સરકારે બહુમતીના જોરે અધ્યક્ષ પાસે સસ્પેન્શનનો નિર્ણય કરાવ્યો : પરેશ ધાનાણી

619
gandhi2332018-3.jpg

કૉંગ્રેસના ધારાસભ્યોનું સસ્પેન્શન અને અધ્યક્ષ સામેની અવિશ્વાસની દરખાસ્તની વાટાઘાટો વચ્ચે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને ૪ પાનાંનો પત્ર લખ્યો છે. પત્રમાં ધાનાણીએ લખ્યું છે કે, સરકારે અધ્યક્ષ મારફત ૩ ધારાસભ્યને સસ્પેન્ડ કરવાનો ગેરબંધારણીય નિર્ણય કરાવ્યો છે. ધાનાણીએ લખ્યું છે કે, મારે દુઃખ સાથે ધ્યાન દોરવાનું કે, વિધાનસભાના નિયમોના નિયમ ૫૧ અને ૫૨માં કોઈ પણ સભ્યને વધુમાં વધુ સત્રની બાકીની મુદત સુધી સસ્પેન્ડ કરી શકાય છે.
છતાં ત્રણેયને સત્રની મુદત કરતાં ૨ ધારાસભ્યને ૩ વર્ષ અને ૧ ધારાસભ્યને ૧ વર્ષ સુધી સસ્પેન્ડ કર્યા છે. ભૂતકાળમાં સસ્પેન્શનની સજા કયા નિયમ હેઠળ થઈ છે, તેનો ઉલ્લેખ કરવામાં આવતો હતો, પણ આ કિસ્સામાં આવો કોઈ ઉલ્લેખ કર્યો નથી. પૂર્વ અધ્યક્ષોના અનેક નિર્ણયોમાં ઉલ્લેખ છે કે, અધ્યક્ષ પોતે પણ નિયમોથી બંધાયેલા છે. ભૂતકાળમાં ભાજપ વિરોધ પક્ષમાં હતો ત્યારે મુખ્યમંત્રી પર કાગળ ફેંકવા સુધીના બનાવ બન્યા હતા. આમ છતાં તે સમયે સત્તારૂઢ કૉંગ્રેસે સજા માફ કરી હતી.
ભાજપના ધારાસભ્યોએ બુધવારે અધ્યક્ષને મળીને કૉંગ્રેસના ધારાસભ્યોનું સસ્પેન્શન દૂર ન કરવાની રજૂઆત કરી હોવાનું સૂત્રોનું કહેવું છે. તેમના કહ્યા પ્રમાણે વિધાનસભામાં મારામારીની ઘટના ગૃહની ગરીમાનું અપમાન કરતી હોવાથી ધારાસભ્યોનું સસ્પેન્શન દૂર કરવું ન જોઈએ.

Previous articleવિધાનસભાના દ્વારેથી
Next article કમલમ ખાતે પ્રદેશ હોદેદારોની મીટીંગ મળી