આંખ, કાન, જીભ, સ્પર્શ અને ગંધની અનુભૂતિ કરાવતી ૫ જ્ઞાન ઇન્દ્રિયનું ઇશ્વરે આપણને અનુદાન આપ્યું છે. તેના વડે આપણો વ્યવહાર ચાલે છે. જગતનું લગભગ ૮૦ ટકા જ્ઞાન આપણને આંખ દ્વારા પ્રાપ્ત થાય છે. ૨૦ ટકા જ્ઞાન બાકીની અન્ય ઇંદ્રિયો દ્વારા આપણને મળતું હોય છે. જેઓ આંખોની દૄષ્ટી ગુમાવે છે. તેમને બાહ્ય જગતનું જ્ઞાન મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. શ્રવણ ઇન્દ્રિય ઘણી મોટી પુર્તતા કરી આપે છે. સ્પર્શ અને ઘ્રાણ ઇન્દ્રિય જ્ઞાન મેળવવામાં ઘણુ મહત્વનું યોગદાન રહે છે. સુવ્યવસ્થીત તાલીમ પામેલ અંધજન સામાન્ય મનુષ્યની જેવુ જ જીવન ગુજારી શકે છે. અંધજનોને શિક્ષણ આપતી ખાસ શાળાઓએ આ દિશામાં ઘણા મહત્વના પગલાં ભર્યાં છે. સ્પર્શગમ્ય ઘણા સાધનો વિકસાવ્યા છે. શ્રવણ ઉપકરણોની મદદથી અંધજનો અભ્યાસક્રમ અને ઇતર વાંચનના પુસ્તકો વાંચી શકે તેવો પ્રબંધ ગોઠવી આપી જ્ઞાન પ્રાપ્તિના નવા દ્વાર ખોલી આપ્યા છે. એટલે આંખની અવેજીમાં અન્ય ઇન્દ્રિય વડે અંધજનો સામાન્ય લોકોની જેમ અવનવુ શિખી શકે છે. કેટલાંક પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ જાહેર પરીક્ષાઓ આપી સામાન્ય વર્ગના લોકો સાથે સ્પર્ધામાં ઊભા રહી સફળતા પણ મેળવતા હોય છે. આજ–કાલ ટેક્નોલોજી પાંગરી રહી છે. બ્રેઈલ–મી, ઓરબીટ જેવા ઉપકરણોએ દ્રષ્ટિની મર્યાદાને ઓળંગી કાર્યક્ષેત્રના નવા દ્વાર ખોલી આપ્યા છે. બ્રેઈલ–મી અથવા ઓરબીટની મદદથી બ્રેઈલમાં લખાયેલુ લખાણ સામાન્ય લીપીમાં મુદ્રીત કરી શકાય છે. જેઓ સખત પરીશ્રમ કરી આગળ ધપવા ઇચ્છે છે. તેમને આંખોની ગુમાવેલી દ્રષ્ટી બાધક બની વિકાસને અવરોધિ શકે તેમ નથી. વિશીષ્ટ ઉપકરણોની મદદથી કોઈ પણ અંધ વ્યક્તિ ઇચ્છે તેવા ક્ષેત્રમાં કાર્ય કરવા સમર્થ બની શકે છે. વિવિધ સંસાધનોની મદદથી દૄષ્ટિહીનો પણ પ્રગતિ કરી શકે છે.
બાળપણમાં આંખોની દૄષ્ટિ ગુમાવ્યા પછી માતાનું છત્ર જ્યારે ઇશ્વરે જુટવી લીધું. ત્યારે અચાનક મારા પર મુસિબતોનો પહાડ તુટી પડ્યો હોય તેવી અનેક સમસ્યાઓનો સામનો કરવાનુ દુ:ખ આવી પડ્યું હતું. પણ કેટલિક સમસ્યાઓનું સમાધાન સમય કરી આપતો હોય છે. જેમ–જેમ સમય પસાર થતો ગયો. તેમ–તેમ તેનો ઉકેલ પણ મળવા લાગ્યો હતો. બંધ આંખોમાં સપના સંતાકૂકડીની રમત રમવા આવી પહોંચતા હતા. પિતા ટપુભાઈ રાજકિય અને સામાજિક પડકારોના પહાડ નીચે દબાયેલા હતા. તેથી તેઓ મારી ખાણી–પિણીની સગવડ સિવાય ખાસ કંઈ કરી શકે તેમ ન હતા. બાળ ગોઠિયાઓની ટોળીએ મારામાં ધરબાયેલી શક્તિઓને જંકૄત કરી હતી. આત્મવિશ્વાસ દિન-પ્રતિદિન વધવા લાગ્યો હતો. લોકોની ઠોકરોએ મને જાગૄત કરી દીધો હોવાથી મારું ઘડતર અસાધારણ રીતે થઈ રહ્યું હતુ. ખરા–ખોટાની તુલના મારું મન કરવા ટેવાઈ ગયું હતુ. આ તમામ વિકાસ પામેલ શક્તિઓનો લાભ મને આજે મળી રહ્યો છે. સામાજિક સહયોગ મને આ બધા પરીબળોના લીધે વિશેષ મળી રહ્યો છે.
મારા બંધુઓ અને ભગીનીઓના સપના સજાવા હું સમાજના વિવિધ વર્ગોના લોકોને જોડવા માગુ છું. તેમાંય શાળા–કોલેજના વિદ્યાર્થીઓ મને આ બધી પ્રવૄત્તિઓનું ચાલકબળ બની શકે તેવો વિશ્વાસ જાગ્યો છે. છેલ્લા આઠ–દસ વર્ષથી હું આ દિશામાં પા–પા પગલી કરી રહ્યો છું. વર્ષ ૨૦૧૨માં ચાર દિવસનું વિશિષ્ટ પ્રદર્શન ગોઠવી પહેલા જ વર્ષે ઘણી બધી શાળા કોલેજોનો ટેકો મેળવી કદમ ઉપાડ્યું હતું. દર વર્ષે અવનવા શિર્ષક તળે વિકલાંગોના વર્ષ દરમિયાન આવતા ખાસ દિવસની ઉજવણીનાં ભાગરૂપે આયોજન કરવામાં આવે છે. જેમાં સંખ્યાંબંધ શાળા–કોલેજના વિદ્યાર્થીઓ, ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને શિક્ષણકારો, ધંધાદારી લોકો તેમજ આમ જનતાનો મોટો વર્ગ જોડાઈ રહ્યો છે. પરિણામે સુદ્રઢ સમાજ રચનાને બહોળો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. સમાજનો રચનાત્મક કેળવાયેલો અભિગમ દેશના અંતરિયાળ વિસ્તાર સુધી, વિસ્તરે તેવું હું મારું સપનું જોવા ઇચ્છુ છું. ખાસ કરીને દૄષ્ટિહીનો અને અન્ય ક્ષતિગ્રસ્ત લોકો માટે ભાવનગર જીલ્લો દેશનો આદર્શ જીલ્લો વર્ષો સુધી બની સેવા ક્ષેત્રનું નેતૃત્વ લઈ. આપણા સૌનું ગૌરવ વધારે તેવુ સપનું સાકાર કરવા ઇચ્છુ છું. મારા અંતર પ્રદેશના બાગમાં સેવાની મહેંક અવનવા કાર્યો કરવા ખેંચી રહી છે. મારી સેવાના સુગંધના સરનામે આપ સૌને પધારવા હૄદયથી પ્રાર્થના છે.
“ઉરમહી છલકાતી લાગણીના બુંદ,કાશ વાદળ થઈ વરસી પડે; એવુ પણ બને
ને તમે સૌ ભીંજાતા હૈયે કુદી પડો એવુ પણ બને.
મારી સુગંધની સેવાનું સરનામું,
વેદનાની વાટે જડે,એવુ પણ બને.”
આજથી બસ્સો વર્ષ પુર્વે અંધજનો અને વિકલાંગોની હાલત ઘણી જ દયનીય હતી. સમય જતા લોકોની વિચારધારામાં આમુલ પરીવર્તન આવવા લાગ્યું. પરિણામે તેના શિક્ષણ અને પુન:સ્થાપન માટેના નવા દ્વાર ખૂલ્યા. સમગ્ર વિશ્વભરમાં સેવાકિય સંસ્થાઓનો ઉદય થયો. દિવસે–દિવસે દુનીયાના દેશો વચ્ચે સંકલન સધાયું. એક બીજા દેશોની સંસ્કૃતિના વિકાસ સાથે વિકલાંગોના શિક્ષણની અવનવી સગવડો સ્થાપિત થઈ શકે તેવું વાતાવરણ ઊભુ થવા લાગ્યુ. ઉત્તમ કાર્યરીતીને વેગ મળે તેવી પદ્ધતિઓ વિકસાવવા બેઠકો યોજવા લાગી. માળખાકીય સવલત ઊભી કરી એકસુત્રતા સાધવામાં આવી. આવી પ્રવૃતિઓને વેગ મળે તેવું આયોજન થવા લાગ્યું હતુ. પરિણામે સંસાધનોની શોધને ઉત્તેજન મળવા લાગ્યુ. લુઈ બ્રેઈલ નામના અંધ વ્યક્તિએ બ્રેઈલ લીપીની શોધ કરી હતી. પરિણામે બ્રેઈલ લખી શકાય તેવા અનેક સાધનોની શોધ થઈ શકી. આજે બ્રેઈલ લીપીને કેન્દ્રમાં રાખી અનેક ટેક્નોલોજીના સાધનો અને સોફ્ટવેર આવી રહ્યા છે. વિશ્વભરના દેશો લુઈની શોધાયેલ બ્રેઈલ લીપીને બેજ બનાવી આગળ ધપી રહ્યા છે. ૨૦૧૭ ના વર્ષથી ૪ જાન્યુઆરી લુઈબ્રેઈલના જન્મદિવસને “વિશ્વ બ્રેઈલદિવસ” તરીકે ઉજવવાનું U.N.O દ્વારા નક્કી થયુ છે. તો ૧૯૯૨થી ત્રીજી (૩ જી) ડિસેમ્બરને સમગ્ર વિશ્વભરમાં “વિશ્વ વિકલાંગ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. જોકે આપણા દેશમાં જોઈએ તેટલી જાગૄતિ કે ઉત્સાહ સરકાર અથવા સામાન્ય જનસમુદાયનો વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણીમાં નજરે પડતો નથી. વિકલાંગ લોકોના કલ્યાણ ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓએ વિશ્વ વિકલાંગ દિવસની ભવ્ય ઉજવણીનાં કાર્યક્રમો ગોઠવવા જોઈએ. સરકારને આવા કાર્યક્રમોનું આયોજન કરવા પ્રોત્સાહન પુરુ પાડવા રજુઆત કરવી જોઈએ. અથવા સરકારના પ્રતિનીધિઓને આવા કાર્યક્રમોમાં નિમંત્રિત કરી તેમનામાં સંવેદના જગાડવી જોઈએ. વર્ષ ૨૦૧૪ માં અમારી સંસ્થાએ ગુજરાત રાજ્યના મહામહીમ રાજ્યપાલ શ્રી ઓમ પ્રકાશ કોહલીને આમંત્રિત કરી બોલાવ્યા હતા. તેમની વિશેષ ઉપસ્થિતિમાં પ્રજ્ઞાચક્ષુ બાળકોનો “દીવ્ય દ્રષ્ટીના કલા સાગરમાં ડુબકી” સાંસ્કૄતિક કાર્યક્રમ અને “ઓલવાયા અંધારા ને ચમક્યા સિતારા” વિશિષ્ટ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.ત્રિ-દિવસીય પ્રદર્શન જોવા શાળા કોલેજના હજારો વિદ્યાર્થીઓ, શિક્ષકો, પ્રાધ્યાપકો, વેપારીઓ ઉદ્યોગપતિઓ અને આમનાગરિકો ઉમટી પડ્યા હતા. રાજ્યપાલ પધારવાના હોય તેવા કાર્યક્રમોમાં પ્રોટોકોલ ખાતર શહેર અને જીલ્લાના મુખ્ય અધિકારીઓ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ જવાબદારીના ભાગરૂપે હાજર રહેવાનું ફરજીયાત હોવાના લીધે લગભગ મોટા ભાગના અધિકારીઓ ઉપસ્થીત રહ્યા હતા. પરિણામે અંધજનોની વિશીષ્ટ શક્તિઓનો સંદેશ તેમના સુધી પહોંચાડવાનું સરળ થઈ ગયુ હતુ. ઉચ્ચ અધિકારીઓ થોડા ઉદાર બની અંધજનોની શક્તિઓને જાણવા સમય ફાળવશે તો સમાનતાનો સૂર્ય સોળે કળાએ ખીલી ઉઠશે. તેની મને પુરી શ્રદ્ધા છે.
તારીખ ૩ થી ૫ ડીસેમ્બર ૨૦૧૯ ના “અનોખુ ઉડાન અમારુ” વિશિષ્ટ પ્રદર્શનને પણ શાળા કોલેજો અને સામાન્ય જનતાનો ટેકો મળશે. તેવી મને શ્રદ્ધા છે.
ઇશ્વર પડકારરૂપ જિંદગીની મંજીલ હાંસલ કરવા અને અન્ય લોકો માટે કેડી કંડારવા મંજીલ પરના મુકામ પર પહોંચવા મોકલે છે. તેવા પડકારરૂપ લોકોને ટેકો કરવાની દરેક માનવ સમાજના શિક્ષિત વર્ગની નૈતિક ફરજ બને છે.
આંખ ગુમાવાથી જે અંધકાર છવાય છે. તેના કરતા લોકોની લાગણીના અભાવે ઉદાસિનતાના કારણે વ્યાપતા ઘોર અંધકારથી વધુ હાની પહોંચે છે. સરકારની અસંગત નીતિઓ, મનસ્વી નિર્ણયો, અમાનવીય વ્યવહાર, વહીવટી શીથીલતાના કારણે વિકલાંગોને ડગલે ને પગલે સહન કરવું પડે છે. તેટલું કુદરતી પડકારને લઈ કરવું પડતું નથી. વિકલાંગતાના કારણે ઊભી થતી સમસ્યાઓ સામે વિકલાંગ વ્યક્તિ લડી શકે છે. પણ નિષ્ઠુર બનેલા અધિકારી સામે વિકલાંગ વ્યક્તિ જજુમવા છતાં ધાર્યું પરિણામ મેળવી શકે નહિ. જ્યારે આપણે ભોજન લઈ તૃપ્ત બનીએ છીએ. ત્યારે આપણને ભૂખ્યા લોકોની પિડાનો વિચાર આવતો નથી. ભૂખમરો સહન કરી મરતા લોકો પ્રત્યે સંવેદના જાગવાના બદલે કોઈવાર ભૂખે ટળવળતા લોકો પ્રત્યે રોષ જાગે છે. આપણું જ્ઞાન સંવેદનાનું ગળુ દબાવી દિલમાં છુપાયેલા રાક્ષસને જગાડે છે. માણસની રાક્ષસીવૄત્તિ આવા લોકોને મદદ કરવાના બદલે. હડધૂત કરવા પ્રેરે છે. આવી ચેષ્ટાઓ આપણા મગજ પર ખોટા સિકકાની જેમ છાપ જમાવી દે છે. ખોટા સિક્કાના અવાજના રણકારની જેમ અંગત તૃષ્ણાનું ડહાપણ કબજો જમાવી દે છે. કામચોરી અને સ્વાર્થી અધિકારી વિકલાંગોને મદદ કરવાના બદલે સલાહના વરસાદ વડે ભીંજવી હાકી કાઢે છે. બનાવટી લાગણીના શબ્દો ખોટા ફૂલની જેમ સુગંધ આપ્યા વિના ખરી પડે છે. કેટલિક બાબતો શબ્દના ગજ વડે માપી શકાતી નથી. તેમ છતાં આપણે આપણો ગજ ચલાવ્યા કરીએ છીએ. વળી સંગીતકાર અને દરજીના ગજ જુદા હોય છે. દરજીનો ગજ માપ કાઢી શકે છે, પણ તેના વડે વાયોલીનના સૂરો છેડી શકાતા નથી. જે ગજ વડે સંગીતકાર સૂરોની સરગમ છેડી શકે છે. તે ગજ દરજીના કાપડનું માપ કાઢી શકતો નથી. તેથી તે દરજીના કામનો રહેતો નથી. અંધ વ્યક્તિ પ્રકૄતિના વૈભવની સુંદરતા માણી શકતો નથી. પણ તેની આહલાદકતાને પામી વિશ્વ બ્રમ્હાંડનું સંગીત જરૂર સાભળી શકે છે. દ્રશ્યજગત તેના માટે ભલે દુર્લભ હોય. પણ શ્રાવ્ય જગતનો તે માલિક અને ભોમિયો સાબીત થયો છે. મૄગની નાભીમાં કસ્તુરી હોવા છતાં તેની અજ્ઞાનતાના લીધે તે સુગંધની શોધ માટે બહારની દુનીયામાં ભટકી–ભટકીને વલખા મારી પોતાનો પ્રાણ ગુમાવે છે. કારણ તેને સુગંધના સરનામાની ખબર નથી. જે પોતાનું હીત જાણતા નથી, તે મૄગની જેમ બાહ્યજગતનાં સુખ પાછળ દોડતા રહે છે. આખરે જિંદગીના દિવસો પુરા થતા ઇચ્છાનું ખાલી ગાડું લઈ દુનિયામાંથી વિદાય થવું પડે છે. માટે મારે ને તમારે સુગંધનું સરનામું જાણવું પડશે.
મને મારું સરનામું મળી ગયુ છે. સેવાની સુગંધનું સરનામું થોડું અટપટુ જરૂર લાગતું હોય છે, પણ આપણા ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા ધીરજ ધારણ કરવી પડે છે. સુગંધ વ્યક્તિને શ્રેય તરફ દોરી જાય છે. શ્રેય એટલે કલ્યાણ. કલ્યાણનો માર્ગ કઠિન અને દુષ્કર લાગે છે. વળી આ માર્ગમાં દુ:ખ રૂપી કંટકનો સામનો કરવો પડે છે. પણ આત્મકલ્યાણનો માર્ગ પીડિતોની સેવાના સુગંધના સરનામે મળી આવે છે. પણ સુખની લાલચમાં લોભાયેલો પ્રેયના માર્ગે યાત્રા કરતો રહે છે. પરિણામે તે સંસારી સુખ પાછળ દોડતો રહે છે. તેને પ્રેયના માર્ગે સંસારી સુખ જરૂર જડી જાય છે. પણ “સુગંધનું સરનામું” હાથતાળી લગાવી સરકી જાય છે.
(લેખક:- લાભુભાઈ ટી. સોનાણી)