ગઢડા તાલુકાના માંડવધાર ગામે રહેતી એક આશાસ્પદ યુવતી ગઢડા ગામેથી ગંભીર રીતે ઘવાયેલી હાલતમાં બેશુધ્ધ હાલતે ભાવનગરની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના માંડવધાર ગામે રહેતા ગોવિંદભાઈ વાઘેલાની ર૦ વર્ષિય પુત્રી વિલાસબેન બોટાદની એક કોલેજમાં બી.એડ.નો અભ્યાસ કરતી હોય આ યુવતી આજે સવારના સમયે કોલેજે જવા નિકળી હતી પરંતુ કોલેજ સુધી પહોંચી ન હોય અને બપોરના સમયે તેના પરિવારજનો પર કોલ આવેલ કે તમારી પુત્રીને ઈજાગ્રસ્ત હાલતે ભાવનગર સર ટી. હોસ્પિટલમાં ૧૦૮ દ્વારા ખસેડવામાં આવેલ. આથી પરિવાર તત્કાલ સર ટી. હોસ્પિટલમાં દોડી ગયેલ પરંતુ અહીં ન્યુરોલોજીસ્ટ તબીબ ન હોય આથી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ ભોગ બનનાર યુવતીનો એક કાન કપાઈ જવા પામેલ તેમજ માથાના તમામ વાળ ખેંચાઈ જવા સાથોસાથ મગજમાં ગંભીર ઈજા થવા પામી હતી. આ યુવતીને કઈ રીતે ઈજા થઈ તે બાબતે હજુ સુધી સ્પષ્ટપણે જાણવા મળી નથી. આ ઉપરાંત યુવતીના પરિવારના જણાવ્યા અનુસાર થોડા સમય પૂર્વે કેટલાક યુવાનોએ યુવતીના બેંક એકાઉન્ટમાંથી રૂા.૧.૧૦ લાખ જેવી રકમ માસ્ટર કાર્ડ દ્વારા ટ્રાન્સફર કરી છેતરપીંડી આચરી હોવાનું પણ જાણવા મળ્યું છે.
જે વ્યક્તિઓએ ઈજાગ્રસ્તને ૧૦૮ ટીમને સોંપી હતી. તેઓએ આ યુવતી માર્ગ અકસ્માતમાં ઘવાઈ હોવાનું જણાવ્યું હતું પરંતુ હાથનો એક અંગુઠો કપાયો છે સહિતની જે ઈજા પહોંચી છે તે જોતા આ અકસ્માતમાં ઘવાઈ ન હોય અન્ય બાબતને લઈને આવી ગંભીર ઈજા પહોંચી છે. જો કે સત્ય હકિકત યુવતી ભાનમાં આવ્યે જ ખુલવા પામશે. હાલ યુવતીના પિતા દ્વારા ગઢડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે. સમગ્ર ઘટનાને લઈને ભારે ચક્ચાર જાગી છે.