દહેગામનું જુનુ બસ સ્ટેન્ડ છ કરોડના ખર્ચે નવુ બનાવાશે

1451
gandhi223018-2.jpg

દહેગામનું ૩૫ વર્ષ જુનુ એસ.ટી.બસ સ્ટેન્ડ આગામી દિવસોમાં નવુ બનાવવા માટેનું તંત્ર દ્વારા તૈયારીઓ આરંભી દેવાઈ છે.૧૯૮૨માં નિર્માણ પામેલ એસટી બસ સ્ટેન્ડ ૬ કરોડ ૧૫ લાખના ખર્ચે નવી ડિઝાઇન મુજબ બનાવવામાં આવનાર છે. સમય સાથે દહેગામ તાલુકો પણ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે. ત્યારે એસટી સ્ડેન્ડને રીનોવેટ કરવામાં આવશે.
ટુંક સમયમાં જ નવી બિલ્ડીંગનું નિમાર્ણ કાર્ય શરૂ કરવામાં આવશે
ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિ.ના અમદાવાદ વિભાગમાં સમાવિષ્ટ દહેગામનું એસ.ટી.બસ સ્ટેન્ડ બિલ્ડીંગ વર્ષ ૧૯૮૨માં બનાવાયા બાદ તા.૧૪ ઓગષ્ટ ૧૯૮૨ના રોજ તત્કાલિન મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી, વાહન વ્યવહાર કોપોરેશનના અધ્યક્ષ નરહરિ પરીખ, વાહન વ્યવહાર મંત્રી પ્રબોધભાઇ રાવલ અને મુખ્ય વ્યવસ્થાપક એ. પ્રસાદની ઉપસ્થિતિમાં એસટીના ડ્રાઇવર કમરઅલી મહંમદઅલી સૈયદના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યુ હતુ.
ત્યારથી ધમધમી રહેલા એસટી ડેપોની લાભ અસંખ્ય મુસાફર જનતાએ લીધો અને લઇ રહ્યા છે. સમય જતાં એસ.ટી.બસ સ્ટેન્ડ બિલ્ડીંગ સમય અનુસાર આધુનિક બનાવવાની જરૂરિયાત ઉભી થતાં એસ.ટી.વિભાગ દ્વારા બસ સ્ટેન્ડ નવુ બને તે માટેની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. હાલના હયાત બિલ્ડીંગને તોડી પાડી અંદાજીત ૬ કરોડ ૧૫ લાખના ખર્ચે નવુ બસ સ્ટેન્ડ બનાવવાની મંજુરીની પ્રક્રિયા પૂર્ણ થઇ હોવાનું અને હાલ નવા બસ સ્ટેન્ડની ડિઝાઇન અને પ્લાન માર્ગ અને મકાન વિભાગના ડિઝાઇન સર્કલમાં મંજુરી માટે મોકલી આપવામાં આવ્યો હોવાનું દહેગામ ડેપોના મેનેજર હાર્દિક રાવલે જણાવ્યુ હતુ.
નવુ આકાર પામનાર એસટી બસ સ્ટેન્ડ એલ આકારની ડિઝાઇનવાળુ ઇલેકટ્રીસીટી, ફલોરિંગ બિલ્ડીંગ, આરસીસી વિવિધ સ્ટોલ, પાણીની સુવિધા માટે અન્ડર ગ્રાઉન્ડ વોટર ટેન્ક એસટી બસની સફાઇ માટે વોશિંગ રેમ્પ સહિત ૬.૧૫ કરોડના ખર્ચે આધુનિક સિસ્ટમથી બનશે અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા ડિઝાઇન મંજુર થયા બાદ ટુંક સમયમાં જ નવા બિલ્ડીંગનું નિમાર્ણ કાર્ય શરૂ કરવામાં આવશે. તેમ જણાવવામા આવ્યુ છે.

Previous articleબોર્ડ પરીક્ષા : ૧૦ના ગણિતના પેપરે રાતાપાણીએ રડાવી દીધા
Next articleવિધાનસભા ઈતિહાસમાં પ્રથમવાર અધ્યક્ષ સામે અવિશ્વાસની દરખાસ્ત આવશે