વૈદિક પરિવારની ગાંધીનગર શાખા દ્વારા રોટરી ક્લબ ઓફ કેપિટલ, ગાંધીનગરનાં સહયોગથી ગાંધીનગર જિલ્લાના નારદીપુર ગામે સ્થિત મહિલા ગ્રામ વિદ્યાપીઠ ખાતે ત્રિદિવસીય સ્ટ્રેસ મેનેજમેન્ટનો વર્કશોપ યોજાઈ ગયો.
વિદ્યાપીઠનાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી ૯૭ જેટલી વિદ્યાર્થીનીઓ માટે યોજાયેલા આ વર્કશોપમાં વિષય નિષ્ણાત અને રોટરી ક્લબ ઓફ કેપિટલનાં પૂર્વ પ્રમુખ તથા વૈદિક પરિવારનાં ટ્રસ્ટી અરવિંદભાઈ રાણાએ પ્રશિક્ષણ આપ્યું હતું. જેમાં વૈદિક પરિવારનાં મેનેજીંગ ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ગાંધીએ પણ પ્રાણાયામ, ધ્યાન, આત્મ નિરીક્ષણ જેવા વિષયોનું પ્રશિક્ષણ આપી મદદનીશ પ્રશિક્ષક તરીકે સેવાઓ પ્રદાન કરી હતી.
અરવિંદભાઈ રાણાએ વિદ્યાર્થીનીઓને સ્ટ્રેસનાં વિવિધ કારણો સમજાવી તેને દૂર કરવાના ઉપાયો ઉપર વિસ્તારથી પ્રકાશ પાડ્યો હતો.
સ્ટ્રેસનાં કારણોમાં ભણવાની વૈજ્ઞાનિક વિધિ વિશે અજ્ઞાનતા, સંશય, ભ્રાન્તિ એટલે ઉલટું કે વિપરિત જ્ઞાન, નકારાત્મક વિચારો, વધારે પડતી અને સામર્થ્ય બહારની અપેક્ષાઓ કે ઈચ્છાઓ વગેરેને જવાબદાર ગણ્યા હતા. વર્કશોપ દરમ્યાન ભણવાની વૈજ્ઞાનિક વિધિ વિશે સવિસ્તાર ઉદાહરણો સહિત સમજાવવામાં આવ્યું હતું.
આ ઉપરાંત સંશય અને ભ્રાન્તિઓ કેવા પ્રકારની હોય છે અને તેને દૂર કરવા શું કરવું જોઈએ તેની પણ સમજ આપી હતી. તેમણે વિચાર કરવાની સકારાત્મક પદ્ધતિ કેવી હોય તે વિશે પણ સમજ આપી હતી. વિદ્યાર્થીનીઓને ન ગમતાં કે અઘરા લાગતા વિષયોમાં રસ ઉત્પન્ન કરવાની વિધિ પણ તેમણે સમજાવી હતી.
વર્કશોપ સમાપન સમારોહ પ્રસંગે બે વિદ્યાર્થીનીઓએ પોતાના અનુભવો જણાવતાં કહ્યું હતું કે આ શિબિરને કારણે અમે અભ્યાસમાં વધારે ગંભીર બન્યા છીએ. અમે અભ્યાસ કરવાની નવી રીત જાણી છે અને તેનો અમલ કરી ચોક્કસ લાભ ઉઠાવીશું. તેમણે નિયમિતરીતે આત્મનિરીક્ષણ કરવાનો પણ સંકલ્પ લીધો હતો.
શાળાનાં ગ્રન્થપાલ શૈલેશકુમાર જોશી સમગ્ર વર્કશોપ દરમ્યાન ઉપસ્થિત રહ્યાં હતા. તેમણે પણ પોતાના પ્રતિભાવોમાં વર્કશોપ દરમ્યાન અરવિંદભાઈ રાણા દ્વારા શીખવવામાં આવેલ વિષયો ક્રમબદ્ધ અને અત્યંત સરળ શૈલીમાં પ્રસ્તુત કર્યા હોવાનું જણાવ્યું હતું. આ વર્કશોપથી વિદ્યાર્થીનીઓનાં જીવનમાં બહુ મોટું પરિવર્તન આવશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
વર્કશોપનાં ઉદ્ઘાટન પ્રસંગે ઈન્ચાર્જ આચાર્યા રીટાબહેન દવે ઉપસ્થિત રહ્યાં હતા. જ્યારે સમાપન પ્રસંગે વિદ્યાપીઠનું સંચાલન કરતી સંસ્થા ગ્રામ સેવા મંદિરનાં જયગોપાલભાઈ પંડિત આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.
આ પ્રકારના વર્કશોપની પ્રસંશા કરતાં કહ્યું હતું કે આ સંસ્થામાં માત્ર ભણતર જ નહિં પરંતુ વિદ્યાર્થીનીઓનું ઘડતર થાય તે માટે વિશેષ પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. વર્કશોપનાં પ્રતિભાવો સાંભળી તેમણે વર્કશોપને સફળ ગણાવી આ પ્રકારના કાર્યક્રમો સતત ચાલતા રહે તેવી લાગણી વ્યક્ત કરી હતી.
Home Uncategorized મહિલા ગ્રામ વિદ્યાપીઠ, નારદીપુર ખાતે ત્રિદિવસીય સ્ટ્રેસ મેનેજમેન્ટનો વર્કશોપ યોજાયો