કોઈપણ બાળકનો સર્વાંગી વિકાસ તેની માતા અને શિક્ષણ સંસ્થા દ્વારા આપવામા આવતા જીવનલક્ષી શિક્ષણને આભારી હોય છે. મોટાને માન, બહેનોનુ સન્માન, વડિલોની આજ્ઞાનુ પાલન કુટુંબનો પાયો હોય તો જ કુટુંબ સંપુર્ણ વિકાસ તરફ જઈ શકે. દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગરીબો, વંચીતોના જીવન ધોરણો ઉચા લાવવાના હેતુસર અનેકવિધિ યોજનાઓ અમલમા મુકી છે તેમ કેન્દ્રિય મહિલા અને બાળ કલ્યાણ મંત્રી સુશ્રી સ્મૃતિ ઈરાની ભાવનગરના સરદારનગર સ્વામીનારાયણ ગુરુકુળ ખાતે મુર્તિ પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમમા યોજાયેલ મહિલા ઉત્કર્ષ મંચ પ્રસંગે ઉપસ્થિત રહી બોલી રહ્યા હતા. વધુમા તેમણે જણાવ્યુ હતુ કે શિક્ષણને સંસ્કારનુ ધામ બનાવવુ તે ગુજરાતની પરંપરા છે. આ શિક્ષણ સંસ્થાઓ સંતો સંચાલીત હોય તો સોનામા સુગંધ ભળતી હોય છે. આ સુગંધનો હુ અહિ અનુભવ કરી રહી છુ.

માન.મંત્રીશ્રીએ સંસ્થાની વિદ્યાર્થીનીઓ દ્વારા આપવામા આવેલ વક્તવ્યની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે માન. મંત્રીશ્રીએ તલવાર રાસ રમતી સંસ્થાની દિકરીઓ સાથે પોતે પણ જોડાઈને તલવાર રાસ રમ્યા હતા.સાંસદ ડૉ.ભારતીબેન શિયાળએ જણાવ્યુ હતુ કે અહિં મુર્તી પુન: પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી ૩ દિવસ માટે ચાલી રહી છે. આજે મહિલા ઉત્કર્ષ મંચ કાર્યક્રમના માધ્યમથી મહિલાઓમા રહેલી આંતરીક સુષુપ્ત શક્તિઓ બહાર આવશે. જે તેમના જીવન ધડતરમા મહત્વપુર્ણ પુરવાર થશે.

ધારાસભ્યશ્રી જીતુભાઈ વાધાણીએ જણાવ્યુ હતુ કે આ પ્રકારના કાર્યક્રમના માધ્યમથી મહિલાઓને એક પ્લેટફોર્મ મળી રહેશે. તે થકી તેઓમા શિક્ષણ, સંસ્કાર, વિકાસ, ધર્મ, ભક્તિ જેવા અનેક પ્રકારના ગુણો ખીલશે.આ પ્રસંગે સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓની દ્રશ્ય-શ્રાવ્ય ફિલ્મ દર્શાવવામા આવી હતી. નાના ભુલકાઓએ તેમની કૃતિઓ રજુ કરી હતી. આ પ્રસંગે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમા ભુતપુર્વ મેયર શ્રીમતી નિમુબેન બાંભણીયા, મેયરશ્રી મનહરભાઈ મોરી, સ્થાયી સમિતિના ચેરમેનશ્રી યુવરાજસિંહ ગોહિલ, શહેર સંગઠનના સનતભાઈ મોદી, સંસ્થાના શિક્ષકો, શિક્ષિકાઓ, યુવાનો, યુવતીઓ તથા સાંખ્યયોગી બહેનો સહિત હરીભક્તો હાજર રહ્યા હતા.