મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પાણીના કરકસરયુકત અને વિવેકપૂર્ણ ઉપયોગનું આહવાન કરતાં રીડયુસ, રિચાર્જ, રિયુઝ, રિસાયકલ એમ ચાર સંકલ્પો સાથે પ્રોગ્રેસીવ સ્ટેટ નિર્માણની નેમ વ્યકત કરી છે.
ગાંધીનગરમાં ‘વિશ્વ જળ દિવસ’ની રાજ્યકક્ષાની ઉજવણીનો પ્રારંભ કરાવતાં મુખ્યમંત્રીએ જળ સંરક્ષણ અભિયાન તહેત શૌચાલયોમાં પાણીનો વ્યય ઘટાડવા માટેની ડયૂઅલ ફલશ મિકેનિઝમ કેમ્પેઇનનો પણ આરંભ કરાવ્યો હતો. આ અવસરે ૧પ૦ જેટલી ગ્રામીણ પાણી સમિતિઓને નિભાવણી અને મરામત અનુદાન પેટે રૂા. ૧ કરોડ ૧૬ લાખની પુરસ્કાર રાશિ અને ૧૦૦ ટકા મહિલા સંચાલિત પાણી સમિતિઓને મુખ્યમંત્રી મહિલા પાણી સમિતિ પ્રોત્સાહન યોજના અન્વયે રૂા. ૧૪ લાખ પ૦ હજારના પુરસ્કારો એનાયત કર્યા હતા.
પાણી બચાવો તો જીવન બચશે નો કોલ આપતાં કહ્યું કે, વિશ્વમાં જે પાણી હાલ ઉપલબ્ધ છે તેમાં ૭૦ ટકા તો દરિયાનું ખારૂં પાણી છે. ચોખ્ખુ અને પીવાલાયક પાણી મર્યાદિત છે. એટલું જ નહિ, પાણી કોઇ પ્રોસેસથી કે લેબોરેટરીમાં ઉત્પન્ન થઇ શકવાનું નથી જ. આ સંદર્ભમાં તેમણે પાણીના વિવેકપૂર્ણ ઉપયોગ, વરસાદી પાણીના સંગ્રહ અને ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવાના સરકારના પ્રયાસોમાં જનસહયોગની આવશ્યકતા સમજાવી હતી. તેમણે ગુજરાત જેવા પાણીની અછતવાળા રાજ્યમાં પાણીના રિલાયેબલ સોર્સીસ ઊભા કરવા સાથે તેના યોગ્ય વિતરણ માટે પણ હિમાયત કરી હતી. વિજયભાઇ રૂપાણીએ ગુજરાતને વિકાસના રોલ મોડેલ જેમજ જળસંરક્ષણ-જળસંચય અને પાણી બચાવો ક્ષેત્રે પણ રોલ મોડેલ બનાવવા સામાજીક લોકચેતનાની હાકલ કરી હતી.
મુખ્યમંત્રીએ ગુજરાતમાં વધતા જતા શહેરીકરણને પગલે જળ ઉપયોગ પણ વધ્યો છે ત્યારે વોટર બજેટીંગથી જરૂરિયાત પુરતા જ પાણીના ઉપયોગ માટે પ્રેરક આહવાન કર્યુ હતું. ‘‘પાણી પરમેશ્વરનો પ્રસાદ છે’’ તેમ જણાવતા વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં સૌને કરકસરયુકત વપરાશનો અનુરોધ કર્યો હતો.