જૂનાગઢને રૂ.૧૭૦ કરોડના વિકાસ કાર્યોની મુખ્યમંત્રીશ્રીની ભેટ

506

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જૂનાગઢમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના રૂ. ૯૮ કરોડના ખર્ચે બનનાર નવા આધુનિક ભવન અને વિભાગોના બાંધકામોના વિકાસ કામોનું ખાતમુહૂર્ત સહિત કુલ રૂ. ૧૭૦ કરોડના પ્રકલ્પોની ભેટ આપતા જણાવ્યુ હતુ કે, જૂનાગઢને વિશ્વના પ્રવાસન નકશામાં અંકિત કરવા રાજ્ય સરકાર કટીબદ્ધ છે. મુખ્યમંત્રીશ્રીએ જૂનાગઢને હેરીટેજ અને સ્માર્ટ સીટી તરીકે ઓળખ આપવાની પ્રતીબદ્ધતા વ્યક્ત કરી ઉપરકોટ, ગિરનાર, મકબરા, સાસણ અને ઇન્દ્રેશ્વરથી લઇને ગિરનાર સુધીના તિર્થ સ્થળોના યાત્રિકોલક્ષી વિકાસ કાર્યોની પણ રૂપરેખા આપી હતી. જૂનાગઢની બહાઉદ્દીન કોલેજના મેદાનમાં સભાને સંબોધતા મુખ્યમંત્રીશ્રીની આ વાતને લોકોએ વધાવી લીધી હતી. 


મુખ્યમંત્રીશ્રીએ જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલા વિવિધ પ્રકલ્પો બદલ બંને સંસ્થાના પદાધિકારીઓ અને અધિકારીઓ સહિત સમગ્ર ટીમને અભિનંદન આપી કહ્યુ કે, જૂનાગઢ માટે રાજ્ય સરકાર જોઇએ તેટલુ ફંડ આપશે. મુખ્યમંત્રીશ્રીએ જૂનાગઢના તમામ વિસ્તારોનો ઉલ્લેખ કરીને જે જે વિસ્તારમાં વિકાસ કાર્યોની જરૂરીયાતો છે તે તમામ પુરી કરાશે તેમ કહીને જૂનાગઢને ફાટકની સમસ્યાથી મુક્ત કરવાનુ આહવાન કર્યુ હતુ.  જૂનાગઢમાં મુખ્યમંત્રીશ્રીએ ગૌરવભેર કહ્યુ કે, ગિરનાર અને ઉપરકોટ સહિત જૂનાગઢ તિર્થ-પ્રવાસન સ્થળો આપણી સાંસ્કૃતિક ધરોહર છે. વિશ્વભરના પ્રવાસીઓ જૂનાગઢમાં આવતા થાય તે દિશામાં આપણે ટીમ વર્કથી કામ કરવુ છે. જૂનાગઢ મહાનગરપાલિકા ભૂગર્ભ ગટર યોજનાથી માંડીને પીવાનુ પાણી, રસ્તા, સફાઇ સહિત શહેરીજનોની તમામ સવલતો અંગેનુ અભ્યાસુ આયોજન કરે અને આ તમામ કામો માટે આ સરકાર તમામ મદદ કરવા પ્રતિબદ્ધ છે.  મુખ્યમંત્રીશ્રીએ આ તકે ઉપરકોટ માટે રૂ.૨૫ કરોડ, બંને મકબરા માટે રૂ. ૫-૫ કરોડ રાજ્ય સરકાર દ્વારા અપાશે તેમ કહીને નવા વર્ષમાં રોપ-વે પણ સાકાર થઇ જશે, જૂનાગઢની કોર્ટ માટે ૩૮ હજાર મીટરમાં સાકાર થનાર આધુનિક બીલ્ડીંગ મંજુરકરવામાં આવ્યુ છે તેમ જણાવીને જૂનાગઢને વિકાસની નવી ઉંચાઇ ઉપર લઇ જવાની પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યુ કે, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જ્ઞાનનું ઉદિપક બનશે. ગુજરાતની યુનિવર્સિટીઓ રોજગારીનુ માધ્યમ બની રહી છે તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ એક સમયે જ્યાં ૭ યુનિવર્સિટીહતી તે ગુજરાતમાં આજે ૭૦ યુનિવર્સિટી છે તેમ જણાવીને ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ૩ લાખ ટેબલેટ યુવાઓને આપવામાં આવે છે તેમ જણાવ્યુ હતુ. 

મુખ્યમંત્રીશ્રીએ ઇન્ટરનેટની સુવિધા સાથેના ટેબલેટની વિશેષતાઓ જણાવીને વિદ્યાર્થીઓ કામમાં સ્માર્ટ બનીનેરોજગારી મેળવવાની જગ્યાએ રોજગારી આપતા થાય અને  વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનો નયા ભારતનો સંકલ્પ સાકાર કરવા સહભાગી થવા અનુરોધ કર્યો હતો. પ્રજાના ટેક્સના પૈસાનું પ્રજાને પુરેપરુ વળતર મળે, એક રૂપિયાનુ સવા રૂપિયા જેવું કામ થાય તેવું અમારૂ આયોજન છે તેમ કહીને પ્રજાના નાણા પ્રજા માટે છે, અગાઉ વિપક્ષોની સરકારમાં તિજોરીમાં બાકોરા હતા એ બાકોરા અમે પુર્યા છે તેવી પણ ટકોર કરી હતી.  ગુજરાતમાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકશાન બદલ રાજ્ય સરકારે ઉદાર મને રાહત પેકેજ જાહેર કર્યુ છે તેમ જણાવીને મુખ્યમંત્રીશ્રીએ કહ્યુ કે, ગુજરાતની સરકાર ખેડૂતોની સાથે છે અને રહેશે. અત્યાર સુધી કોઇ સરકારોએ ન આપ્યુ હોય તેટલુ રૂ. ૩૭૯૫ કરોડનુ રાહત પેકેજ આપવામાં આવ્યુ છે તેવી પણ મુખ્યમંત્રીશ્રીએ જાહેરાત કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જૂનાગઢ મહાનગરપાલિકાના અમૃત સ્કીમ અંતર્ગત રૂ. ૬૫ કરોડના કામોનુ ખાત મૂહુર્ત કર્યુ હતુ. તેમજ ભેસાણની સરકારી આર્ટસ કોલેજ માટે રૂ. ૫.૩૬ કરોડના ખર્ચે બનેલ બીલ્ડીંગ અને રૂ. ૨.૪ કરોડના ખર્ચે બનેલ ભેસાણ તાલુકા પંચાયતના નવા મકાનનુ તેમજ મહાપાલિકાના સકરીયા ટીંબા દુબડી પ્લોટ ખાતે રૂ.૨.૮ કરોડના ખર્ચે બનેલ કોમ્યુનિટી હોલનુ ડીઝીટલ તકતીથી અનાવરણ-લોકાર્પણ કર્યુ હતુ. મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં જૂનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ૨૮ કોર્ષનુ લોંચીંગ થયું હતું અને યુનિવર્સિટી અને મહાનગરપાલિકા સાથેના MOU અને ફાઇલ એક્સચેન્જ સાથે પ્રોગ્રામ લોંચ કરવામાં આવ્યો હતો.  મુખ્યમંત્રી એપ્રેન્ટશીપ યોજના હેઠળ યુવાનોને નિમણુક ઓર્ડર અને કોલેજના વિદ્યાર્થીઓને ટેબલેટ વિતરણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે થયું હતું. યુનિવર્સિટીના ૧૬૮૭૨ વિદ્યાર્થીઓને ટેબલેટ આપવા માટે રજીસ્ટ્રેશન થયુ છે. રાષ્ટ્રીય કક્ષાએ રમવા જતી જૂનાગઢની આ યુનિવર્સિટીના વોલેબોલની મહિલા ટીમનુ અભિવાદન કર્યુ હતુ. જૂનાગઢના મેયરશ્રી ધીરુભાઈ ગોહેલે શાબ્દિક સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીને જૂનાગઢ શહેર વિશેષ વહાલું છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીનું જુનાગઢ માટે માર્ગદર્શન અને નેતૃત્વ મળ્યું છે. મુખ્યમંત્રીશ્રી જૂનાગઢના દરેક વિસ્તારથી પરિચિત છે. તેમણે ઉમેર્યું હતું કે, જૂનાગઢ ભૂગર્ભ ગટર યોજના હોય કે, વિલિંગ્ડન ડેમનું બ્યુટીફીકેશન હોય કે પછી ઐતિહાસિક સ્થળો આ અંગેના વિકાસ કામોને ડેવલપ કરવાનું આહવાન મુખ્યમંત્રીશ્રીએ કરેલ છે. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી ડૉ. ચેતનભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, જૂનાગઢ શહેરમાં વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમૂહુર્ત સાથે નવી કેડી કંડારી છે. તેમણે ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રીશ્રીના સૂચનને ધ્યાનમાં લઈને યુનિવર્સિટીમાં કુલ ૨૮ જેટલા સ્કીલ બેઝ્ડ કોર્સનું લોન્ચિંગ કરેલ છે. સાથે જ તેમણે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં કરવામાં આવેલ નવા સુધારાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ તકે તેમણે સમગ્ર વહીવટીતંત્ર સિન્ડીકેટ સભ્યોનો આભાર માન્યો હતો. પ્રવાસન અને મત્સ્યોદ્યોગ મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર ગરીબો, વંચિતો ખેડૂતો માટે કામ કરી રહી છે. તેનું સાબિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે નિર્ણય લીધો છે કે, જે ખેડૂતોની અચાનક વરસાદથી પાક નાશ પામ્યો છે તથા નુકસાની થઈ છે એવા ખેડૂતો અને ઓછો વરસાદ થયો છે તે વિસ્તારના ખેડૂતો માટે રૂપિયા ૩૭૯૫ કરોડ રૂપિયાની સહાય કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને ભારે નુકશાની થઇ હતી ત્યારે તેમણે ઉમેર્યું હતું કે, નુકશાની ગઇ છે તેવા એક પણ ખેડૂત ને આ સહાયથી વંચિત રાખવામાં આવશે નહીં. આ કાર્યક્રમની આભાર વિધિ શ્રી મયંક સોનીએ કરી હતી અને કાર્યક્રમનુ સંચાલન પ્રા.મેહુલ દવેએ કર્યુ હતુ. આ તકે પ્રભારી મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયા, સાંસદશ્રી રાજેશભાઇ ચુડાસમા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સેજાભાઈ કરમટા, જૂનાગઢ જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી કિરીટભાઈ પટેલ, શ્રી શશીકાંત ભીમાણી, ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, ડેપ્યુટી મેયર શ્રી હિમાંશુભાઈ પંડ્યા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી રાકેશભાઈ ધુલેશીયા, દંડક શ્રી નટુભાઈ પટોળીયા, શ્રી ધરમણભાઇ ડાંગર, જૂનાગઢ કલેકટર શ્રી ડૉ. સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રવીણ ચૌધરી, કમિશનરશ્રી તુષાર સુમેરા, પોલીસ અધીક્ષક શ્રી સૌરભ સિંઘ સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ, યુનિ.મેમ્બર, કોરપોરેટરશ્રીઓ, સંગઠન પદાધિકારીઓ અને વિદ્યાર્થીઓ તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleભૈયાજી સુપરહિટ’ પ્રથમ વખત ટેલિવિઝન પર આવી રહ્યું છે.
Next articleકોર્પોરેશન દવારા સેવા સેતુ કાર્યક્રમમા કુંભારવાડા ખાતે યોજાયો