૨૬/૧૧ હુમલાને ૧૧ વર્ષ પૂર્ણ થયા છતાં સુરક્ષામાં હજુ ગાબડાં

1371

મુંબઈ, તા.૨૬
દેશના વાણિજ્ય પાટનગર ગણાતા મુંબઈમાં થયેલા ભીષણ આતંકવાદી હુમલાને આજે ૧૧ વર્ષ પૂર્ણ થઇ ગયા છે પરંતુ ભારત સરકાર અને અન્ય રાજ્યોમાં સરકારોએ પોલીસ અને સેનાને વધુ આધુનિક બનાવવા અને નવી ટેકનોલોજીથી સજ્જ કરવા માટે પુરતા પગલા લીધા નથી. જે ઉદાસીનતા દર્શાવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં વિશ્વના જુદા જુદા ભાગોમાં સતત હુમલા કરવામાં આવી રહ્યા છે ત્યારે વધારે ગંભીરતા જાળવવાની જરૂર છે. ભારત હમેંશા ત્રાસવાદીઓના હિટલિસ્ટમાં હોવાથી સુરક્ષા અતિ જરૂરી છે. ઉરી અને પુલવામામાં ક્રમશ ભારતીય સેનાના કેમ્પ પર અને સીઆરપીએફના કાફલા પર ત્રાસવાદી હુમલો કરવામાં આવ્યા
બાદ ભારતે જવાબી કાર્યવાહી રૂપે પાકિસ્તાન હેઠળના કાશ્મીરમાં રાતોરાત હુમલા કર્યા હતા અને અનેક પાકિસ્તાની કેમ્પોને ફુંકી મારવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં ત્રાસવાદીઓનો પણ ખાતમો બોલાવી દેવામાં આવ્યો હતો. ભારતના સફળ ઓપરેશન બાદ પાકિસ્તાન હાલમાં હચમચી ઉઠ્યુ હતુ. જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ ૩૭૦ની નાબુદી બાદ પાકિસ્તાન પરેશાન છે. ભારતમાં હુમલા કરવા માટેના તમામ પ્રયાસો તેના દ્વારા કરવામાં આવી રહ્યા છે. જો કે સુરક્ષા વ્યવસ્થા મજબુત હોવાના કારણે સફળતા મળી રહી નથી. કલમ ૩૭૦ની નાબુદી બાદ પાકિસ્તાન સાથે વિસ્ફોટક સંબંધ બનેલા છે. જેથીભારતમાં પણ હુમલાની દહેશત પ્રવર્તી રહી છે ત્યારે સેનાને નવા અને આધુનિક ઘાતક હથિયારો સાથે સજ્જ કરવામાં આવે તે જરૂરી છે. સુરક્ષા ખામીને તરત હવે દુર કરવાની જરૂર છે.મહારાષ્ટ્રમાં છેલ્લા ૧૧ વર્ષના ગાળામાં આતંકવાદી હુમલાઓને રોકવા તમામ પગલા લેવાયા છે. સુરક્ષા વ્યવસ્થાને ખૂબ જ મજબૂત બનાવી દેવામાં આવી છે. તમામ મહત્વના સ્થળો ઉપર સુરક્ષા જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે. જો કે સુરક્ષા જવાનોને વધારે સુવિધા ટેકનોલોજીના ક્ષેત્રમાં મળી નથી.હુમલાને ૧૧ વર્ષ બાદ પણ કેટલાક પગલાં હજુ પણ લેવાયા નથી જેમાં રાજ્યની એટીએસમાં પૂરતા જવાનો અને અધિકારીઓ સામેલ કરવાની બાબતનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત હથિયારો અને બુલેટપ્રુફ જેકેટનો પણ અભાવ દેખાઈ રહ્યો છે.૨૬/૧૧ના આતંકવાદી હુમલા બાદ રામપ્રધાન સમીતિએ ચોક્કસ પગલાંઓ સૂચવ્યા હતા જેમાં મહત્વપૂર્ણ જગ્યાઓ ઉપર સીસી ટીવીની ગોઠવણી, ખાલી પોલીસ હોદ્દાઓને ભરી કાઢવાની બાબત અને દરિયાકાંઠાની સુરક્ષાને મજબૂત બનાવવાની બાબતનો સમાવેશ થાય છે. પરંતુ આ તમામ બાબતો તરફ ધ્યાન અપાયું નથી. જે સાબિત કરે છે કે સરકાર આ મામલાઓને લઈને ગંભીર નથી. મુંબઈમાં ૨૦૦૦ બાદથી ઘણા આતંકવાદી હુમલાઓ થઈ ચૂક્યા છે જે પૈકી ત્રણ હુમલાઓ સૌથી મોટા હતા. ૧૧મી જુલાઈ ૨૦૦૬ના દિવસે લોકલ ટ્રેન નેટવર્કમાં સિરિયલ બ્લાસ્ટ કરાયા હતા જેમાં ૧૮૮ લોકોના મોત થયા હતા અને ૮૧૭ લોકો ઘાયલ થયા હતા. આવી જ રીતે ૨૬મી નવેમ્બર ૨૦૦૮ના દિવસે સિરિયલ હુમલાઓ કરવામાં આવ્યા હતા જેમાં ૧૬૬ લોકોના મોત થયા હતા અને ૨૩૮ લોકો ઘાયલ થયા હતા. આ ઉપરાંત તે પહેલાં ૧૯૯૩માં સિરિયલ બ્લાસ્ટ થયા હતા જેમાં ૨૫૭ લોકોના મોત થયા, ૭૧૩ ઘાયલ થયા હતા.

Previous articleવેરાવળ ખાતે વ્હેલ શાર્ક દિવસની ઉજવણી કરાઇ
Next articleરાજ્યકક્ષાનું ૪૭મું વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન પાલીતાણાના આદપુર ખાતે યોજાશે