પાટણ જિલ્લાના સમી તાલુકાના રવદ ગામ ખાતે સરકારી માધ્યમીક શાળા અને હારીજ તાલુકાના બોરતવાડા ગામે અનૂપમ પ્રાથમિક શાળાનું રાજયના શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોર, સંતો, પદાધિકારીઓ અને અધિકારીઓની હાજરીમાં શાળા સંકુલોનું ખાતમૂહર્ત તેમજ તકતી અનાવરણ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું હતું કે,રાજય સરકાર અંતરીયાળ અને છેવાડાના ગામોમાં પ્રાથમિક શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ ઘર આંગણે મળી રહે તેવા હેતું માટે વર્તમાન સરકાર, સરકારી શાળાઓનો વ્યાપ વધારી રહી છે.

રાજય સરકાર પ્રાથમિક શાળાની ભૌતિક સુવિધાઓ પુરી પાડવી તેમજ શિક્ષકો પુરા પાડવા જેવી સુવિધાઓ ઉપર વિશેષ કાળજી લઇ રહી છે. બાળકોનો સરવાંગી વિકાસ માટે પાઠ્ય પુસ્તકો, મધ્યાહન ભોજન યોજના, પોશણયુકત આહાર, શાળામાં કોમ્પ્યુટર લેબ, ગ્રંથાલયની સુવિધા, પીવાનું શુધ્ધ પાણી, સ્માર્ટ કલાસ જેવા દુરવર્તી શિક્ષણ કાર્યક્રમ જેવા વિવિધ કાર્યક્રોમો હાથ ધર્યા છે. રાજયનું દરેક બાળક સ્વસ્થ અને તંદુરસ્ત રહે તે માટે દર વર્ષે શાળા આરોગ્ય કાર્યક્રમ યોજવામાં આવે છે.

તમામ બાળકોની સઘન તપાસ કરી, જરૂરી નિદાન કરી, જરૂરી સારવાર ઉપલબ્ધ કરવામાં આવે છે. ગત વર્ષે જિલ્લાના ૩,૬૯,૨૧૫ બાળકોની આરોગ્યની તપાસ કરવામાં આવી હતી, જેમાં ૩,૩૪૨ બાળકોને વિના મૂલ્યે ચશ્મા પુરા પાડેલ, ૬૧ બાળકોને હદય રોગને લગતી સારવાર, ૧૪ બાળકોને કીડનીને લગતી સારવાર, ૬ બાળકોને કેન્સરને લગતી સારવાર સરકાર દ્વારા વિનામૂલ્યે પુરી પાડવમાં આવેલ છે. તેમ મંત્રીએ જણાવ્યું હતું. રવદ ગામ ખાતે સરકારી માધ્યમિક શાળાના મકાનમાં સાત રૂમો, એક લેબ, એક સ્ટાફ રૂમ, એક ગ્રંથાલય જેવી સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે. તેમજ બોરતવાડા અનૂપમ પ્રાથમિક શાળા ખાતે સાત રૂમો, એક સ્વચ્છતા સંકુલની સુવિધા પ્રાપ્ત થશે.