બોટાદ જીલ્લાના રાણપુર તાલુકામાં ચાલુ વર્ષે અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોના કપાસ, તલ, બાજરો, જુવાર, જીરૂ પાકોને મોટાપ્રમાણમાં નુકશાન થયેલ છે. જેના લીધે રાણપુર તાલુકાના ખેડૂતે કૃષિમંત્રી આર.સી.ફળદુ પાસે સમય માંગી ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલનાં નિવાસસ્થાને મિટિંગ કરી ૫૦ ટકા ઉપર ચોમાસું પાકને નુકશાન થયેલ છે અને તાલુકાના ૯૦ ટકા ખેડૂતોએ વિમા પોલીસી લીધી ન હોવાથી સરકાર દ્વારા સહાય આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. અને બીજા તાલુકાને જે સહાય આપી છે તેમાં રાણપુર તાલુકાનો સમાવેશ કરવા માટે રજૂઆત કરતા કૃષિમંત્રી આર.સી.ફળદુએ માંગણી સંતોષવાની હૈયાધારણા આપી હતી. આ રજૂઆત કરવા રાણપુર તાલુકામાંથી ધીરૂભાઈ ઘાઘરેટિયા, પ્રતાપસિંહ પરમાર, કિશોરભાઈ ધાધલ, ભરતસિંહ ડોડિયા, મનીષભાઈ ખટાણા, કમલેશભાઈ રાઠોડ, જેશાભાઈ બાવળિયા, ભોળાભાઈ રબારી અને ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
તસવીર-વિપુલ લુહાર,રાણપુર