરી શકતું નથી. માધ્યમિક શિક્ષણનો પ્રારંભ વિશુધાનંદ વિદ્યામંદીરમાં થયો હતો. મને આ શાળામાં ગંગા સ્નાન જેટલો આનંદ અને પ્રેમની વર્ષાની હેલીનો લાભ મળ્યો હતો. પ્રિંસિપાલ જીવરાજભાઈ શિક્ષિકાબહેનોએ મારો ઉત્સાહ વધાર્યો હતો. ભાવિ શાહ અને ભૈરવિ શાહ સહપાઠી બહેનોએ સગીબેન જેવી કાળજી રાખી. બ્લેકબોર્ડ પર શિક્ષક લખતા તે દરેક નોંધ મને ખાલી તાસમાં ભૂલ્યાવિના બ્રેઇલમાં કરાવી દેતી હતી. આવી ચીવટ લોહીના સગપણ ધરાવતી વ્યક્તિ પણ રાખી શકે નહિ. આવો હુંફાળો સ્નેહ બંને બહેનોએ આપ્યો હતો. પરિણામે ધોરણ ૯ માં ૧૨૦ સામાન્ય વિદ્યાર્થીઓ વચ્ચે મારો પ્રથમ નંબર આવ્યો હતો. મારા જીવનમાં પ્રેમના રંગો રેલાતા રહ્યા છે. સંકલિત શિક્ષણમાં ફરજ બજાવતા ઘણા શિક્ષક ભાઈ બહેનોએ મારા કાર્યને દિપાવવા યત્કિંચીત ટેકો કર્યો છે. તો વળી અંધ ઉદ્યોગ શાળાના કર્મવિરોએ પણ કર્મયજ્ઞને પ્રજોલીત રાખવા યોગદાન આપ્યું છે.
આ બધી સફળતાનો યશ હું ભગવાન કૄષ્ણને અર્પણ કરુ છું. જેના મનમંદીરમાં મારો અંતરયામી બીરાજમાન થઈ. સુંદર કાર્યના સહભાગી બનાવ્યા છે. તે સૌ કોઈને યશના ભાગીદાર ગણુ છું.
મારા જીવનની રંગબેરંગી રંગોળીના તેઓ માલિક છે. મારા ઘડતરમાં ઘણા લોકોનો ફાળો છે. પણ એક યાદગાર પ્રસંગ કહ્યા વિના મન શાંત નહિ પડે. લગભગ ૨૦૦૩-૨૦૦૪ નું એ વર્ષ હતું. પાલીતાણામાં સંકલિત શિક્ષકોની તાલીમ શિબીર ચાલતી હતી. રા્ત્રી સભામાં ૧૨૦૦ સંકલિત શિક્ષકો, ગુજરાત રાજ્યના તાલીમભવનના અધિકારીઓ, વ્યાખ્યાતાઓ અને ગાંધીનગરથી પધારેલા ગુજરાત શિક્ષણ સંશોધન અને તાલીમ પરિષદના અધિકારીઓ મળી અને આમંત્રિત મહાનુભાવો સભામાં બેઠા હતા. રાત્રીના દસ ને પિસ્તાલિસ કલાકે સભાને સંબોધવા મને આમંત્રણ આપવામાં આવ્યુ. બગાસાનો વરસાદ ધીમે-ધીમે ટપકી રહ્યો હતો. મનથી કોઈ સભામાં હાજર હોય તેવુ એક પણ લક્ષણ દેખાતું ન હતુ. કહેવાતા મહાનુભાવો ગર્જી ચૂક્યા હતા. વચ્ચે-વચ્ચે અભિનયની વિજળીએ પણ પોતાનો રંગ જમાવી લીધો હતો. હવે તો સભા બરખાસ્ત થાય તો સારુ એમ બધા ઇચ્છતા હતા. તેથી મારે મોરલીના નાદ વિના નાગને ધુણાવા જેવુ કાર્ય મેદાને પડી કરી બતાવાનું હતુ. એક તરફ સમય વહી રહ્યો હતો. બીજી તરફ સંકલિત શિક્ષકોના પેચિદા પ્રશ્નો સરકારના ઉપસ્થિત અધિકારીઓ સમક્ષ ધારદાર ભાષણ આપી રજુ કરવાનો પડકાર હતો. યોજના ચલાવતા સ્વેચ્છિક સંસ્થાઓના નેતાઓ સરકારની વાહ-વાહ પુકારી. ભાષણ પતાવી ક્યારનાય સભામાં આરામ ફરમાવી રહ્યા હતા. મારે જંડા-જૂલણનો ખેલ રચી બગાસાના વરસાદને રોકવાનો હતો. રણમાં સુગંધિ ગુલાબની ખેતી કરવાનો મારો વારો હતો. ક્યાંથી ભાષણ શરુ કરવુ તે સમજાતું ન હતુ. ક્રીકેટનો વર્લ્ડકપ પુરો થયો તેને બહુ સમય વિત્યો ન હતો. મક્કમ વિચારોને મૂકવા મેં તેનો જ સહારો લીધો.
“ભાઈઓ તથા બહેનો આજ-કાલ વન-ડે ક્રિકેટનો જમાનો છે. બેટિંગ કરે તે બાદશાહ કહેવાય. છેલ્લી ઓવરોમાં જે બેસ્ટમેન બેટિંગમાં આવે તેને બોલ ન બગાડવા જોઈએ. દુનિયાના મોટાભાગના ઓપનિંગ બેસ્ટમેન ધીમી ઇનિંગ રમી મારી જેવા ઉગતા ખેલાડીને રનરેટ વધારવા છેલ્લી ઓવરોમાં માંડ મોકો આપે છે. ક્રિકેટમાં જેમ કપીલદેવ, વિરેંદ્ર સેહવાગ, શ્રીકાંત જેવા ખેલાડીઓ છે. તેમ મારે પણ મારી યાદગાર ઇનિંગ રમી બતાવી. મારી ઇચ્છા વ્યક્ત કરવી પડશે. મારા શબ્દબાણ અધીકારની બાઉન્ડ્રી કુદી જશે. તેની મને પુરી શ્રદ્ધા છે. સભામાં બીરાજમાન એક પણ અધિકારી મારા આ શબ્દ-બાણને રોકી શકે તેમ નથી. પ્રવાસી શિક્ષક પ્રત્યેની આ લાગણીનોપ્રવાહ છે. તેથી તેને કોઈ નહિ રોકી શકે તેની મને શ્રદ્ધા છે. વિકલાંગ બાળકોના શિક્ષણની સંકલિત શિક્ષણ યોજનાને હું આવકારુ છું. પણ તેમાં કામ કરતો શિક્ષક દુ:ખી હશે તો યોજના સફળ થઈ શકશે નહિ. હાલ આ યોજનામાં એક હજારથી વધુ શિક્ષકો કાર્યરત છે. છેલ્લી ભરતીમાં ઘણા નવા શિક્ષકોને નિમણુક આપવામાં આવી છે. એટલે છેલ્લો આકડો મારી પાસે નથી. આ યોજનાના મહારથીઓ: જેવાકે ભાસ્કર મહેતા, પ્રફૂલ વ્યાસ, અનીલભાઈ પટેલ, પ્રકાશ મંકોડી, અને યુસુફી કાપડિયા છે. કાપડિયા સાહેબે દાહોદમાં હમણા જ વધુ ૧૦૦ પ્રવાસી શિક્ષકોની ભરતી કરી છે. તેને મારા અભિનંદન છે. પણ મને દુ:ખ એ વાતનું થયા કરે છે. કે પ્રવાસી શિક્ષક હજુ પણ સલામત બન્યો નથી. દાહોદનો એક શિક્ષક પોતાના શિક્ષણ ક્ષેત્રમાં બાળકોને ભણાવા નિકળ્યો હતો. પણ હજુ તે પરત ફર્યો નથી. તેનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ નીપજ્યુ છે. તે કદી પાછો નહિ ફરી શકે. તેના બૈરાં છોકરાં આધાર વિનાના થઈ ગયા છે. તેને સરકારી કોઈ સહાય પણ મળી નથી. હાલ કામ કરતા શિક્ષકોને એક વર્ષની બાર રજા સિવાય કોઈ લાભ મળતા નથા. પેંશન કે મેડિકલ રજા પણ મળતી નથી. સરકાર એક હાથે તાળીના ટપાકા કરવા ઇચ્છે છે. વિકલાંગ બાળકોના શિક્ષણનો વિસ્તાર કરવો છે. પણ કર્મચારીની સમસ્યા દેખાતી નથી. તાલીમના આયોજન ને હું આવકારું છું. પણ કર્મચારીના અધિકાર પ્રત્યેની ઉદાસિનતાને ધિક્કારુ છું. પ્રવચન લગગ પુરી ૩૦ થી ૩૫ મિનીટ ચાલ્યુ હશે. પણ અહીં તો તેનો માત્ર રસાસ્વાદ કરાવ્યો છે.
ભાષણ પુરુ કરી મંચ પરથી નીચે ઉતર્યો એટલે મને લોકોએ ઘેરી લીધો હતો. બધા અભિનંદન આપી રહ્યા હતા. પણ ટોળામાં ઘુસી જઈ. માત્ર સાડા ચાર વર્ષની મારી દીકરી નિષ્ઠા આવીને બોલી: “પપ્પા ખૂબ મજા આવી પણ મને બહુ દુખ થયુ, કારણ તમને આવડ્યુ નહિ. તમે કહેતા હતા કે છેલ્લો આકડો મારી પાસે નથી. તમને કેમ ન આવડ્યુ? બધાને કેવુ લાગે? પપ્પા હવે શિખી લેજો”. મારી પ્રગતિનું આ મોટુ પરીબળ છે. જીવન સાથી નીલાની પણ અવારનવાર આવી ટકોર ખાવી પડે છે. આતો છે જીવનની મજા. નીખાલસ બાળક પણ પિતાની કેટલી ચિંતા કરતું હોય છે. એટલે હું મારા આ વૈભવ રૂપી મોતિને વેરતો રહુ છું. ચમકતા મોતિના અજવાળે હું અંધ અભ્યુદયમંડળ, એન. એ. બી. ભાવનગર જીલ્લા શાખા, અખિલ ગુજરાત નેત્રહીન જાગ્રુત ટ્રસ્ટ અને અંધ ઉદ્યોગ શાળાની પ્રગતિની ગાડી આગળ ધપાવી રહ્યો છું. અંતરના અમી વડે ઉંજણ પુરી આ બધી જાહેર સંસ્થાઓને પ્રગતિની પાંખે ઉડાન ભરી આદર્શ જાહેર સંસ્થા તરીકે દિપાવવા કામ કરતો રહીશ. સમાજનો પ્રેમ મને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી કાર્ય કરવા ઉર્જા આપતો રહેશે. તેવી શ્રધ્ધા રાખુ છું. કારણ જીવનમાં રેલાયા છે રંગો અને વેરાયા છે. મોતિ.
મને પ્રાપ્ત થયેલ સહકાર મારા જીવનના રેલાયેલા રંગો છે. પણ તેમાંથી ફૂટી નીકળેલી સેવા વેરાયેલા મોતિ છે.
“નૈનોનું નૂર ભલેએ લઈ લીધું નાથ તેં,
પ્રજ્ઞાનું આખુંય આભ દીધું,
દિવ્ય દ્રષ્ટિનો રૂડો આપ્યો દરબાર. ભલા કામણ કેવુ કીધું.
રંગો રેલાવી નાથ તેં લાખો આંખોનું તેજ “
દીધુ કહે “ઝગમગ” પ્રભુ તારા પ્રતાપે મોતિ લીધા ગોતિ”.
અનુભવના ઓટલે અંક ૩૪
લેખક- લાભુભાઈ સોનાણી