રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ચેરમેનશ્રી મનહરભાઈ ઝાલાના અધ્યક્ષસ્થાને પાટણ સર્કિટ હાઉસ ખાતે સમીક્ષા
બેઠક યોજાઈ હતી. પાટણ જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી તથા પોલીસ અધિક્ષકશ્રી સહિતના
ઉચ્ચ અધિકારીશ્રીઓ અને સફાઈ કર્મચારી યુનિયન સાથે બેઠક યોજી સફાઈ કર્મચારીઓના પ્રશ્નો સાંભળી
આ બાબતે સમીક્ષા કરી જરૂરી સુચનાઓ આપી હતી.
બેઠકમાં આયોગના ચેરમેનશ્રી મનહરભાઈ ઝાલાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રના સફાઇ કર્મચારીઓનું હિત
અને તેમનું સંવર્ધન કરવું આયોગની પ્રાથમિક ફરજ છે. સફાઈ કર્મચારીઓને સામાજીક, શૈક્ષણિક તથા આર્થિક
સમાનતા મળે તે માટે રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગ પ્રયત્નબદ્ધ છે. દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ
મોદી સ્વચ્છતાના આગ્રહી છે, તથા રાજ્ય સરકાર પણ સફાઈકર્મીઓના હિત બાબતે હકારાત્મક વલણ
ધરાવે છે ત્યારે સફાઈ કર્મચારીઓને પડતી મુશ્કેલીઓનું નિવારણ થાય અને તેમનું માન-સન્માન
જળવાય તે જરૂરી છે.રાજ્ય સરકારની કામગીરીને બિરદાવતાં આયોગના ચેરમેનશ્રીએ ઉમેર્યું હતું કે, સંવેદનશીલ રાજ્ય સરકાર દ્વારાસફાઈ કર્મચારીઓ માટે મૃતક સફાઈકર્મીના વારસદારને નોકરી, અશક્ત સફાઈકર્મીઓને નિવૃત કરી
તેના વારસદારને નોકરી સહિતના મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા
ચલાવવામાં આવતી અનેક કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા સફાઈકર્મીઓને અપીલ કરી હતી.સફાઈ કર્મચારીઓના પ્રશ્નો બાબતે સમીક્ષા કરતાં આયોગના ચેરમેનશ્રી મનહરભાઈ ઝાલાએ સફાઈ કર્મચારીઓને પુરા ૩૦ દિવસની રોજગારી, સફાઈકામ દરમ્યાન ગ્લવ્ઝ, એપ્રન, બૂટ સહિતના સલામતીના સાધનો પૂરા પાડવા, સફાઈ કર્મચારીને પ્લોટ સહિતની સુવિધા, સફાઈ દરમ્યાન મૃત્યુ પામનાર સફાઈકર્મીના વારસોને મળવાપાત્ર સહાય ત્વરીત ધોરણે મળી રહે તે માટે જિલ્લા વહિવટી તંત્રના સંલગ્ન અધિકારીશ્રીઓને જરૂરી સુચનાઓ આપી હતી. સફાઈકર્મીઓની આવનારી પેઢી શિક્ષિત બને તે માટે કામ પર આવતી મહિલા સફાઈકર્મીઓને તેમના નાના બાળકોને શાળાએ મોકલવા હેતુ કામના કલાકોમાં છૂટછાટ મળે તે માટે અપીલ કરી હતી.
આ ઉપરાંત પાલિકાઓ દ્વારા સફાઇ કર્મચારીના હકો વિશે પ્રચાર-પ્રસાર, લેબર એક્ટ, મેન્યુઅલ સ્કેવેન્જર્સ
એક્ટ, સહિત સરકારશ્રીની અન્ય કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન મળે તે માટે ખાસ શિબીરોનું
આયોજન કરવા તથા સફાઈ કર્મચારીઓને આરોગ્ય વીમો, લધુત્તમ વેતન સહિતની સરકારશ્રી દ્વારા
નિયત થયેલ તમામ સુવિધાઓ મળે તે સુનિશ્ચિત કરવા અધિકારીશ્રીઓને સુચના આપી હતી.
પાટણ જિલ્લામાં મેન્યુઅલ સ્કેવેન્જીંગ પદ્ધતિની નાબૂદી તથા અગાઉ સફાઈ કામ દરમ્યાન મૃત્યુ
પામેલા સફાઈ કર્મચારીને ત્વરીત ધોરણે સહાયની ચુકવણીની કામગીરી બદલ આનંદની લાગણી વ્યક્ત
કરી સફાઈકર્મીઓના હિત પરત્વે સંવેદનાસભર અભિગમ બદલ જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલ તથા
વહિવટી તંત્રની કામગીરીની પ્રશંસા કરી હતી. બેઠકમાં ભારતીય બંધારણ દિવસ નિમિત્તે બંધારણના
આમુખનું વાંચન કરી તેનું પાલન કરવા શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા.
રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ચેરમેનશ્રી મનહરભાઈ ઝાલાએ પાટણના સૂર્યનગરી
વિસ્તારની મુલાકાત લીધી હતી. ચેરમેનશ્રીએ આ વિસ્તારમાં સફાઈ કર્મચારીઓને ફાળવવામાં આવેલા
પ્લોટ તથા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણાધીન મકાનોનું અવલોકન કરી જિલ્લા વહિવટી
તંત્રની ઉત્કૃષ્ઠ કામગીરીને બિરદાવી હતી.સરકીટ હાઉસ ખાતે યોજાયેલ બેઠકમાં કડીના ધારાસભ્યશ્રી કરશનભાઈ સોલંકી, જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલ,જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.પારેખ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા, પ્રાંત અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે, મામલતદારશ્રી મૃણાલદેવી ગોહીલ, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી ગીતાબેન દેસાઈ, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી ડૉ.એ.એસ.સાલ્વી, સમાજ કલ્યાણ અધિકારીશ્રી જ્યોત્સનાબેન સોલંકી, જિલ્લાની તમામ નગરપાલિકાના ચીફ ઑફિસરશ્રીઓ, સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓ તથા વાલ્મિકી સમાજના અગ્રણીઓ અને વિવિધ પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.