અગામી ૩જી ડીસેમ્બર સમગ્ર વિશ્વમાં વિશ્વ વિકલાંગ દિવસ તરીકે ઉજવવામાં આવશે.આ દિવસની ભવ્ય ઉજવણીનાં ભાગ રૂપે શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉધોગ શાળા અને રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લાશાખા દ્વારા પ્રજ્ઞાચક્ષુઓમાં છુપાયેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરતુ “અનોખું ઉડાન અમારું” ૮મું વિશિષ્ટ પ્રદર્શન યોજાશે.જેમાં કુલ ૧૨ ઝોન ઉભા કરવામાં આવશે.સંગીત,કમ્પ્યુટર,ટેકનોલોજીનાં વિવિધ ઉપકરણો,બ્રેઇલ અને સ્પર્શગમ્ય સાધનો દ્વારા પ્રજ્ઞાચક્ષુઓને અપાતું શિક્ષણ અને તેની પદ્ધતિઓ તેમજ ઈ-લર્નિંગ એજ્યુકેશનની આધુનિક પદ્ધતિ દ્વારા પ્રજ્ઞાચક્ષુઓ સામાન્ય વ્યક્તિની જેમ શિક્ષણનાં વિવિધ અભિગમોથી શી રીતે અવગત થાય છે તેની વિગતો દર્શાવવામાં આવશે.આ ઉપરાંત વૈજ્ઞાનિક પ્રયોગો અને અવનવી વિજ્ઞાનની વાતો સ્પર્શ દ્વારા પ્રજ્ઞાચક્ષુઓ શી રીતે શીખતા હોય છે તેના મોડેલ, ઉપકરણો સહિતની અદ્યતન વિજ્ઞાનની ત્રિ-પ્રમાણીય વ્યવસ્થા જોવા મળશે.આ ઉપરાંત રમતગમત, વોકેશનલ વ્યવસાયલક્ષી શૈક્ષણિક કાર્યક્રમો ગૃહ ઉઘોગ, પ્રજ્ઞાચક્ષુ બહેનો દ્વારા વાનગી અને ગૃહ સુશોભન જેવી બાબતોને આવરી લેતી માહિતી હોમ સાયન્સ ઝોન જેવી માહિતી જુદાજુદા ઝોનમાં પ્રસિદ્ધ કરવામાં આવશે.
આ કાર્યક્રમનો ઉદેશ ખાસ કરીને શાળા-કોલેજના વિધાર્થીઓના હ્રદયમાં સંવેદના જગાડવાનો છે.આજનો વિધાર્થી આવતીકાલનો નાગરિક છે.તે ભવિષ્યમાં અધિકારી, રાજકીય નેતા, શિક્ષક, પ્રાધ્યાપક, ઉધોગપતિ, વેપારી જેવા ક્ષેત્રમાં પ્રસ્થાપિત થાય ત્યારે તેમના દિલમાં સંવેદના પડી હશે તો આવા વ્યક્તિઓના પુન:સ્થાપનનાં કાર્યને તે ટેકો કરશે તેમના માટે ઘડાતી નીતિઓ પ્રત્યે હકારાત્મક બની તેના પુન:સ્થાપનને વેગ મળે તેવો અંગત પ્રયાસ કરશે.
છેલ્લા ૮-૧૦ વર્ષથી સંસ્થાનો આ પ્રયાસ અવિરત રીતે ચાલુ છે. શરૂઆતનાં પ્રદર્શનમાં આવેલા પ્રસ્થાપિત થયેલા કેટલાક વિધાર્થીઓનો સંસ્થાને સહયોગ મળવા લાગ્યો છે.આવા લોકો સંસ્થાની પડખે ઉભા રહી અવનવા કાર્યક્રમોમાં મદદ કરી રહ્યા છે.અમારો ઉદેશ માત્ર અમારી સંસ્થાને સહયોગ મળે તેટલો મર્યાદિત નથી પરંતુ દેશના કોઇપણ છેડે આ સંસ્થા સાથે જોડાયેલો શાળા-કોલેજનો વિધાર્થી વિકલાંગોના સર્વાંગી વિકાસની યાત્રામાં પોતાનું યોગદાન આપવા આગળ આવતો રહે તે છે.
આજે જયારે આપ સૌ સમક્ષ મારા હ્રદયની વાતો મૂકી રહ્યો છુ ત્યારે અજ્ઞાનતાનાં કારણે સમાજમાં વ્યાપેલી નકારાત્મકતાના કારણે ઉદભવતી કેટલીક સમસ્યાઓ પ્રત્યે પગલે હ્રદયમાં આગ ભડકાની જેમ બળી રહી છે.દિલ્હીમાં એક દ્રષ્ટિહીન વિધાર્થી સામાન્ય વિધાર્થીઓ સાથે તેને થતા અન્યાય માટે ધરણામાં બેસે છે અને તેના પ્રત્યે પોલીસ ક્રુરતા પૂર્વક વર્તી તેના પર લાઠીઓનો વરસાદ વરસાવે છે.ત્યારે નેત્રહીન વિધાર્થી કહે છે:મારાપર લાઠી શા માટે ચલાવો છો? હું નેત્રહીન વિધાર્થી છું,પોતાના ચશ્માં કાઢી પોતે કશું જોઈ શકતો નથી તે દર્શાવવા પોતાની આંખો બતાવે છે.પોલીસ તરફથી જવાબ મળે છે”આંધળો છો અને યુનિવર્સીટી સામે ધરણા કરવા બેસાય છે?”.પોલીસને એ પણ ખબર નથી કે દેશના બંધારણ મુજબ દરેક અધિકાર તેમને પણ છે.આંખોની રોશની ગુમાવવાથી કોઈ અધિકાર જતો નથી પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ પ્રત્યે સામાન્ય દ્રષ્ટિકોણથી જોવામાં આવે તેવી માંગ આ પ્રકારના પ્રદર્શનથી લોકો સુધી મૂકી શકાય તે પણ ઉદેશ છે.
કોઇપણ અંધ વ્યક્તિને સમાજનો દરેક સભ્ય માનવ તરીકે જોવે તેવું તંદુરસ્ત વાતાવરણ ઉભું કરવામાં આ પ્રકારનાં કાર્યક્રમો શશી ભૂષણ પર પોલીસ દ્વારા જે અત્યાચાર થયો છે તે અટકશે તેવી મને શ્રદ્ધા છે