વેરાવળ તા.૨૬, વેરાવળ ખાતે આજે કલેકટર અજયપ્રકાશના અધ્યક્ષસ્થાને વ્હેલ શાર્ક
દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વ્હેલ શાર્ક બચાવ જન જાગૃતિ માટે આયોજીત રેલીમાં
વિધાર્થીઓ જોડાયા હતા. રેલીના માધ્યમથી વ્હેલ શાર્કના રક્ષણ માટે લોકોને સંદેશ આપ્યો હતો.
તેમજ વ્હેલ શાર્ક રક્ષણ માટે જુદા-જુદા માહિતીલક્ષી સ્ટોલ ઉભા કરવામાં આવ્યો હતા. જે સ્ટોલની
મહાનુભાવોએ મુલાકાત લીધી હતી. તેમજ વ્હેલ શાર્કની વિશાળ પ્રતિકૃતિ મુકવામાં આવી હતી.
અને રેતીથી પણ વ્હેલ શાર્ક બનાવવામાં આવી હતી. દાલમીયા સ્કુલના વિધાર્થીઓએ વ્હેલ શાર્કના
બચાવ અંગે નાટક રજુ કર્યું હતું
આ પ્રસંગે કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લાના દરિયાઈ વિસ્તારમાં સૌ થી
વધારે વ્હેલ શાર્ક જોવા મળે છે તે આપણા સૌ માટે ગૌરવની વાત છે. માછીમારોના સહકારથી
વ્હેલ શાર્કના રક્ષણ અને બચાવ કાર્યમાં સફળતા મળી છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી ધર્મેન્દ્રસિંહ
રહેવરે કહ્યું કે, માછીમારોએ તેમની આવકની ચિંતા કર્યા વગર વ્હેલ શાર્ક બચાવ કાર્યમા સહભાગી
થયા છે. દરિયામાં જાળમાં વ્હેલ શાર્ક ફસાઈ જાય છે ત્યારે પણ માછીમારો તેનું રેસ્ક્યુ કરી મુક્ત
કરે છે. નાયબ વન સંરક્ષકશ્રી ધીરજ મીતલે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, સરકારશ્રી
દ્રારા વ્હેલ શાર્કના રક્ષણ અને બચાવ માટે કાર્ય કરવામાં આવે છે. દરિયામાં માછીમારોના જાળમાં
જ્યારે વ્હેલ શાર્ક ફસાઈ છે ત્યારે તેને મુક્ત કરી માછીમારોને જાળના નુકશાન બદલ રૂા.૨૫
હજારની આર્થિક સહાય કરવામાં આવે છે. અને આ સહાય રકમ વધારવા માટે સરકારમાં
ગતીવિધી ચાલી રહી છે.
આ પ્રસંગે ડબલ્યુ.ટી.આઈના ફારૂકભાઈ, પ્રકૃતિ નેચર કલબના દિનેશભાઈ ગૌસ્વામી,
અગ્રણીશ્રી તુલસીભાઈ ગોહેલ તેમજ ફોરેસ્ટ વિભાગના નિવૃત કર્મચારીશ્રી પી.એચ.બાબરીયાએ
વ્હેલ શાર્ક અંતર્ગત માર્ગદર્શન આપ્યું હતું.
આ તકે કાચબા સંરક્ષક મેરામણભાઈ, સાપ સંરક્ષક રાજુભાઈ તેમજ દરિયાઈ પટ્ટી વિસ્તારમાં
વસવાટ કરતા માછીમાર સમાજના અગ્રણીશ્રી પરસોત્તમભાઈ ખોરાબા, ધનજીભાઈ વૈશ્ય,
હરિલાલભાઈ સોલંકી અને ગોવિંદભાઈ વણિક સહિતનાનું મહાનુભાવોએ વ્હેલ શાર્કનું સ્મુતિ ચિન્હ
આપી સન્માન કર્યું હતું. આ તકે વેરાવળ કોસ્ટ ગાર્ડના કમાન્ડરશ્રી ભટ્ટ, નાયબ કલેકટરશ્રી નિતીન સાંગવાન, જુદી-જુદી
કંપનીના પ્રતીનીધિશ્રી પંકજભાઈ, અનિલસિંહ અને વનવિભાગના કર્મચારીઓ તેમજ મોટીસંખ્યામાં
વિધાર્થીઓ સહભાગી થયા હતા. કાર્યક્રમનું સંચાલન મણીબેન કોટક હાઈસ્કુલના આચાર્યશ્રી જોષી
અને આભારવિધી બી.કે.ખટાણાએ કરી હતી.