ગુરૂનાનક જયંતિ નિમિતે ગુરૂદ્વારાઓમાં ભીડ : દેવદિવાળી અને પૂનમને લઇ મંદિરોમાં શ્રદ્ધાળુનું ઘોડાપૂર

536

આજે દેવદિવાળી, કાર્તિક પૂર્ણિમા(પૂનમ) અને ગુરૂ નાનક જયંતિનો અનોખો ભકિતત્રિવેણીનો સુભગ સમન્વય સર્જાવાના કારણે શહેર સહિત રાજયભરના દેવી-દેવતાઓના મંદિરોમાં આજે શ્રધ્ધાળુ ભકતોની ભારે ભીડ જામી હતી. લાખો શ્રધ્ધાળુઓએ આજના પવિત્ર દિવસે દેવી-દેવતાઓના દર્શનાર્થે પડાપડી કરી હતી, જેને લઇ ભકિતનું ઘોડાપૂર ઉમટયું હતું. તો, દેવદિવાળી અને પૂમને લઇ શહેરના શાહીબાગ કેન્ટોનમેન્ટ વિસ્તારમાં આવેલા પ્રાચીન કેમ્પ હનુમાનજી મંદિર, થલતેજના સુપ્રસિધ્ધ શ્રી વૈભવ લક્ષ્મી મંદિર સહિતના મંદિરોમાં છપ્પનભોગનો વિશેષ અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. ભકતોએ અન્નકુટની પ્રસાદી લેવા પડાપડી કરી હતી. તો બીજીબાજુ, આજે ગુરૂ નાનક જયંતિ હોઇ શહેરના થલતેજ ખાતેના ગુરૂદ્વારા, સરસપુર, મણિનગર, રખિયાલ સહિતના વિસ્તારોમાં આવેલા ગુરૂદ્વારા ખાતે શીખ શ્રધ્ધાળુઓ ખૂબ મોટી સંખ્યામાં ઉમટયા હતા. ગુરૂ નાનક જયંતિ નિમિતે ગુરૂદ્વારાઓમાં ભકતો માટે લંગરનું ખાસ આયોજન કરાયું હતું. આજે દેવદિવાળી, કાર્તિક પૂર્ણિમા, ગુરૂ નાનક જયંતિનો ત્રિવેણી ભકિતનો સમન્વય હોવાથી વહેલી સવારથી જ મંદિરો અને ગુરૂદ્વારાઓમાં ભકતોની ભારે ભીડ જામી હતી. શહેરના કેમ્પ હનુમાનજી મંદિરમાં આજે સવારે દસ વાગ્યે હનુમાનજી દાદાની દેવદિવાળી નિમિતે ખાસ મહાઆરતી કરવામાં આવી હતી ત્યારબાદ દાદાને છપ્પનભોગનો વિશેષ અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. અન્નકુટની આ પ્રસાદી શ્રધ્ધાળુ ભકતોને વિતરણ કરવામાં આવી. સાંજે ૫-૩૦ ફરી આરતી અને ત્યારબાદ રાત્રે આઠથી દસ દરમ્યાન વિશેષ સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જ પ્રકારે શહેરના થલતેજ વિસ્તારમાં શ્રી પંચદેવ ધાર્મિક ટ્રસ્ટ દ્વારા સંચાલિત સુપ્રસિધ્ધ શ્રી વૈભવલક્ષ્મી મંદિર ખાતે
દેવદિવાળી નિમિતે માતાજીને ખાસ છપ્પનભોગનો અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. કાર્તિક પૂર્ણિમાના દેવદિવાળીના દિવસે છેલ્લા ૨૦ વર્ષોથી શ્રી વૈભવ લક્ષ્મી માતાજીને છપ્પનભોગનો અન્નકુટ ધરાવવામાં આવે છે. આજે દેવદિવાળીને લઇ વૈભવલક્ષ્મી માતાજીને વિશેષ સાજ-શણગાર કરવામાં આવ્યા હતા. જે અદભુત અને મનમોહક લાગતા હતા. આજના પવિત્ર પ્રસંગે હજારો શ્રધ્ધાળુ ભકતો શ્રી વૈભવ લક્ષ્મી માતાજીના દર્શન કરવા માટે ઉમટયા હતા. હજારો શ્રધ્ધાળુ ભકતોએ માતાજીને કમળ, ગુલાબ ચઢાવી યથાશકિત ભેટ, પ્રસાદ અર્પણ કર્યા હતા. આ જ રીતે શહેર સહિત રાજયભરના અન્ય મંદિરો અને ધાર્મિક સ્થાનોમાં પણ દેવદિવાળી નિમિતે છપ્પનભોગના અન્નકુટ અને આરતી-ભકિત કાર્યક્રમોનું આયોજન કરાયુ હતું. જેને લઇ શ્રધ્ધાળુ ભકતોનું જાણે ઘોડાપૂર ઉમટયું હતું. આજે ગુરૂ નાનક જયંતિ હોવાના લીધે ગુજરાત સહિત દેશભરમાં શીખ સમુદાય દ્વારા ભારે ઉત્સાહ અને ભકિત સાથે તેની ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી શીખ સંપ્રદાયના લોકો ગુરૂદ્વારાઓમાં દર્શનાર્થે પહોંચ્યા હતા. શહેરના થલતેજ, સરસપુર, મણિનગર, રખિયાલ, દૂધેશ્વર, સહિતના વિસ્તારોમાં આવેલા ગુરૂદ્વારાઓમાં શીખ સમુદાયના લોકોની ભારે ભીડ જાવા મળી હતી. ગુરૂ નાનક જયંતિને લઇ આજે ગુરૂદ્વારાઓમાં શ્રદ્ધાળુ ભકતો માટે ખાસ લંગર(ભંડારા)નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારો ભકતોએ પ્રસાદી પામી તૃપ્તિ અનુભવી હતી.

Previous articleપ્રકૃતિ સાથે જોડાવું એટલે જીવન અને પ્રકૃતિથી વિમુખ થવું એટલે મૃત્યુ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
Next articleદેવદિવાળી નિમિત્તે રાજયના મંદિરોમાં અન્નકુટ મહોત્સવ અંબાજી, શામળાજી, દ્વારકા, ડાકોરમાં ભારે ભીડ