વચનામૃત : જીવનમાર્ગદર્શક – 3૪
હજારો વર્ષ પૂર્વે અથર્વવેદના ઋષિ ઉચ્ચારે છે –
ब्रह्मचर्येण तपसा राजा राष्ट्रं विरक्षति ।
ब्रह्मचर्येण तपसा देवा मृत्युमपाध्मत ।
इन्द्रो ह ब्रह्मचर्येण देवेभ्यः स्वराभरत् ।।
અર્થાત્ બ્રહ્મચર્ય એટલે કે સંયમના તપથી જ રાજા રાષ્ટ્રનું વિશેષ રક્ષણ કરી શકે છે, દેવતાઓ મૃત્યુ પર વિજય મેળવે છે, ઈન્દ્ર દેવતાઓને તેજસ્વી બનાવે છે.
સનાતન ભારતીય સંસ્કૃતિના પાયામાં સંયમનો પ્રભાવ છવાયેલો રહ્યો છે.
સંયમની વ્યાખ્યા શી છે? સંયમ એટલે મન અને ઈન્દ્રિયો પર અંકુશ. સંયમ એટલે મનની વિકૃતિઓ પરનો વિજય, મનની એકાગ્રતા. સંયમ એટલે બ્રહ્મચર્ય. સંયમ એટલે તપશ્ચર્યા. સંયમનો આવી એક અર્થછાયાઓ છે, પરંતુ સરળ શબ્દોમાં કહીએ તો સંયમ એટલે ભૌતિક આકર્ષણો સામે જાત પરનું નિયંત્રણ. સંયમનો માર્ગ જેટલો બોલવામાં સહજ અને સરળ જણાય છેએવો સરળ નથી, છતાં સામાજિક, નૈતિક અને આધ્યાત્મિક સફળતા માટે તે સંયમનો માર્ગ અપનાવવો જ રહ્યો. ખાસ કરીને વિદ્યાર્થી તરીકે કે એક યુવાન તરીકે સંયમ અનિવાર્ય જ છે.
જો વિદ્યાર્થી જીવનમાં સંયમ હોય તો તે જીવનનો દરેક તકનો ઉપયોગ સફળતા મેળવવા માટે કરી શકે છે અને જો સંયમનો ત્યાગ કરીને જીવનનાં વિષયોને ભોગવવા માટે ચાલી પડ્યો તો જીવનનો અંત નિશ્ચિત છે.
એક સુભાષિતમાં લખ્યું છે –
काकचेष्टा बकध्यानं श्वाननिद्रा तथैव च ।
अल्पाहारः स्त्रियास्त्यागो विद्यार्थिपञ्चलक्षणम् ।।
અર્થાત્ વિદ્યાર્થીના પાંચ લક્ષણ છે – કાગડા જેવી ચેષ્ટા, બગલા જેવું ધ્યાન, શ્વાન જેવી નિદ્રા, ઓછો આહાર અને સ્ત્રીનો ત્યાગ. આ પાંચેય લક્ષણોમાં યુવાન માટે સંયમની જ મહત્તા દર્શાવાઈ છે.
પહેલી બે બાબત સૂચવે છે – એકાગ્રતા.
વિદ્યાર્થીને એકાગ્રતા ન હોય તો તે આગળ ન વધી શકે. કાગડો અને બગલો એકાગ્રતાનાં શ્રેષ્ઠ પ્રેરક ઉદાહરણો છે.
બગલો એક લક્ષ બાંધે છે – શિકારનું ! એ માટે તે એક પગ ઊંચો કરીને માછલીનો શિકાર પકડવા એટલો બધો એકાગ્ર બની જાય છે કે જાણે આજુબાજુનું કોઈ જગત છે જ નહીં. બગલાની જેમ એકધ્યાન થવાને બદલે વિદ્યાર્થીઓ ચારેય તરફ મન પરોવીને અભ્યાસ કરવા બેસે છે. ટી.વી. , કાર્ટૂન, ઈન્ટરનેટ, મોબાઈલ વગેરેને કારણે એકાગ્રતા ગુમાવી છે. તેમાંય અશ્લીલ ફિલ્મો જોઈ સંયમની રાખ કરી નાંખી છે. પછી સફળતાની અપેક્ષા કેવી રીતે રાખી શકે?
એક વિદ્યાર્થી તરીકે સંયમનો બીજો પાઠ શીખવતા પૂર્વોક્ત સુભાષિત શ્વાન જેવી નિદ્રા એટલે કે ચપળતા રાખવાની વાત કરે છે. વધુ પડતી ઊંઘ કે અગત્યની બાબતને ઠેલવાની વૃત્તિ પર આપણે સંયમ મેળવીશું તો જ સિદ્ધિના શિખરે જઈ શકીશું અને જીવનમાં સમયનો બચાવ કરી શકીશું. ઘણા વિદ્યાર્થીઓ નિદ્રા માટે ખૂબ વધારે સમય ફાળવતા હોય છે. સુભાષિત આહારના સંયમ ઉપર ભાર આપતાં ત્રીજો બોધ આપે છે. ઓછો આહાર કરવાથી શરીરમાં સ્ફૂર્તિ રહે, નિદ્રા ઓછી આવે અને તંદુરસ્તી રહે. આહારનો સંયમ કેળવવો ખૂબ જ જરૂરી છે. સંયમમાં આ બે બાબતોનું વિશેષ ધ્યાન રાખવાનું છે.
સુભાષિતનો પાંચમો ભાગ એટલે બ્રહ્મચર્ય. કવિ કાલિદાસનો એક શ્લોક છે –
‘शैशवेऽभ्यास्तविद्यानां….’ અર્થાત્ શરૂઆતના ૨૫વર્ષ બ્રહ્મચર્ય પાળી અભ્યાસ કરવો. વિદ્યાર્થીની જીવનસરિતા અમૃતમય બની રહે તે માટે બ્રહ્મચર્ય જીવનના આરંભે મૂકવામાં આવ્યું છે. પણ આધુનિક યુવાનોને બંધન નથી ગમતું. સંયમ એમને બંધન લાગે છે. તેમને ખબર નથી કે સંયમ આ જીવનના ઘડતરનો પાયો છે. ઘણા યુવાનોને સંયમી બનવામાં રસ જ નથી. તેમની કલ્પનાશક્તિના ઘોડા દોડાવતાં તે કહે છે કે, ‘અમારે તો પક્ષીઓ જેવું થવું છે, જે આકાશમાં નિર્વિઘ્ન ઊડ્યા કરે છે.’ પણ તેમને આ વાત ખબર નથી કે તે પક્ષીને પણ સંયમ રાખવો પડે.
આજની યુવાન પેઢીને સફળતાની એક મહેચ્છા છે. પણ જો સફળતા મેળવવી હોય તો તેના માટેનો શાશ્વત મંત્ર સંયમ છે; અસંખ્ય લોકોએ આજ સુધી પૂરવાર કરેલું અનુભવસિદ્ધ રહસ્ય છે. સફળતાની શિક્ષા-દીક્ષાની ઉત્કંઠા થનાર યુવકને સંયમનો પાઠ આવશ્યક છે. આ જ વાત શ્રીજીમહારાજ ૨૦૦ વર્ષ પૂર્વે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણના ૮મા કહે છે, “વિષયને ભોગવવા, પણ શાસ્ત્રની મર્યાદાને ઉલ્લંઘન કરીને ભોગવવા નહીં અને સાધુનો સંગ રાખવો અને કુસંગનો ત્યાગ કરવો” આ વાતનો મર્મ એ છે કે, ‘આવશ્યક પંચવિષયમાં પણસંયમ રાખીને સારાનો સંગ કરવો અને કુસંગીનો ત્યાગ કરવો.’
- યશ શાસ્ત્રી
(ક્રમશઃ)