લાગણીની સરિતાનો સંગમ અનુભવના ઓટલે અંક ૩૫

814


        લાગણી અને નદી વચ્ચે સમન્વય જોવા મળે છે. નદી સૂકા પ્રદેશને નંદનવન બનાવે છે જયારે લાગણી પીડિતો જેવા કે અનાથ,અપંગ,અંધજન,બધીર કે શારીરિક ક્ષતિગ્રસ્ત વ્યક્તિઓ,ગરીબોને સધિયારો આપે છે. તેમની ક્ષમતાઓમાં વૃદ્ધિ કરે છે, તેમના વિકાસ માટે કાર્ય કરતા લોકોને પ્રેરે છે.  માનવનો વસવાટ નદીકિનારાનાં પ્રદેશોમાં વિશેષ જોવા મળે છે. કારણ કે અહીં પાણી સરળતાથી લોકોને મળી રહે છે. પરિણામે ખેતી અને ધંધારોજગારનો વ્યવસાય ફૂલેફાલે છે, વિકાસ પામે છે. લોકોને સરળતાથી આજીવિકા આવા પ્રદેશમાં મળી રહે છે, તેથી મહદ અંશે મોટા શહેરી વિસ્તારો નદીકિનારે વિકાસ પામ્યા છે. આવી જ રીતે લાગણીથી તરબતર લોકોના સહકારથી પીડિતો પ્રગતિ પામે છે. તેમના જીવનના અવનવા રંગો આવા લોકોના સહકારથી ખીલી ઊઠે છે. વિકાસની દોડતી ગાડીનું એન્જીન બની આવા લોકો પોતાની લાગણીની ઉર્જા વડે ગતિ આપે છે. પરિણામે અવનવાક્ષેત્રે પડકારરૂપ વ્યક્તિઓ આગળ ધપી શકે છે. ગંગા,યમુના,તાપી,નર્મદા,બ્રહ્મપુત્રા,ક્રિશ્ના અને કાવેરી જેવી નદીકિનારે શહેરી વિસ્તારો ઠીક-ઠીક વિસ્તર્યા છે. દુનિયાનાં ત્રીજા ભાગનાં લોકો નદીકિનારાની આસપાસ વસવાટ કરી જીવનના અવનવાક્ષેત્રે પ્રગતિ સાધી રહ્યા છે. નાઈલ અને થેમ્સ નદીએ દુનિયાના વિકાસ પામતા દેશોમાં સૌ કોઈનું ધ્યાન ખેંચે તેવા પ્રદેશો આપ્યા છે. આ માત્ર ઉદાહરણરૂપ નદીઓની નામાવલી છે. આવી જ રીતે લાગણીની સરિતાના વહેતા પ્રવાહ સેવાના ક્ષેત્રે નવી ઊંચાઈઓ આપી માનવતાની ઓળખ બની ગયા છે. એટલું જ નહીં તેણે માનવકલ્યાણની નવી દિશાઓ ખોલી છે. મને આવા ઘણાં મહાપુરુષોને મળવાની તક મળી છે. લગભગ ૪૨ વર્ષ પૂર્વે ૧૯૭૭માં ભાવનગરની શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉધોગ શાળાના  એક સંગીતનાં નાનકડા હોલમાં સ્પર્ધા ચાલતી હતી, ફિલ્મી ગીતો અને ભજન પ્રસ્તુત કરી ભાગ લેનાર વિધાર્થીઓએ પોતાની પ્રતિભાનું દર્શન કરાવી સ્પર્ધામાં વિજેતા થવાની ચેલેન્જ ઉપાડવાની હતી. શાળામાં મારો પ્રવેશ થોડા દિવસો પહેલા થયો હતો, તેથી સંગીતની કોઈ વિશેષ તાલીમ કે માર્ગદર્શન શિક્ષકનું મને પ્રાપ્ત થયું ન હતું, તેમ છતાં મારો ઉત્સાહ મને યોજાયેલ સ્પર્ધામાં ઝંપલાવવા માટે ઘસડી રહ્યો હતો. સ્પર્ધાના આયોજક શ્રી વિનુભાઈ હરિભાઈ શાહ કે જેઓ નિયમિત દર રવિવારે અવનવી પ્રવૃત્તિઓ માટે શાળામાં આવતા હતા તેમને સ્પર્ધા માટે મેં મારા નામની નોંધણી કરાવી. સ્પર્ધામાં નામ નોંધાવનાર સ્પર્ધકોની યાદી મુજબનાં વિધાર્થીઓ ક્રમબદ્ધ પોતાની કૃતિઓ પ્રસ્તુત કરી સૌ કોઈને મંત્રમુગ્ધ કરી રહ્યા હતા. અચાનક મારું નામ સ્પર્ધામાં કૃતિ રજૂ કરવા પોકારવામાં આવ્યું. હું હાર્મોનિયમ અને તબલા વગાડતા વિધાર્થીઓ પાસે પહોચી ગયો, હાર્મોનિયમનાં સ્વર દબાવી હાર્મોનિયમ વાદકે મારું ભજન ઉપાડવા મને સુચના કરી. મેં ભજન ઉપાડ્યું સતિ તોરલ અને જેસલના સંવાદનું આ ભજન હતું “પાપ તારું પરકાશ જાડેજા, ધરમ તારો સંભાળ રે, તારી બેડલીને ડૂબવા નહિ દઉં જાડેજા રે – એમ તોરલ કહે છે.” ભજનનાં શબ્દો કેમે કર્યા બહાર નીકળતા ન હતા, તબલા અને હાર્મોનિયમનો અવાજ વધવા લાગ્યો, પણ મારા શબ્દો અવાજની પાંખે સવારી કરવા માંગતા ન હોય તેમ તમામ શક્તિઓ એકત્રિત કરી જોર કરવા છતાં બહાર આવવાનું નામ લેતા ન હતા. દિવાળીબેન ભીલનાં અવાજમાં અવાજને તીણો કરી ભજનની લીટી ગાવાનો પ્રયત્ન હું કરતો હતો, પરંતુ જોર કરવા જતા અવાજ ખરડાઈ ગયો બધા માટે હાંસીનું પાત્ર બની કૃતિ પ્રસ્તુત કર્યા વિના બેસી જવું પડ્યું. હું શરમનો માર્યો ઊંચું માથું કરી શકતો ન હતો. આયોજક વિનુભાઈ શાહની લાગણીની સરિતાએ વહેવાનું શરૂ કર્યું. પોતાનો હુંફાળો હાથ મારા માથા પર મૂકી મને ફરી પ્રયત્ન કરવા સાંત્વના આપી હિમત આપી. કોઈવાર તૈયારી કરી સ્પર્ધામાં ભાગ લેવા સલાહ આપી. ચીકુ,દાડમ, ખારીશીંગ આપી મારા મગજ પર લાગેલા આંચકાની અસર ઓછી કરવા થોડી હાસીમજા કરી મને ધીમેધીમે બોલતો કરી તેઓ કામે લાગ્યા. મારા મગજ પર વિચારોનું ઘમસાણ ચાલતું હતું. ગામડા ગામમાં દિવાળીબેનની સરસ નકલ કરી મિત્રોને હસાવતો હું એક લીટી પણ આજે કેમ ગાઈ ન શક્યો? તે સમજાતું ન હતું, ઘણું મથવા છતાં ઉત્તર મળ્યો નહી. ગામડા ગામમાં પરિચિત મિત્રો સામે જે કલા મને આનંદ આપતી હતી, જે પ્રસંશાનું કારણ બનતી હતી તે જ કલા આજે દુ:ખનું કારણ બની હાંસીને પાત્ર ઠરી હતી, તેનું મને ઘણું દુ:ખ હતું પણ, વિનુભાઈનાં સધિયારાએ મને ઉત્સાહ આપી હિમત નહી હારવા અને વધુ પ્રયત્ન કરવા પ્રેરણા આપી. મારા જીવનનું આ એકમાત્ર ઉદાહરણ છે. અનેક સેવા સમર્પિત લોકોએ મારા જીવનને સજાવ્યું છે. કોઈવાર મન વિચારોના ચકરાવે ચડી જાય છે. નિયંત્રિત નદીનો પ્રવાહ નંદનવન આપે છે. પરંતુ અનિયંત્રિત નદીનો પ્રવાહ વિકાસ પામેલા પ્રદેશોને પણ ઉજજડ બનાવી દે છે. વિનુભાઈ શાહ જેવી સમર્પિત લાગણીનો પ્રવાહ વ્યક્તિત્વનું ઘડતર કરવામાં ઉપયોગી બને છે. પરંતુ અનિયંત્રિત લાગણીથી ઊભરતા માણસો અનેક પ્રતિભાસંપન્ન વ્યક્તિના પરિચયમાં આવી તેના જીવનને વેર-વિખેર કરી નાખે છે. કોઈવાર પ્રગતિના માર્ગે દોડતા વ્યક્તિને બહેકાવી ખોટા માર્ગે દોરી જાય છે. ખોટા અને દિશાહિન દુષ્કાર્યો કરાવી ધર્મનાં નામે વેર-ઝેર ઊભા કરાવી માનવતાની મહેક ઝૂંટવી લે છે. પરિણામે માનવનું શરીર ધારણ કરી વ્યક્તિ દાનવ બની જાય છે. સતાનાં લાલચું લોકો આવા દાનવના ખભે બંધુક રાખી પોતાનું તરભાણું ભરી લેતા હોય છે. ૧૯૯૨માં રામ-રહીમનાં વિવાદને લઇ દેશભરમાં રથયાત્રા ચાલી, અયોધ્યામાં બાબરી મસ્જીદને ધ્વસ્ત કરી રામ મંદિર બાંધવાના નામે હિન્દુઓને બહેકાવવામાં આવ્યા. હિંદુ-મુસ્લિમ વચ્ચે ઝગડાનું બીજ રોપી સતાનું સિંહાસન જમાવવા નકારાત્મક લાગણીનું જળ વહેવડાવતા આ લોકો મનસ્વી ન્યાય પ્રાપ્ત કરવા આંબા-આંબલીનું સપનાનું રંગમંચ રચી વિચારોની આંખમાં ધૂળ નાખી લોકોને ગેરમાર્ગે દોરતા રહ્યા છે. એકતરફ આવા લોકોની સંખ્યા વધતી જાય છે, તો બીજી તરફ વિનુભાઈ શાહ જેવા કર્મનિષ્ઠ સત્પુરુષો ધરતી પર અવતાર ધારણ કરી માનવતાની મહેક મહેકાવવા પોતાનું માળીત્વ પુરવાર કરવા મથામણ કરી રહ્યા છે. ૧૯૭૭નાં સંગીતના કાર્યક્રમમાં નામોશી થયા પછી સમયસર પ્રોત્સાહન મળ્યું ન હોત તો કદાચ મારો ને તમારો સંવાદ સાધી શકાયો ન હોત. કારણ સંવાદ કરવાની શક્તિ મારામાં વિકાસ પામી જ ન હોત. જેમ નદી નિયંત્રિત થઇ પોતાના ફળદ્રુપ પ્રદેશોનું સર્જન કરતી રહે છે, તેમ માણસે પણ લાગણીને નિયંત્રિત કરી માનવતારૂપી પ્રદેશનું સર્જન કરતા રહેવું જોઈએ. થોડા સમય પહેલા શાળાના પૂર્વ વિધાર્થીઓનું એક સ્નેહમિલન યોજાયું હતું, તેમાં વિધાર્થીઓએ શ્રી વિનુભાઈ શાહની કર્મનિષ્ઠા,ઉદાત સેવાભાવના અને સમયપાલન વિષે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. તાલીમ પામેલા શિક્ષકો પ્રજ્ઞાચક્ષુ વિધાર્થીને જે ન શીખવી શકે તેવું સામાજિક જ્ઞાન આપનાર શ્રી વિનુભાઈ શાહની જીવનશૈલી વિષે વિદ્યાર્થીઓએ શબ્દપુષ્પો દ્વારા નોંધ લઇ સમાજ રચનાના ઉતમ કાર્યને આગળ ધપાવનાર વિનુભાઈ શાહ અને તેના પરિવારની ડગલે ને પગલે પ્રસંશા કરી હતી. બીજી તરફ અનિયંત્રિત લાગણીના પ્રવાહના માલિક એવા આજના કહેવાતા નેતાઓ પોતાનો કક્કો ખરો ઠેરવવા તોપ વેચી તમંચો ખરીદવા જેવું પરાક્રમ બતાવી લોકોને ગાડરિયા પ્રવાહની જેમ દોરી રહ્યા છે. શ્રદ્ધાનો જે વિષય હોય ત્યાં સમાધાનની ફોર્મ્યુલા દાખલ કરી, ન્યાયનાં બદલે સૌને ખુશ કરવા તારીખ ૧૧/૧૧/૨૦૧૯ નાં ચુકાદાની નવી ફોર્મ્યુલા આપી ભીત ભૂલવાડી દે તેવા લોકોથી ચેતવાનો સમય પાકી ગયો છે. ૨.૭૭ એકર સામે ૫ એકર જગ્યા ફાળવવાનો નિર્ણય સમજમાં આવે તેવો નથી. કારણ કે ૨.૭૭+૫ એકર મળી કુલ ૭.૭૭ એકર જગ્યાનો વ્યય કરવો શી રીતે પાલવી શકે? ૧૯૪૬ની બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના વડપણ નીચે રચાયેલ બંધારણ સમિતિએ તૈયાર કરેલ દેશના બંધારણ મુજબ સ્થપાયેલ પ્રજાસત્તાક રાજ્યમાં બિન-સંપ્રદાય રાષ્ટ્રની ગરિમાને સાજે તેવી રાજકીય વ્યવસ્થા ઊભી કરી પ્રજાસત્તાક બનેલ રાષ્ટ્રને લઘુમતી અને બહુમતીનું સમતોલન જાળવવા રાષ્ટ્રના તૈયાર થયેલ બંધારણનાં અમલ સમયે અસ્તિત્વમાં હોય તેવી સ્થિતિને જાળવી રાખવા ન્યાયતંત્રનો પ્રયાસ હોવો જોઈએ. એટલે કે વિવાદી કે બિનવિવાદી અસ્તિત્વમાં આવેલ તમામ પરીસ્થિતિ યથાવત રાખી સૌ કોઈને લોકશાહીનો અહેસાસ થાય તેવી વ્યવસ્થાને અનુમોદન મળે તેવા નિર્ણય પર ન્યાયતંત્રએ વળગી રહેવું જોઈએ. આઝાદી સમયે જે પરીસ્થિતિ હતી તેને અનુરૂપ બંધારણીય રીતે સતા પ્રાપ્ત કરનાર ન્યાયતંત્ર દ્વારા નિર્ણય લેવાશે ત્યારે રાષ્ટ્રની અખંડિતતા અને સાર્વભોમત્વને પ્રજાનાં હૃદયમાં સ્થાન મળી શકશે. હું માનું છું કે રાષ્ટ્રભાવનાને ટકાવી રાખવા નૈતિક રીતે દેશના પ્રત્યેક નાગરિકે આ પ્રકારની વિચારધારા કેળવવી પડશે.એક તરફ ગગનચુંબી ઇમારતો લોકોના વસવાટ માટે બનાવવી પડે છે, બીજી તરફ આસ્થાના નામે ૭.૭૭ એકર જેટલી કીમતી જગ્યાની ફાળવણી કરી સત્તાનું ઘર જમાવી રાખવા અવનવી ફોર્મ્યુલાઓ તૈયાર કરી ન્યાયતંત્રનાં નામે ધાર્યું કરવાની ફાવટ સત્તાલાલસુઓ મેળવી લીધી છે. ત્યારે આ અનિયંત્રિત લાગણીનો પ્રવાહ આપણને ઊંડી ખીણમાં ઘસડી ન જાય તે માટે જાગૃત બનવું પડશે.

ખૂબ જાણીતા ફિલ્મી ગીતની પંક્તિઓ યાદ આવે છે….

”મેરે મન કી ગંગા ઓર તેરે મન કી જમના કા બોલ રાધા બોલ સંગમ હોગા કે નહિ…,

અરે બોલ રાધા બોલ સંગમ હોગા કે નહિ…

કિતની સદિયા બિત ગઈ હે તુજે સમજાને મેં,

મેરે જૈસા ધીરજવાળા હે કૌન ઔર જમાને મેં,

દિલ કા બઢતા બોજ કભી કમ હોગા કે નહિ…,

બોલ રાધા બોલ સંગમ હોગા કે નહિ…

નહિ…નહિ…કભી નહિ…ચૂપ.

દો નદિયોં કા મેલ અગર ઇતના પાવન કહેલાતા હે,

ક્યુના જહાં દો દિલ મિલતે હે,

સ્વર્ગ વહા બન જાતા હે,

હર મૌસમ હે પ્યાર કા મૌસમ,…હોગા કે નહિ…

બોલ રાધા બોલ સંગમ હોગા કે નહિ…

જાઓનાં કયું સતાતે હો…હોગા…હોગા…હોગા…

ફિલ્મી ગીતના શબ્દો કર્ણપટ પર પડતા જ નિયંત્રિત નદી અને નિયંત્રિત લાગણીનાં પ્રવાહનો સંગમ થશે કે કેમ તે પ્રશ્ન મનને કોરી ખાઈ છે. કારણ કે જાણીતી કહેવત મુજબ કૂતરું તાણે ગામ ભણી ને શિયાળ તાણે સીમ ભણી તેના જેવું છે પરસ્પર વિરોધાભાસ વચ્ચે સંગમ શી રીતે શક્ય બનશે ? પર્યાવરણમાં અસમતુલા ઊભી થવાના કારણે હિમાચ્છાદિત બરફના પ્રદેશો પીગળી રહ્યા છે. પીગળતા બરફનો પાણીનો પ્રવાહ દિન-પ્રતિદિન સમુદ્રમાં ઠલવાઈ રહ્યો છે. દરિયાકિનારે આવેલા શહેરોની સામે અસ્તિત્વનું જોખમ ઊભું થઇ રહ્યું છે. કાર્બન ડાયોક્સાઈડ અને મોનોક્સાઈડનાં વધતા જતા પ્રમાણને કારણે ઓઝોન વાયુનાં પડમાં છીદ્રો પડી રહ્યા છે. પરિણામે સૂર્યના પારજાંબલી કિરણો ધરતીના ઉષ્ણતામાનમાં વધારો કરી રહ્યા છે. ત્યારે નિયંત્રિત નદીના કિનારે લાગણીભર્યા હૈયા ધરવતા માનવો શી રીતે વિકાસ પામી શકશે? એટલે જ કદાચ આ ગીતના શબ્દો મને સ્પર્શી ગયા છે. પરંતુ છેલ્લા મુખડામાં ઈશ્વરકૃપાથી સંગમ શક્ય બનશે તેવી હૈયાધારણા મળી છે. તેથી મારા ને તમારા મનની ગંગા-યમુનાનું મિલન આજ નહીં તો કાલ અવશ્ય થશે તેવી મને શ્રદ્ધા છે.

લેખક- લાભુભાઈ સોનાણી

Previous articleભાવનગર ડીએસપી ઓફીસ ખાતે વિશ્વ શ્રધ્ધાંજલિ દિવસ નિમતે રક્તદાન કેમ્પ આયોજન
Next articleસુરજ સાથે પરિણિતીને હવે વધુ એક ફિલ્મ મળી : રિપોર્ટ