ભવ્ય કાર્યક્રમ વચ્ચે ઉદ્ધવ ઠાકરેની મુખ્યપ્રધાન તરીકે અંતે તાજપોશી

617

દેશના વાણિજ્ય પાટનગર મુંબઈમાં ઐતિહાસિક શિવાજી પાર્કમાં આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેની તાજપોશી કરવામાં આવી હતી. આની સાથે જ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ શાસનની શરૂઆત થઇ છે. સાથે સાથે છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી રાજકીય ઉથલપાથલનો અંત આવી ગયો છે. એનસીપીના નેતા શરદ પવાર અને અન્યોની ઉપસ્થિતિમાં આ શપથવિધિ યોજાઈ હતી. રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ સાંજે ઉદ્ધવ ઠાકરેને મુખ્યપ્રધાન તરીકે શપથ અપાવ્યા હતા. ઉદ્ધવ ઠાકરે ઉપરાંત અન્યોએ પણ મંત્રી તરીકે શપથ લીધા હતા. શપથવિધિ પહેલા અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલનો દોર છેલ્લા કેટલાય દિવસથી જારી રહ્યો હતો. ઉદ્ધવ ઠાકરેએ મરાઠી ભાષામાં હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા. ઉદ્ધવ ઠાકરે બાદ શિવસેનાના એકનાથ શિંદેએ મંત્રી તરીકે શપથ લીધા હતા. ત્યારબાદ અન્યોએ ક્રમશઃ શપથ લીધા હતા. ઉદ્ધવ ઠાકરેએ શપથ લીધા ત્યારે જોરદાર આતશબાજી પણ કરવામાં આવી હતી. ઉદ્ધવ ઠાકરેએ આજે મહારાષ્ટ્રના ૧૮માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા જ્યારે મનોહર જોશી અને નારાયણ રાણે બાદ આ હોદ્દા પર પહોંચનાર શિવસેનાના ત્રીજા નેતા બન્યા છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામ ૨૪મી ઓક્ટોબરના દિવસે જાહેર થયા બાદ એક મહિના પછી મુખ્યમંત્રી તરીકે તાજપોશી થઇ છે. પરિણામ જાહેર થયા બાદ રાજ્યમાં નવા રાજકીય સમીકરણ જોવા મળ્યા હતા. ચૂંટણી પરિણામ આવ્યા બાદ તરત જ ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદે અઢી અઢી વર્ષ માટેની ફોર્મ્યુલાની વાત કરી હતી પરંતુ ભાજપે આવી કોઇ ફોર્મ્યુલા હોવાનો ઇન્કાર કરી દીધો હતો. આનાથી નારાજ ઠાકરેએ સરકાર સાથે રચનાને લઇને મંત્રણા રોકી દીધી હતી અને કહ્યું હતું કે, જુઠ્ઠાણાની વાત કરવી ચલાવી લેવાશે નહીં. ભગવા પાર્ટીઓ વચ્ચે ગઠબંધન તુટી ગયા બાદ એક નવા ગઠબંધનની શરૂઆત થઇ છે. એકબાજુ હિન્દુત્વના રસ્તા પર ચાલનાર શિવસેના છે જ્યારે બીજી બાજુ બિલકુલ અલગ વિચારધારા ધરાવનાર કોંગ્રેસ અને એનસીપી છે. આજે ઉદ્ધવ ઠાકરે ઉપરાંત કોંગ્રેસના બાલાસાહેબ થોરાટે પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. એનસીપીના છગન ભુજબળે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. શિવસેનાના એકનાથ શિંદે અને સુભાષ દેસાઈએ પણ મંત્રીપદના શપથ લીધા હતા. એનસીપીના નેતા જયંત રાજારામ પાટીલે પણ શપથ લીધા હતા. શિવસેનાના નેતા એકનાથ શિંદે અને સુભાષ દેસાઈએ પણ શપથ લીધા હતા. ઠાકરે પરિવારમાંથી પ્રથમ વખત કોઇ વ્યક્તિ મુખ્યમંત્રી બન્યા છે.

Previous articleઅમિતાભ બચ્ચન હવે થાકી ગયા : રિટાયર થવાનો સંકેત
Next articleદુઃખનું મૂળ….